Abtak Media Google News

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામરહીમની સજાના એલાન બાદ હિંસા ભડકાવવાની આરોપી હનીપ્રીત ઈન્સાનને આજે પંચકુલાની કોર્ટમાં રજુ કરાઈ. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે હનીપ્રીતને કોર્ટ લાવવામાં આવી હતી. સલવાર સૂટ પહેરેલી હનીપ્રીતે મોંઢુ ઢાંકી રાખ્યું હતું. હનીપ્રીતના પહોંચતા પહેલા જ તેની બહેન અને વકીલ પ્રદીપ આર્ય કોર્ટમાં પહોંચી ચૂક્યા હતાં. સુનાવણી દરમિયાન હરિયાણા પોલીસે હનીપ્રીતના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પરંતુ કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં. પોલીસે હનીપ્રીતના મોબાઈલની પણ માંગણી કરી છે. પોલીસના જણાવ્યાં મુજબ હનીપ્રીતે હિંસાના દિવસે એ જ ફોનનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં જ્યારે તે ફરાર હતી ત્યારે પણ તે તેના ફોન દ્વારા જ લોકોના સંપર્કમાં હતી. આ બાજુ હનીપ્રીતના વકીલે પોલીસની માગણીનો વિરોધ કર્યો હતો. હનીપ્રીતના વકીલ એસ કે ગર્ગે કહ્યું કે તેમના ક્લાયન્ટ પર કોઈ પણ પ્રકારે રાજદ્રોહનો કેસ બનતો નથી. સમગ્ર સુનાવણી દરમિયાન હનીપ્રીત કોર્ટના જજ સમક્ષ ખુબ ભાવુક બની ગઈ હતી. તે હાથ જોડીને રડી પડી હતી. તેણે પોતાને નિર્દોષ ગણાવી હતી. અત્રે જણાવવાનું કે રામરહીમને સજા સંભળાવ્યાં બાદ થયેલી હિંસામાં 30થી વધુ લોકોના મોત નિપજ્યાં હતાં. રામરહીમની ધરપકડ બાદથી હનીપ્રીત ફરાર હતી અને પોલીસે તેની તલાશમાં ઠેરઠેર છાપા માર્યા હતાં. આખરે 38 દિવસે તે પકડમાં આવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.