Abtak Media Google News

૨ લાખ બોરી મગફળીનો સંગ્રહ કરાયેલા ગોડાઉનમાં લાગેલી આગ હજુ બેકાબુ  વહીવટી તંત્ર અને પોલીસ ખડેપગે

ટેકાના ભાવની મગફળી ખરીદીમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ આચર્યું હોવાની શંકાના લબકારા ઉઠતા હતા. આ લબકારા કૌભાંડમાં સંડોવાયેલાઓને ભડકે બાળે તે પૂર્વે જ ગોંડલમાં ઉમવાડા રોડ પર ખાનગી ગોડાઉનમાં આગ ફાટી નીકળતા તેમાં રાખેલી સરકારી મગફળીની બે લાખ બોરી ખાખ થઈ ગઈ છે. આ તકે અગન જવાળા સાથે ઘટના પણ શંકાસ્પદ હોવાના કાળા ડિબાંગ ધૂમાડા નીકળતા રાજકોટ જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેએ ફોરેન્સિક તપાસના તેમજ ગોંડલ પ્રાંત અધિકારીને મેજીસ્ટેરીયલ ઈન્કવાયરી કરવાના પણ આદેશ આપ્યા છે.

મગફળીના ભાવ તળિયે બેસી જતા સરકાર ટેકાના ભાવે ખેડૂતોની મગફળી લેવા આગળ આવી હતી. પરંતુ તેમાં દલાલો, કમિશનબાજો અને વહીવટદારોએ ખેલ પાડીને ભોળા ખેડૂતો પાસેથી ૭-૧રના દાખલા વગેરે દસ્તાવેજો લઈને તેનું વેચાણ કરીને ખિસ્સા ભરી લીધાનું કૌભાંડ ભૂગર્ભમાંથી સપાટી પર આવી રહ્યું છે. બરાબર આવા સમયે જ ગોંડલ શહેરના ઉમવાડા રોડ પર દિનેશભાઈ અંબાણીના રામરાજ જીનિંગ મીલના વેરહાઉસમાં ગુજકોટ અને નાફેડ દ્વારા રાખવામાં આવેલ અંદાજે બે લાખ બોરી મગફળીના જથ્થામાં આગ ભભૂકી ઉઠતા ફાયર ફાઈટરો દોડી ગયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૃપ લેતા કાળા ધૂમાડાના વાદળો શહેરભર ઉપર છવાઈ ગયા હતા.

ઘટનાની જાણ મામલતદાર સવાણી, ચીફ ઓફિસર પટેલ વગેરેને થતા ઘટના સ્થળે દોડી ગયા હતા. સૌરાષ્ટ્ર ઝોનના વેર હાઉસ મેનેજર મગનલાલ ઝાલાવડીયાએ જણાવ્યું હતું કે જુનાગઢ, પોરબંદર, જામનગર વિસ્તારમાંથી ટેકાના ભાવથી ખરીદાયેલી અંદાજે બે લાખ બોરી મગફળીનો જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો. સાંજના સુમારે વેરહાઉસમાંથી ધૂમાડા નીકળતા પગીનું ધ્યાન જતા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. જેથી ગોંડલ, રાજકોટ, જેતપુર અને ધોરાજીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ ગોડાઉનમાં ઈલેક્ટ્રિક કનેક્શન પણ ન હતું. આમ છતાં આગ કઈ રીતે લાગી તે પ્રશ્ન તપાસ માંગી લે છે. નોંધનીય છે કે તાજેતરમાં જ કચ્છમાં પણ મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. ત્યારબાદ ગોંડલમાં ઘટના બની છે. આ ઘટના અંગે હજુ કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ ગુજરાત વેર હાઉસ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગાંધીનગરથી એફએસએલ અધિકારીઓ આ ઘટનાની તપાસ અર્થે રુબરૃ આવવા નીકળી ગયા છે.

એક બોરીમાં ૩પ કિલો મગફળીનો જથ્થો ભરવામાં આવે છે. આ બોરીની ખરીદી ૧પ૭પની થયેલ છે. જેમાં રરપ રૃપિયા ખર્ચ ચડતા સરકારને એક બોરીની પડતર ૧૮૦૦ રૃપિયા થવા પામી છે. ત્યારે આવી બે લાખ બોરી મગફળી ખાખ થઈ જતા અંદાજે ૩૬ કરોડની મગફળીનો નાશ થયો છે.

આગનું વિકરાળ સ્વરુપ જોતા લોકોના ટોળા ઉમટયા હતા. અને ચર્ચા કરવા લાગ્યા હતા કે આગ લાગી નથી પરંતુ લગાડવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે. ટેકાના ભાવમાં મગફળી ખરીદીમાં આચરવામાં આવેલું પાપ છાપરે ચડીને પોકારે તે પહેલા તેનો નાશ કરવાનું કારસ્તાન કરવામાં આવ્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું.

મેનેજર ઝાલાવડીયાએ જણાવ્યું હતું કે મગફળીની બોરી દીઠ ૧૮૦૦ રૃપિયાનો વીમો લેવામાં આવ્યો હતો. એક જ માલિકના બાજુ બાજુમાં આવેલા બે ગોડાઉનમાંથી એકમાં ૧.૭૦ લાખ અને બીજામાં ૩૦ હજાર બોરી મગફળી રાખવામાં આવી હતી. એક ગોડાઉનની આગ બીજામાં ન પ્રસરે તેની તકેદારી સાથે ૩૦ હજાર બોરી મગફળી બચાવી લેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આવી મોટાભાગની ઘટનામાં સેન્ટરવાળા અને ખરીદી વાળાની ગોલમાલ હોય તો જ આગ લાગે છે. ગોડાઉન ફરતે અને માલ ફરતે ચાર ફૂટ જગ્યા છોડવાના નિયમ હોય છે. એવામાં આગ લાગવાની શક્યતા ઘટી જાય. રાજકારણ અને વચેટીયાઓની સાંઠગાંઠને કારણે મંડળી ફડચામાં જતી હોય તેને પણ કામ આપવામાં આવે છે. છેવટે ખોટું થાય અને આગ લાગી જાય છે. એકંદરે પ્રજાના પૈસા બગડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.