Abtak Media Google News

ગુજરાત સરહદી રાજ્ય હોવાથી નાણાં પંચ સમક્ષ  ખાસ પેકેજ માંગતી સરકાર

ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ૧૫ માં નાણાં પંચ સમક્ષ ગુજરાત સરકાર દ્વારા અનેક બાબતોને લઈ રજુઆત કરવામાં આવી છે ત્યારે જીએસટીને લઈ ગુજરાતનું આર્થિક ચિત્ર ડામાડોળ થઈ શકે તેમ હોવાની આશંકા વ્યક્ત કરી ગુજરાતનું પ્રવર્તમાન ૨૧ ટકા દેવું ઘટાડી ૨૦ ટકા કરવા નાણાં પંચે સૂચન કર્યું હતું.
૧૫મા નાણા પંચના ચેરમેન પોતાની ટીમ સાથે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી ગયા છે. મુખ્યમંત્રી રૂપાણી સહિતના નેતાઓ સાથેની વાતચીત બાદ નાણા પંચના ચેરમેન એન.કે. સિંઘે ગાંધીનગરમાં  કેટલીક મહત્વની બાબતો જણાવી હતી. જેમાં સૌથી વધુ અગત્યની વાત જીએસટીનાં સંદર્ભમાં કરી છે. તેઓનું સ્પષ્ટ રીતે કહેવું છે કે, ગુજરાતનો આર્થિક વિકાસ ઘણો જ સારો છે. આમ છતાં ગુજરાતમાં જીએસટીની આવકના અંદાજો એ મોટો પડકાર છે. જીડીપી રેશિયોની સામે ગુજરાત સરકારે ધીમે ધીમે તેના જાહેર દેવામાં પણ ઘટાડો કર્યો છે. સને ૨૦૨૩-૨૪ સુધીમાં આ રેશિયો ઘટીને ૨૦ ટકા થઈ જશે.

ચેરમેને જણાવ્યું હતું કે, તાજેતરમાં જ ગુજરાત સરકારે આરોગ્ય અને એજ્યુકેશન ક્ષેત્રમાં સુધારા માટે ખર્ચ વધાર્યો છે. આગામી વર્ષો પણ આ જ બે ક્ષેત્રોમાં ધ્યાન અપાશે. અમે દેશભરમાં રાજ્યોની મુલાકાત લેવાના છીએ. ગુજરાતમાં તમામ સ્તરે આર્થિક વિકાસ થયો છે. ગુજરાત સરકાર દ્વારા પંચને અગાઉથી જ આવેદનપત્ર અપાયું હતું. અમે તેનો અભ્યાસ કરી લીધો છે.

સરકારે પંચને કેટલાક સૂચનો પણ કર્યા છે. પંચ તરફથી ગુજરાતને વધુ નાણાંકીય સહાય (હિસ્સો) મળે તેવી માગણી પણ કરાઈ છે. ગુજરાતે કેટલાક ઈનોવેશન પણ કર્યા છે. જેના પર વિચાર કરાશે. ગુજરાતની પ્રોગ્રેસ વચ્ચે જીએસટી વધુ પ્રશ્નો ઉભા કરી શકે છે. ગુજરાતની નાણાંકીય ખાધ પણ ત્રણ ટકાથી નીચે છે.

કેન્દ્ર અને રાજ્યોએ પોતાનાં જીએસટીની આવકનાં પ્રોજેક્શનો આપ્યા છે જેમાં ઘણા મોટા ફેરફારો થઈ શકે છે. પંચ પણ જીએસટીની આવકના પોતાના પ્રોજેક્શનો આપશે.

જીએસટીના સંદર્ભમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેઓની સાથે નાણા પંચના સભ્ય શશિકાંત દાસે જણાવ્યું હતું કે, જીએસટીની અપેક્ષા મુજબની આવક મળતી નથી. જીએસટીના અમલને એક વર્ષ પૂર્ણ થશે ત્યારે નક્કર બાબતો ખબર પડશે. ઉલ્લેખનીય છે કે ચાર વર્ષથી સરકાર દ્વારા પંચ દ્વારા અપાતી સહાયનો રીપોર્ટ વિધાનસભામાં મુકાતો નથી. જેના સંદર્ભમાં ચેરમેને ખાતરી આપી છે કે સરકાર સાથે વાતચીત થઈ ગઈ છે અને આ રીપોર્ટ વિધાનસભામાં મુકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.