Abtak Media Google News

૪૨ વર્ષ બાદ અંતે ગુજરાત પોલીસ મેન્યુઅલ અંગ્રેજીની જગ્યાએ ગુજરાતીમાં પ્રકાશીત કરવા તૈયારી

૪૨ વર્ષના લાંબા ઇન્તેજારને અંતે હવે ગુજરાત પોલીસ મેન્યુઅલ (માર્ગદર્શિકા) ગુજરાતીમાં પબ્લીશ થઇ છે. વર્ષ ૧૯૭૫માં ૧૦૦૦થી વધુ પાનાની પોલીસ મેન્યુઅલના ત્રણ વોલ્યુમ પબ્લીશ થયા હતા તે અંગ્રેજી ભાષામાં હતા. હવે ૪૨ વર્ષ બાદ રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા આ વોલ્યુમને ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં ગુજરાત પોલીસ મેન્યુઅલ અંગ્રેજીમાં હોવાના કારણે ઘણા લોકો તે સમજી શકતા ન હતા. અત્યાર સુધી બિનસત્તાવાર રીતે ગુજરાત પોલીસ મેન્યુઅલનું અનેકવખત ખાનગીમાં ભાષાંતર થઇ ચૂક્યું છે. હવે સરકારે સત્તાવાર રીતે અનુવાદ કરવાનો નિર્ણય લીધો છે. ટુંક સમયમાં ગૃહ મંત્રાલય અને કાયદા વિભાગને આ અનુવાદ સોંપવામાં આવશે તેવુ રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડિરેકટર વિકાસ સહાયનું કહેવું છે.

વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે ગુજરાત પોલીસ મેન્યુઅલ અમલમાં ન હતું ત્યારે ગુજરાત પોલીસ બોમ્બે પોલીસ એક્ટ અનુસાર કામગીરી કરતી હતી. આશ્ર્ચર્યજનક રીતે સરકારને ચાર દાયકા બાદ એકાએક ગુજરાત પોલીસ મેન્યુઅલને ગુજરાતીમાં પ્રકાશિત કરવાનો વિચાર આવ્યો છે. જેનાથી પોલીસના જવાનોને માર્ગદર્શિકાની જાણ રહેશે. અત્યાર સુધીમાં ગુજરાત પોલીસ મેન્યુઅલની ત્રણ આવૃત્તિ પ્રકાશિત થઇ ચુકી છે. પ્રથમ આવૃત્તિમાં પોલીસ ફોર્સનું એડમીનીસ્ટ્રેશન, બીજી આવૃત્તિમાં પોલીસ ખાતાઓની ગાઇડલાઇન તેમજ ત્રીજી આવૃત્તિમાં ગુના અને તપાસ અંગેનું માર્ગદર્શન અપાયું છે.  હાલ પ્રથમ વોલ્યુમના અનુવાદ બાદ ટુંક સમયમાં બીજી અને ત્રીજી આવૃત્તિ પણ અનુવાદીત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.