Abtak Media Google News

નખત્રાણા અને અબડાસા તાલુકામાં અછત રાહત કાર્યોનું આકલન કર્યુ: નારાયણ સરોવર ગામની ગલીમાં ફરી ગ્રામજનોને પ્રત્યક્ષ મળતા કોમન મેન

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગત વર્ષે સૌથી ઓછો વરસાદ જ્યાં વરસ્યો હતો તે અછતગ્રસ્ત કચ્છ જિલ્લાની એકદિવસીય પ્રત્યક્ષ મૂલાકાત લઇ પાણી, ઘાસચારો, પશુધન વગેરેની સર્વગ્રાહી સ્થિતીનો કયાસ કાઢયો હતો. વિજયભાઇ રૂપાણીએ લખપત અને અબડાસાના નારાયણ સરોવર અને કોટેશ્વરની મૂલાકાતથી કચ્છ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.

મુખ્યમંત્રીએ સ્થાનિક પ્રજાજનો સાથે સંવાદ સાધતા તેમને સ્પષ્ટ સધિયારો આપ્યો હતો કે માનવી કે પશુધન સુધ્ધાને પીવાના પાણીની કોઇ તકલીફ ન પડે તેનું આયોજન સરકારે કરેલું જ છે.તેમણે ગ્રામજનોને ભાવવાહી સહજ શબ્દોમાં કહ્યું કે સરકાર તમારી ચિંતા કરે છે એટલે તમે-ગ્રામજનો પાણી, ઘાસચારા અછતની સ્થિતી એ બધી ચિંતા કરવાનું છોડી દ્યો.10052019 Cm At Narayan Sarover Loko Sathe Mulakat 5

વિજયભાઇ રૂપાણીએ અછતગ્રસ્ત વિસ્તારો પ્રત્યેની ખેવના ઉજાગર કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારે ઓછા વરસાદ થતાંની સાથે જ વહેલાસર એટલે કે સપ્ટેમ્બર માસમાં જ ૯૬ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી દીધા હતા. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસુ ૧૫ જૂનથી બેસી જતું હોય છે. પણ, પાણી અંગેનું આયોજન ૩૧ જુલાઇ સુધીનું છે. એટલે, પીવાના પાણી બાબતે કોઇએ પણ સ્હેજ પણ ચિંતા કરવાની જરૂર નથી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ટેન્કર દ્વારા જ્યા પાણી આપવામાં આવે છે, ત્યાં પશુઓ માટે ૨૦ લીટર પાણી વધુ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ આ વિસ્તારના માત્ર બે જ ગામોમાં ટેન્કરથી પાણી અપાય છે. પાણી અંગે કોઇ સમસ્યા હોય તો તેનો ત્વરિત ઉકેલ લાવવાની સરકારની નેમ છે અને પાણીને અગ્રિમતા આપવામાં આવી રહી છે. કચ્છને ૨૦૨૨ સુધી પાણીની સમસ્યામાંથી સંપૂર્ણ  મુક્ત કરી દેવાનો સંકલ્પ પણ તેમણે વ્યકત કર્યો હતો.10052019 Cm Bsf Mitting 5

મુખ્યમંત્રીએ અચાનક જ નારાયણ સરોવર ગામમાં લોકોને મળવા પહોંચીને કોમનમેન તરીકેની સહજતા દર્શાવી હતી. ગામની શેરીઓમાં ફરી તેઓ ગ્રામજનોને મળ્યા હતા અને તેમની સાથે સ્થાનિક સ્થિતીની ચર્ચા કરી હતી. અહીં આવેલા પ્રવાસીઓને પણ તેઓ મળ્યા હતા.

તેમણે અબડાસા અને લખપત તાલુકાની અછતની સ્થિતિનું આકલન કરવા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઇ રહેલા અછત રાહતના કામોની સમીક્ષા કરી હતી. ઉપસ્થિત અધિકારીઓને મુખ્યમંત્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે, પાણી અંગે કોઇ ફરિયાદ આવે તો તેનો તુરંત નિકાલ લાવવો અને ટેન્કરની તમામ માંગણીઓ પૂર્ણ કરવી.

આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ કચ્છની સ્થિતીનો ચિતાર રજુ કરતાં જણાવાયું કે, નખત્રાણા અને લખપત તાલુકાના ૨૨૦ ગામોમાં કુલ ૧૭૪૭૫ ઘાસકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેમાં ૧,૬૩,૬૨૮ પશુઓનો નિભાવ કરવામાં આવે છે. ૧૨૫ કેટલ કેમ્પમાં ૬૩૫૨૪ પશુ આશરો લઇ રહ્યા છે. આ બન્ને તાલુકામાં ૩૧ ઘાસ ડિપો ખોલવામાં આવ્યા છે. ચાર પાંજરાપોળને રાહત દરે ૬,૧૩,૮૫૪ કિલો ઘાસ રાહત દરે આપવામાં આવ્યું છે. અછતગ્રસ્ત બન્ને તાલુકામાં મનરેગા હેઠળ એપ્રિલ માસની સ્થિતિએ ૬૩ કામો લેવામાં આવ્યા છે. જેના થકી ૬૩૦૧ વ્યક્તિને રોજગારી મળી છે અને ૬,૮૬,૩૫૧ માનવ દિન રોજગારીનું સર્જન થયું છે.

આ વિસ્તારોમાં પીવાના પાણીની સ્થિતીના સંદર્ભમાં જણાવવામાં આવ્યું કે, પાણી પુરવઠા બોર્ડની ૬૩ યોજના હેઠળ ૧૪૩ગામોની બે લાખથી વધુ વસ્તીને આવરી લેવામાં આવી છે. આ માટે ૧૨૦૮ કિમિ લાઇન બિછાવવામાં આવી છે. પાણી માટે બાવન સ્થાનિક સ્ત્રોત, કાચા કૂવા બે, ચાલુ કરવામાં આવેલા કાચા કૂવા પાંચ અને કચેરી હસ્તકના ૭ ટેન્કર મારફત પાણી વિતરણ કરવામાં આવે છે. પાણીના સ્ત્રોતની વિગતો જોઇએ તો સ્થાનિક સ્ત્રોતથી ૬ એમએલડી, નર્મદાનું ૧૭.૫ એમએલડી, વ્યક્તિગત યોજનાનું ૯ એમએલડી મળી કુલ ૩૨.૫ એમએલડી પાણી આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.