હરિજયંતીએ BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા ઓનલાઈન ધૂન, મહાપૂજા યોજાઇ

65

લોકડાઉનમાં સમગ્ર દિવસ દરમિયાન બીએપીએસના હજારો ભક્તો-ભાવિકોએ ઓનલાઇન સત્સંગ સભાનો લાભ લીધો

કોરોના પ્રકોપને પગલે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી. એસ.સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દર સપ્તાહે યોજાતી રવિ સત્સંગ સભા તથા અઠવાડિક સત્સંગ સભાનો લાભ ભારત અને વિશ્વના જુદા જુદા દેશોમાં વેબકાસ્ટિંગ, ટીવી, મોબાઈલ સહિતના પ્રસાર માધ્યમો દ્વારા લાખો-કરોડો હરિભક્તોએ ઘરે બેઠા લઈ રહ્યા છે.

ગઇ કાલે ચૈત્ર સુદ નોમ ભગવાન  સ્વામિનારાયણનો ૨૩૯મો પ્રાગટ્યોત્સવ. હોય દર વર્ષે લાખો હરિભક્તો ઉત્સાહભેર ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યોત્સવ પર્વ નિમિતે દેશ-વિદેશમાં મંદિરે આરતી, ધૂન, મહાપૂજા, અભિષેક અને સત્સંગ સભાનો લાભ લેતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે બી.એ.પી.એસ.ના સર્વે હરિભક્તોએ ઘેર બેઠાં જ વિવિધ પ્રસાર માધ્યમો દ્વારા ઉત્સવનો લાભ લીધો હતો. ભારત સહિત દેશ-વિદેશના કતારથી લઈ કેનેડામાં આબાલ વૃદ્ધ સૌ કોઈ હરિભક્તો આ ઉત્સવમાં સહભાગી થયા હતા.

ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવ ઉપક્રમે રાજકોટ બી.એ.પી.એસ.ના હજારો ભક્તો- ભાવિકોએ ઘેર બેઠાં જ ઇન્ટરનેટ દ્વારા ઠાકોરજીના વિશિષ્ટ દર્શન, નીલકંઠવર્ણી અભિષેક અને સંતોના સંગે મહાપૂજાવિધીનો લાભ પ્રાપ્ત કર્યો હતો. જેમાં  શણગાર આરતી દર્શન,  મહાપૂજા, નીલકંઠવર્ણી અભિષેક, નામાવલી પાઠ,  નીલકંઠવર્ણી આરતી દર્શન,  અને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવી હતી. અંતમાં પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી દ્વારા લોકડાઉનના આદેશને અનુસરી ઘેર બેઠા સમગ્ર દિવસ દરમ્યાન ભગવાન  સ્વામિનારાયણના ઉપદેશામૃત,

વચનામૃતમાં દર્શાવ્યા પ્રમાણે આધ્યાત્મિક માર્ગે ચાલતા મુમુક્ષુઓને એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટેના ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એમ ચાર પાયારૂપ સાધનોનું વિવિધ માધ્યમો દ્વારા મનન અને ચિંતન કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાંજે ભારતીય સમય મુજબ ૮:૦૦ થી ૧૦:૨૦ દરમ્યાન બી.એ.પી.એસ.ના વિશ્વના તમામ સેન્ટરોમાં હરિભક્તોએ વેબકાસ્ટના માધ્યમથી ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યોત્સવની વિશિષ્ટ સભાનો લાભ લીધો હતો.

પ્રથમ વખત યોજાયેલ આ આયોજનમાં સૌ હરિભક્તો પોત-પોતાના ઘરેથી ઉત્સાહભેર જોડાયા હતા. વહેલી સવારે મહાપૂજાનું આયોજન હોઈ નાના બાળકો સહિત તમામ હરિભક્તો પવિત્ર વસ્ત્રો પહેરી ઘરમંદિરમાં સુંદર સુશોભન કરી મહાપૂજામાં જોડાયા હતા. જેમાં સૌએ ટીવી, લેપટોપ કે ટેબલેટમાં ઈન્ટરનેટ દ્વારા મંદિરેથી સંતોના માર્ગદર્શન મુજબ ઠાકોરજીની આરતી, થાળ અને અભિષેકનો લાભ પ્રાપ્ત કર્યો હતો. મંદિરેથી સંતો દ્વારા મહાપૂજા વિધિમાં જોડાનાર તમામ હરિભક્તોની નામાવલીનું ઠાકોરજી સમક્ષ પૂજન કરવામાં આવ્યું અને તમામ સંતો દ્વારા ભગવાન સમક્ષ આ નામાવલીનો સમૂહ પાઠ કરી ધૂન કરવામાં આવી હતી. લોકડાઉનના આદેશમાં રાજકોટ બી.એ.પી.એસ.ના ૪૦૦૦થી અધિક પરિવારોના ૧૨૦૦૦થી અધિક હરિભક્તોએ ઘેર બેઠા ભગવાન  સ્વામિનારાયણના ૨૩૯મા પ્રાગટ્યોત્સવ પર્વની ઉજવણી કરી સમગ્ર રાજકોટને શિસ્ત અને સંયમનો ખૂબ સુંદર સંદેશ પૂરો પાડ્યો હતો.

Loading...