Abtak Media Google News

રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોનીક સરકયુલેશનનાં કારણે ઠંડીમાં ઘટાડાની સાથે ધુમ્મસભર્યું ધાબળીયું વાતાવરણ: કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી: વહેલી સવારે ધુમ્મસ ભર્યા વાતાવરણમાં ઠંડીના અનુભવ બાદ બપોરે ગરમીનો અહેસાસ

રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોનીક સરકયુલેશનનાં કારણે ગુજરાતમાં પણ ઠંડીમાં ઘટાડાની સાથે ધુમ્મસભર્યું અને ધાબળીયું વાતાવરણ છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યું છે જેને લઈને હવામાન વિભાગે રાજયનાં ઘણાખરા જિલ્લામાં હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યકત કરી છે. આ સાથે જ એક જ દિવસમાં ત્રણ નહીં પરંતુ ચાર ઋતુ માણી શકાય તેવો માહોલ રાજકોટમાં સર્જાયો છે. સવારે ધુમ્મસભર્યું વાતાવરણ ત્યારબાદ થોડી ઠંડી અને બપોરે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે સાથોસાથ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજયનાં લગભગ તમામ વિસ્તારોમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચકાયો છે અને ઠંડીનું પ્રમાણ ઘટયું છે. બીજી તરફ સૌરાષ્ટ્ર સહિત અન્યત્ર વિસ્તારમાં દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી ત્રણ દિવસમાં રાજકોટ, પોરબંદર, દ્વારકા વિસ્તારમાં છુટાછવાયા વરસાદ પડે તેવી આગાહી અને ત્યારબાદ ફરીથી ઠંડીનો દૌર શરૂ થશે તેવી હવામાન વિભાગે શકયતા વ્યકત કરી છે. રવિવારે દિવસભર પવનની ગતિ ધીમી પડી હતી અને રાતે ઠંડીનું પ્રમાણ પણ જોવા મળ્યું હતું. રાજસ્થાન પર ચક્રવાત ફરતું થયું છે આ બંને સ્થિતિની ક્રિયા-પ્રતિક્રિયાને કારણે સૌરાષ્ટ્રનાં દ્વારકા, પોરબંદર અને રાજકોટ તેમજ વડોદરામાં અને દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

7537D2F3 14

આજે વહેલી સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૯.૬ ડિગ્રી અને મહતમ તાપમાન ૩૧.૩ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ પણ સૌથી વધુ ૯૬ ટકા નોંધાયું છે અને પવનની ગતિ ૩ કિલોમીટર પ્રતિ કલાકની રહેવા પામી છે. જયારે નલીયાનું લઘુતમ તાપમાન ૧૦.૨ ડિગ્રી અને મહતમ તાપમાન ૩૦ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા અને ૬ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જુનાગઢમાં પણ તાપમાનનો પારો ૧૨.૬ ડિગ્રી નોંધાયો છે અને હવામાં ભેજનું પ્રમાણ પણ વધતા ઠંડીનું પ્રમાણ ઘટયું છે.

રાજયભરનાં લઘુતમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૩.૭ ડિગ્રી, ડિસાનું તાપમાન ૧૫.૪ ડિગ્રી, વડોદરાનું ૧૪.૨ ડિગ્રી, સુરતનું ૧૫.૮ ડિગ્રી, રાજકોટનું ૧૯.૬ ડિગ્રી, કેશોદ-જુનાગઢનું ૧૨.૬ ડિગ્રી, ભાવનગરનું ૧૬ ડિગ્રી, પોરબંદરનું ૧૫.૪ ડિગ્રી, વેરાવળનું ૧૬.૧ ડિગ્રી, દ્વારકાનું ૧૯.૫ ડિગ્રી, ઓખાનું ૨૦.૨ ડિગ્રી, ભુજનું ૧૭.૨ ડિગ્રી, નલીયાનું ૧૦.૨ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૬ ડિગ્રી, અમરેલીનું ૧૨.૫ ડિગ્રી, ગાંધીનગરનું ૧૨.૫ ડિગ્રી, મહુવાનું ૧૫.૧ ડિગ્રી, દિવનું ૧૫ ડિગ્રી અને વલ્લભવિદ્યાનગરનું ૧૫.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. હવામાન ખાતાનાં જણાવ્યા અનુસાર આગામી ૩ દિવસ ઠંડી ઓછી રહેશે. રાજકોટ, પોરબંદર અને દ્વારકા પંથકમાં હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આવતીકાલ સુધી હવામાન અસ્ત-વ્યસ્ત રહેવાની શકયતા છે જોકે હવામાન ચોખ્ખુ થશે અને ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.