Abtak Media Google News

૨૫મી નેશનલ સાયન્સ કોંગ્રેસનો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી: મુખ્યમંત્રી પદભાર સંભાળ્યાં બાદનાં પ્રથમ જાહેર કાર્યક્રમમાં બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં ઉપસ્થિત રહ્યાં

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદના સાયન્સ સિટીમાં ૨૫મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટ વિશ્વાસ દર્શાવ્યો છે કે ૨૦૩૦માં ભારતને વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે ટોપ-થ્રી નેશનમાં સ્થાન ન અપાવવાનો પાયો-બુનિયાદ આ સાયન્સ કોંગ્રેસે ગુજરાતથી નાખ્યો છે. મુખ્યમંત્રીએ અમદાવાદમાં આ સાયન્સ કોંગ્રેસને ખુલ્લી મુકતા કહ્યું કે, આ બાળ વૈજ્ઞાનિકો જય જવાન-જય કિસાન-જય વિજ્ઞાનના સમન્વયથી નયા ભારતનું શક્તિશાળી સમર્થ રાષ્ટ્રનું નિર્માણ કરશે. આ સાયન્સ કોંગ્રેસમાં ભારતના ૩૦ રાજ્યોના તેમજ ૬ એશિયન  દેશોના મળીને ૯૦૦ બાળ વૈજ્ઞાનિક ભાગ લઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા જરૂરી છે તેમ જણાવી ગુજરાતની ધરતી પર પધારેલા સૌ બાળ વૈજ્ઞાનિકોને આવકાર્યા હતા.

ભારતની સંસ્કૃતિ ઋષિ-મુનિઓની સંસ્કૃતિ છે. પ્રાચીન સમયથી આધુનિક સમય સુધી ભારતના વૈજ્ઞાનિક અને તેમની શોધે સમગ્ર વિશ્વને જ્ઞાનનો માર્ગ બતાવ્યો છે તેમ તેમણે જણાવ્યું હતું.

તેમણે પ્રાચીનકાળમાં ચરક, આર્યભટ્ટથી માંડીને આધુનિક સમયમાં જગદીશચંદ્ર બોઝ, શ્રીનિવાસ રામાનુજમ સુધીના વૈજ્ઞાનિકોએ સમય-સમયે ભારતની ધરતી પર જન્મ લઇ જ્ઞાન-વિજ્ઞાન ક્ષેત્રે ભારતનું નામ રોશન કર્યું છે. તેમણે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડો.એ.પી.જે. અબ્દુલ કલામનું ઉદાહરણ આપી બાળકોની વિચાર ક્ષમતા કેટલી સશક્ત હોય છે તે જણાવી તેમના જીવનમાંથી પ્રેરણા લેવા બાળકોને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ ત્યારબાદ બાળ વૈજ્ઞાનિકોની શોધ સંશોધનનું પ્રદર્શન ખુલ્લું મુક્યું હતું અને કૃતિ રસપૂર્વક નિહાળી હતી. વિજયભાઇ રૂપાણી પોતે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો પછીનો પ્રથમ જાહેર કાર્યક્રમ બાળ વૈજ્ઞાનિકોને પ્રેરણા-પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિશ્વાસ દર્શાવ્યો કે જય જવાન- જય કિસાન-જય વિજ્ઞાનના સમન્વયથી આ બાળ વૈજ્ઞાનિકો નયા ભારતનું નિર્માણ કરશે.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગનાં સચિવ ધનંજય દ્વિવેદીએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, ૨૫મી ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ યુવા વૈજ્ઞાનિકોને આગળ વધવા માટે ઉદ્દીપક સમાન બની રહેશે. ભવિષ્યની પેઢીને શું આપીશું તેનું બીજ સિંચન આવા કાર્યક્રમથી થતું હોય છે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું. ૨૫મી ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસના આ શુભારંભમાં ભારત સરકારના ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસના સંયોજક સુજીત બેનર્જીએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું.

આ કાર્યક્રમમાં સાન્યસ સીટીના કાર્યકારી નિદેશક  એસ.ડી.વોરા, એડવાઇઝર  નરોત્તમ સાહુ, સાલના અધ્યક્ષ  રાજેન્દ્ર શાહ, નિયામક  રૂપેશ વસાણી, વરિષ્ઠ અધિકારીઓ, એશિયન દેશોના પ્રોફેસર, વિદ્યાર્થીઓ, દેશના ૩૦ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાંથી આવેલા કુલ ૯૦૦ વિદ્યાર્થીઓ, પ્રોફેસર, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.