Abtak Media Google News

લીંબડી ખાતે કૃષિ મંત્રીની હાજરીમાં સુરસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ

લીંબડી ખાતે કૃષિ મંત્રી આર.સી ફળદુની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સુરસાગર ડેરીની  વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં પશુપાલન પ્રવૃત્તિને વેગ મળે અને લોકો કૃષિના પૂરક વ્યવસાય તરીકે પશુપાલનને સ્વીકારે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ પ્રોત્સાહક નીતિઓ જાહેર કરી છે, આ પ્રોત્સાહક નીતિઓના પરિણામે આજે ગુજરાતે ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સમગ્ર દેશમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, દૂધ ઉત્પાદક સંઘો દૂધનું પ્રોસેસિંગ કરીને દૂધને બાય પ્રોડક્ટ તરીકે વેલ્યુ એડીશન ચેઈનમાં ચડાવે છે. આવા દૂધ ઉત્પાદક સંઘોને મુશ્કેલીના સમયમાં હંમેશા મદદરૂપ થવાનો રાજ્ય સરકારનો અભિગમ રહ્યો છે.

આ તકે મંત્રીએ ગુજરાતના માળખાગત આવકના સાધનોમાં દૂધ ઉત્પાદન પ્રવૃતિની મહત્વની ભૂમિકા રહી છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, રાજ્યના પશુપાલકોને દૂધના યોગ્ય ભાવ મળી રહે તેમજ પશુપાલકો અને દૂધ ઉત્પાદક સંઘોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે રાજ્ય સરકાર સતર્કતાથી કામગીરી કરી રહી છે. આ પ્રસંગે મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તેદુધ ઉત્પાદક સંઘની સભાસદ મરણોત્તર સહાય યોજના અન્વયે સભાસદના વારસદારને સહાયના ચેક વિતરણ કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણા,સુરેન્દ્રનગર દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન બાબાભાઈ ભરવાડ,  વાઇસ ચેરમેની અલ્પેશભાઈ સામંડ, અગ્રણીઓ સર્વ જગદીશ ભાઈ મકવાણા, દિલીપભાઈ પટેલ, દૂધ ઉત્પાદન સંઘના મેનેજિંગ ડિરેક્ટર ગુરુદિત પ્યારાસિંઘ તેમજ દુધ ઉત્પાદક સંઘના ડિરેક્ટરીઓ સહિત મોટી સંખ્યામાં સંઘના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.