Abtak Media Google News

મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટક બાદ હવે ગુજરાતના વિકાસમાં આઈટી સેકટરનો મહત્વનો ફાળો રહેશે

રાજય સરકારના નિર્ણયથી હવે આઈટી સેકટરને પણ મેન્યુફેકચરીંગ ક્ષેત્ર જેવા લાભા-લાભ મળશે

આઈટી અને આઈટીઈએસ (ઈન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ આઈટી ઈનેબલ સર્વિસીસ)ને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજય સરકારે તેને ઉદ્યોગનો દરજ્જો આપ્યો છે. હવેથી આઈટી સેકટરની કંપનીઓ પણ મેન્યુફેકચરીંગ ક્ષેત્રની જેમ ઉદ્યોગીક તેમજ સરકારી લાભો મેળવી શકશે.

અત્યાર સુધી મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં આઈટી અને તેને સંલગ્ન સેવાઓને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો હતો. હવેથી આ રાજયોની યાદીમાં ગુજરાતનો સમાવેશ પણ થઈ ચૂકયો છે. આઈટી અને તેને સંલગ્ન સેવાઓને ઉદ્યોગોનો દરજ્જો મળતા હવેથી કંપનીઓને જમીન તેમજ વીજળીમાં ઈન્સેન્ટીવ મળશે. ઉપરાંત બહોળા પ્રમાણમાં મુડી રોકાણો પણ ખેંચાઈ આવશે.

જીઈએસઆઈએ આઈટી એશોસીએશનના ચેરમેન વિવેક ઓગરાએ સરકારના આ નિર્ણય અંગે કહ્યું હતું કે, હવેથી આઈટી ક્ષેત્રને વિકાસના મહત્વના સ્થંભ તરીકે જોવામાં આવશે. અત્યાર સુધી રાજયમાં કેમીકલ્સ અને ફાર્માસ્યુટીકલ્સને વિકાસના એન્જીનના મહત્વના સોર્સ ગણવામાં આવતા હતા. જેમાં આઈટી ક્ષેત્ર પણ જોડાઈ ચૂકયું છે. સરકારના આ નિર્ણયથી આઈટી ક્ષેત્રની હરણફાળની આશા નિષ્ણાંતો વ્યકત કરી રહ્યાં છે.

નિષ્ણાંતોના મત અનુસાર આઈટી ક્ષેત્ર અને તેને સંલગ્ન સેવાઓને ઉદ્યોગોનો દરજ્જો મળી જતા હવે આઈટી કલ્સ્ટર ઉભુ થશે. આઈટી ક્ષેત્રને તંદુરસ્ત ઈકો સીસ્ટમ મળી રહેશે અને રાજયના આર્થિક વિકાસમાં આઈટી ક્ષેત્ર મહત્વનો ફાળો આપશે. આઈટી ક્ષેત્રને પણ હવે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (એસજીએસટી)નો લાભ મળશે.

આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલી મોટાભાગની ગુજરાતની કંપનીઓ એસએમઈ દરજ્જાની છે. જેવું દર વર્ષે ૫૦ થી ૧૦૦ ટકાના દરે વિકાસ કરે છે. હવેથી ઉદ્યોગના દરજ્જાના કારણે બહોળા પ્રમાણમાં મુડી રોકાણ આવશે. કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશની જેમ ગુજરાતમાં પણ આઈટી ક્ષેત્રનો ભરપુર વિકાસ થશે.

અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬માં રાજય સરકારે આઈટી અને તેને સંલગ્ન સેવાઓ અંગેની પોલીસી તૈયાર કરી હતી. જેમાં આગામી પાંચ વર્ષમાં આઈટી ક્ષેત્રને હરણફાળ ભરાવવાનું લક્ષ્ય હતું. આઈટી ક્ષેત્રમાં આગામી ૫ વર્ષમાં ૧૦ ગણુ મુડી રોકાણ આવે અને તેનું ટર્નઓવર બે બીલીયન ડોલરથી પંદર બીલીયન ડોલર પહોંચે તેવી તૈયારી સરકારની હતી ત્યારે આઈટી અને તેને સંલગ્ન સેવાઓને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવતા આ લક્ષ્ય સરળ જણાય રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.