Abtak Media Google News

જીટીયુ સંલગ્ન કોલેજોમાં પ્રવેશ મેળવનાર વિવિધ ૨૨ દેશોનાં ૮૨ વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્યની શુભકામના પાઠવતા કુલપતિ શેઠ અને કુલસચિવ ડો.કે.એન. ખેર

રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનું બહુમાન ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ફાળે જાય છે. છેલ્લા એક દશકથી પણ વધુ સમયથી સમગ્ર રાજ્ય તેમજ દેશ- વિદેશમાં ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે જીટીયુ કાર્યરત છે. વર્ષ-૨૦૧૩થી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ આપવા બાબતે જીટીયુ સમગ્ર રાજ્યમાં પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ચાલુ શૈક્ષણીક વર્ષમાં જીટીયુમાં વિવિધ ૨૨ દેશોના ૮૨ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. અત્યાર સુધી જીટીયુમાં ૪૮ દેશના ૮૨૮થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશ અને  આંતરરાષ્ટ્રીય સ્તર પર જીટીયુ હંમેશા અગ્રેસર રહે છે. તેના પરિણામ સ્વરૂપે સતત ૩ વર્ષથી વિદેશી વિદ્યાર્થી માટે જીટીયુમાં પ્રવેશ મેળવવા માટેની પ્રથમ પસંદગી હોય છે. જીટીયુના  કુલસચિવ ડો. કે. એન. ખેરે પણ પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવી હતી. ભારત સરકારની ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન (આઈસીસીઆર) દ્વારા દેશની વિવિધ ૧૭ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જેમાં ૩ ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી જીટીયુ એકમાત્ર યુનિવર્સિટી છે જેમાં વિશેષ પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. અફધાનીસ્તાન, નામ્બિયા, મોઝામ્બિક, અંગોલા, બાંગ્લાદેશ, ઈથોપીયા, કેન્યા, મડાગાસ્કર, સાઉથ સૂડાન , સ્વિઝીલેન્ડ, યુગાન્ડા સહિતના ૨૨ દેશના ૮૨ વિદ્યાર્થીઓએ ચાલુ શૈક્ષણીક વર્ષમાં જીટીયુ સંલગ્ન કોલેજોમાં પ્રવેશ મેળવ્યો છે. આ સાથે જ ટેક્નિકલ એજ્યુકેશન ક્ષેત્રે છેલ્લા ૭ વર્ષથી સૌથી વધારે વિદેશી વિદ્યાર્થીઓએ ધરાવતી યુનિવર્સિટી તરીકે જીટીયુ નામ પ્રથમ હરોળમાં આવે છે. ડિપાર્ટમેન્ટ ઑફ ઈન્ટરનેશનલ રિલેશન (ડિઆઈઆર)ના હેડ ડો. કેયુર દરજી દ્વારા આ સંદર્ભે જણાવ્યું હતું કે, જીટીયુમાં ડિઆઈઆરની અંતર્ગત સમગ્ર રાજ્યમાં એકમાત્ર  આઈટી બેઝ્ડ ફોરેન સ્ટુડન્ટ સેલ કાર્યરત છે. જેમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશથી લઈને ડિગ્રી સુધીની તમામ અદ્યતન સવલતો પૂરી પાડવામાં આવે છે. પેન્ડામિક સમયમાં પણ વિવિધ શાખાઓમાં પ્રવેશ મેળવનાર પ્રથમ સેમેસ્ટરના ૮૨ વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. લોકડાઉન સમયમાં પણ જીટીયુમાં અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની રહેવા-જમવા સાથેની સુવિધા જીટીયુ દ્વારા કરવામાં આવી હતી. ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓની અંતિમ વર્ષની પરીક્ષા પણ ઓનલાઈન લઈને તેમની કારકિર્દી માટેના ઉત્તમ નિર્ણય જીટીયુ દ્વારા કરવામાં આવેલા છે. આગામી દિવસોમાં પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ઓફલાઈન ક્લાસ શરૂ થતાં વિદ્યાર્થીઓ જીટીયુ ખાતે હાજર થશે. જીટીયુ દ્વારા કરવામાં આવેલા વિદેશી યુનિવર્સિટીઓ સાથેના એમઓયુનો લાભ પણ પ્રવેશ મેળનાર તમામ વિદ્યાર્થીઓને મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.