પોરબંદરના ગાંધી સ્મૃતિ ભવનમાં ઠેર-ઠેર કચરાના ઢગ…! તંત્ર બેફીકર

દેશ-વિદેશથી પર્યટકો અહીં આવે છે

સાફ સફાઇ અનિયમિત: લેસર શો પણ બંધ કરાયો: યોગ્ય જાળવણી અંગે અનેક વખત રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી હલતુ નથી

સરકાર ઘણી વખત બિનજરુરી કામોમાં કરોડો રૂપિયા વેડફી નાખતી હોય છે. પરંતુ જે જરુરી કામો કે ઐતિહાસિક ધરોહર સમાં સ્મારકોની જે જાળવતી થવી જોઇએ અને તેના માટે પૈસા વાપરવા જોઇએ ત્યાં તંત્ર-પ્રશાસન ખર્ચો કરવામાં પાછી પાની કરે છે. ત્યારે સ્વાભાવિક રીતે લોકોમાં રોષ જોવા મળે છે.

આવા જ પોરબંદરના ગાંધી સ્મૃતિ ભવનના હાલ બન્યા છે સ્વચ્છતા આગ્રહી એવા ગાંધીજીના સ્મૃતિ ભવનની હાલ કોઇ જાળવણી કે સાફસફાઇ થતી નથી જેથી ગાંધી વાદીઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ અંગે તંત્રને અનેકવખત રજુઆત કરવા છતાં કોઇ પગલા લેવાયા નથી.

મહાત્મા ગાંધીળની જન્મભૂમિ પોરબંદરમાં ચોપાટી ખાતે ગાંધી સ્મૃતિ ભવનનું નિમાર્ણ તો કરી દેવામાં આવ્યું છે, પરંતુ તંત્રની બેદરકારીને કારણે હાલ આ સ્મૃતિ ભવન ખંઢેર જેવી હાલતમાં જોવા મળે છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. પોરબંદર મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે.

ત્યારે કીર્તી મંદિર તેમજ બાપુના જન્મસ્થાન સહિતના સ્થળોની મુલાકાતે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. જેને ધ્યાનમાં લઈ પોરબંદરની ચોપાટી પર કનકાઈ મંદિર નજીક કરોડો રૂપીયાના ખર્ચે ગાંધી સ્મૃતિ ભવનનું નિમાણ કરવામાં આવ્યું છે.

આ સ્મૃતિભવનમાં લેઝર શો પણ શરૂ કરવામાં આવ્યો છે. સરકારી તંત્રને માત્ર પ્રજાના પૈસા વાપરી નાખવામાં જ રસ હોય તેમ ગાંધી સ્મૃતિભવનના નિમાણ બાદ તેની યોગ્ય જાળવણી કરવામાં આવી નથી.

અહીં સાફસફાઈ પણ નિયમિત રીતે થતી નથી. તો રાત્રીના સમયે આ સ્થળ આવારા તત્વોનો અડો પણ બની રહ્રાું છે.

લેઝર શો પણ અહીં બંધ કરી દેવામાં આવ્યો છે. ગાંધી સ્મૃતિ ભવનની જાળવણી માટે અનેક સંસ્થાઓએ રજુઆત કરી છે. તેમ છતાં સરકારી તંત્રને જાણે કંઈ પરવા જ ન હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે ગાંધી જન્મભૂમિમાં જ ગાંધી સ્મૃતિ ભવનની જાળવણી ન થતા ગાંધીપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્રાો છે.

Loading...