Abtak Media Google News

ગુરુ નાનક દેવજી શીખ ધર્મના સંસ્થાપક જ નહી પરંતુ માનવ ધર્મના ઉત્થાપક પણ હતા. તેઓ કોઇ એક ધર્મના ગુરુ નહોતા પરંતુ આખી સૃષ્ટિના જગદગુરુ હતા. તેમનો જન્મ પૂર્વ ભારતની પાવન ધરતી પર કારતક પૂર્ણિમાના દિવસે ૧૪૬૯માં લાહોરથી નજીક ૪૦ કિલોમીટરે આવેલ તલવંડી નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કલ્યાણરાય મહેતા હતું અને માતાનું નામ તૃપ્તાજી હતું. ભાઈ ગુરુદાસજી લખે છે કે આ સંસારના ત્રાસી ગયેલ પ્રાણીઓને સાંભળીને અકાળ પુરખ પરમેશ્વરે આ ધરતી પર ગુરુ નાનકને
પહોંચાડ્યા. નાનકનું જન્મસ્થળ અલૌકિક જ્યોતિથી ભરાઈ ગયું હતું. તેમના મસ્તકની પાસે તેજ આભા પ્રસરેલી હતી. પુરોહિત પંડિત હરદયાલે જ્યારે તેમનાં દર્શન કર્યા ત્યારે જ તેમને ભવિષ્યવાણી કરી દીધી હતી કે આ બાળક ઈશ્વર જ્યોતિનું સાક્ષાત અલૌકિક સ્વરૂપ છે. નાનપણથી જ ગુરુ નાનકનું મન આધ્યામિક જ્ઞાન તેમજ લોક કલ્યાણના ચિંતનમાં ડૂબેલ હતું. બેઠાં બેઠાં ધ્યાન મગ્ન થઈ જતાં હતા અને ક્યારેક ક્યારેક આ અવસ્થા સમાધિ સુધી પહોંચી જતી હતી.

ગુરુ નાનકદેવજીનું જીવન તેમજ ધર્મ દર્શન યુગાંતકારી લોકચિંતન દર્શન હતાં. તેમણે સાંસારિક યથાર્થથી સંબંધ નહોતો તોડ્યો. તેઓ સંસારના ત્યાગ અને સંન્યાસના વિરોધી હતા કેમ કે તેઓ સહજ યોગના હામી હતા. તેમનું માનવું હતું કે મનુષ્ય સંન્યાસ લઈને પોતાનું તેમજ લોક કલ્યાણ કરી શકે નહી જેટલો કે તે સ્વાભાવિક અને સહજ જીવનમાં રહીને કરી શકે છે. એટલા માટે તેમણે ગૃહસ્થ ત્યાગીને ગુઆઓ, જંગલોમાં બેસવાથી પ્રભુ પ્રાપ્તિ નથી થતી પરંતુ સંસારમાં રહીને માનવ સેવા કરવીએ શ્રેષ્ઠ ધર્મ ગણાવ્યો. સફળ ગૃહસ્થ જીવનનો મંત્ર આપ્યો. આ જ ગુરુ મંત્ર શીખ ધર્મની મુખ્ય આધારશીલા છે. એટલે સાચા મનથી ઇશ્વરનું નામ જપો, ઈમાનદારી અને પરિશ્રમથી કામ કરો તેમજ ધન દ્વારા દુ:ખી, અસહાય અને જરૂરતમંદ લોકોની સેવા કરો. ગુરુ ઉપદેશ છે કે આ રીતે ગુરુ નાનકજીએ અન્નને શુદ્ધતા, પવિત્રતા અને સાત્વિકતા પર જોર આપ્યું. ગુરુજી એક વખત એક ગામમાં પહોચ્યા તો તેમને બે ઘરેથી ભોજનનું નિમંત્રણ આવ્યું. એક નિમંત્રણ ગામના ધનવાન મુખીનું હતું અને બીજું નિર્ધન સુથારનું હતું. ગુરુ નાનકજીએ મુખીના ઘીથી બનાવેલ મીઠાઈને સ્વીકાર ન કરતાં સુથારના ઘરે બનાવેલ સુકી રોટલીઓનો સ્વીકાર કર્યો. આનાથી પર મુખીએ પોતાનું અપમાન સમજ્યું. ગુરુજીએ જ્યારે મુખીઓની રોટલીઓને નીચોવી ત્યારે તેમાંથી લોહી ટપક્યું. બીજી બાજું ખેડૂતની રોટલીઓને નીચોવી તો તેમાંથી શુદ્ધ દૂધની ધારા થઈ. ગુરુ નાનકજી જણાવ્યું કે મુખીની કમાણી અનીતિ. અધર્મ, અત્યાચાર અને શોષણ દ્વારા પ્રાપ્ત કરેલ કમાણી છે જ્યારે કે સુથારનું આ અન્ન ઈમાનદારી, મહેનતની કમાણીનું હતું.

તેમની અંદર જરા પણ અનીતિ, અન્યાય, શોષણ અને મેલ ન હતો. કુઅન્નના પ્રભાવથી મન મેલું, પ્રદૂષિત તેમજ વિકારોથી યુક્ત થઈ જાય છે. આવું ભોજન ગમે તેટલું સ્વાદિષ્ટ હોય તે ગ્રહણ કરવા યોગ્ય નથી. શુદ્ધ, સાત્વિક, નીતિ-ધર્મનું પાલન કરતાં પ્રાપ્ત કરેલ હોય તે આહાર માણસ મનને વિકાર રહિત, નિર્મળ, પવિત્ર અને સાત્વિક બનાવે છે. આ જ રીતે ઈશ્વરીય ભાવ તેમજ ભયની સાથે પૂરી ઈમાનદારી સાથે કર્મ કરવાની વાત પણ ગુરુજીએ કહી. નાનકજીએ બધા જ ધર્મોને શ્રેષ્ઠ ગણાવ્યા છે. જરૂરત છે ધર્મના સત્ય જ્ઞાનને
આત્મસાત કરીને પોતાના વ્યવહારિક જીવનમાં લાવવાનું. ગુરુજીએ ધાર્મિક તેમજ સામાજિક વિષમતાઓ પર જોરદાર પ્રહાર કર્યો. તેમણે વાણીની અંદર હિંદુ અને મુસલમાન બંને માટે એકાત્મકતાના બીજ રોપ્યાં. તેમનું માનવું હતું કે સંપુર્ણ સૃષ્ટિના ઈશ્વર એક જ છે. આપણે બધા તો તેનાં બાળકો છીએ. આપણો ધર્મ એક છે. ગુરુજી સ્વયં પણ એકેશ્વરમાં પૂર્ણ વિશ્વાસ રાખે છે. તેમનો દૃષ્ટિકોણ સમન્વયવાદી હતો. તેઓ કહે છે ઊંચ નીચનો ભેદભાવ દૂર કરવા માટે હું સ્વયં પણ ઊંચી જાતિ કહેનારાઓની સાથે નથી, પરંતુ જેમને નીચી જાતિના કહેવામાં આવે છે તેમની સાથે છું. ગુરુ નાનકદેવનું વ્યક્તિત્વ તેમજ કૃતિત્વ જેટળું સરળ, સીધું અને સ્પષ્ટ છે કે તેનું અધ્યયન અને અનુસરણ પણ એટલું જ વ્યાવહારિક ગણી શકાય તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.