Abtak Media Google News

સતત ત્રીજા દિવસે ચાંદપા ગામ સીલ: કેસ સાથે સંબંધિત તમામ લોકોના નાર્કો ટેસ્ટ કરવા સીએમ યોગીનો આદેશ

ઉત્તરપ્રદેશના હાથરસમાં થયેલા ગેંગરેપ કાંડને લઈ યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારે એસપી, ડીએસપી સહિતના પાંચ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે તો સતત ત્રીજા દિવસે પણ સમગ્ર ચાંદપા ગામ સીલ રહ્યું હતું. હાથરસ ગેંગરેપ કાંડ દિવસે ને દિવસે રાજકીય ગરમાવો પકડી રહ્યું છે. દિલ્હીના જનપથ પર તમામ વિપક્ષોએ એકઠા થઈ સીએમ યોગી આદિત્યનાથની સરકાર વિરુધ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે અને યોગી આદિત્યનાથના રાજીનામાની માંગ ઉચ્ચારી છે.

આ બનાવને પગલે હાથરસનું ચાંદપા ગામ સજ્જડ બંધ કરી દેવાયું છે. પોલીસ કર્મચારીઓએ પીડિતાના પરિવારને કોઈ સાથે મળવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ બાબતને લઈ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માંગ કરી છે કે પીડિત પરિવાર પર કોઈ પ્રતિબંધ લાદવો ન જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ૧૪ સપ્ટેમ્બરના રોજ ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાના ચાંદપા ગામે દલિત સમાજની યુવતી પર ગેંગરેપની ઘટના સામે આવી હતી. પીડિત યુવતીએ નિવેદનમાં ચાર યુવાનોના નામ આપ્યા હતા જે અનુસાર પોલીસે આ કેસમાં ચારેય આરોપીની ધરપકડ કરી લીધી હતી. જો કે, આ સમગ્ર ઘટનામાં પોલીસ અને વહીવટીતંત્ર અનેક આક્ષેપોનો સામનો કરી રહ્યાં છે.

તો હવે યોગી સરકારે એસપી વિક્રાંતવીર અને અન્ય ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. આ અન્ય ચાર પોલીસ અધિકારીઓમાં રામ શાબ્દ, દિનેશ કુમાર વર્મા, જગવીરસિંઘ અને મહેશ પાલનો સમાવેશ થાય છે. આ મામલે સીટ બેસાડવામાં આવી છે જેને લઈ સીએમ યોગીએ કહ્યું છે કે, સીટના કહેવા મુજબ કાર્યવાહી થશે. એસઆઈટીએ તમામ આરોપીના નાર્કોટેસ્ટ કરવાનું સુચવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.