Abtak Media Google News

૨૦૧૦ બેચનાં આઈ.એ.એસ. અધિકારી સપ્ટેમ્બર ૨૦૧૯થી વડાપ્રધાન કાર્યાલયમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવે છે

એક આગવી છાપ ધરાવતા અને ૨૦૧૦ બેંચનાં આઈ.એ.એસ. અધિકારી હાર્દિક શાહને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં પર્સનલ સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. તેઓ સપ્ટેમ્બર-૨૦૧૯થી ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયાનાં ડેપ્યુટેશન ઉપર વડાપ્રધાન કાર્યાલયમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા હતા. હાલ તેઓ આઈએએસ અધિકારી રાજીવ ટોપનોની જગ્યાએ આવ્યા છે. ગુરૂવારના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેઈનીંગ વિભાગ દ્વારા તેઓની નિયુકિતનો હુકમ કરવામાં આવ્યો હતો. ગત વર્ષે તેઓ પર્યાવરણ મંત્રાલયમાં પ્રકાશ જાવડેકરનાં પર્સનલ સેક્રેટરી તરીકે પણ પોતાનું કાર્ય કર્યું હતું. હાર્દિક શાહની નિયુકિત બાદ એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, તેઓ હવે વડાપ્રધાન મોદીનાં પડછાયાની જેમ સતત તેમની સાથે રહેશે. ગુજરાતમાં પણ તેઓએ તેમની આગવી શૈલીમાં કાર્ય કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભરોસો જીત્યો હતો જેના ફળશ્રુતીરૂપે તેઓને પર્સનલ સેક્રેટરી તરીકે નિયુકિત આપવામાં આવી છે. હાર્દિક શાહ મુળ એન્વાયરમેન્ટ એન્જીનીયર રહી ચુકયા છે. હાર્દિક શાહે પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં પણ ઈજનેર તરીકે જોડાયા હતા અને ત્યારબાદ તેઓ બોર્ડનાં સચિવ તરીકે પણ નિમાયા હતા. ગુજરાત રાજયમાં પ્રદુષણ ફેલાવતા એકમો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી પણ કરી હતી જેમાં તેઓએ વાપી, અંકલેશ્ર્વર, વટવા, ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્રદુષણ ઓછુ થાય તે માટેનાં સક્રિય પ્રયત્નો પણ કર્યા હતા. ૨૦૧૪નાં વર્ષમાં તેઓ આઈ.એ.એસ. અધિકારી તરીકે નોમીનેટ કરવામાં આવ્યા હતા અને કેન્દ્રનાં ડેપ્યુટેશન ઉપર તેઓ દિલ્હીમાં પોતાનું કાર્ય શરૂ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.