Abtak Media Google News

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ કુલ ૨૧.૬૪ લાખ અરજીઓની સામે ૨.૭૨ લાખ અરજીઓ મંજુર

વૈશ્વિક મહામારી કોરોનાથી ઘણાખરા વ્યવસાયોને તેની માઠી અસરનો સામનો કરવો પડયો છે ત્યારે નાના ધંધાર્થીઓ તથા ફેરીયાઓને પણ આર્થિક રીતે અનેકવિધ પ્રકારે તકલીફો અને સમસ્યાઓ ઉદભવિત થઈ છે. સરકાર દ્વારા આ તમામ ધંધાર્થીઓને ફરીથી બેઠા કરવા અને તેઓને આર્થિક રીતે સઘ્ધર કરવા માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની અમલવારી કરવામાં આવી છે જેમાં કોઈપણ સિકયોરીટી વગર ૧૦ હજાર રૂપિયાની લોન બેંકો દ્વારા નાના ફેરીયાઓ તથા નાના ધંધાર્થીઓને આપવામાં આવશે. આ સ્કિમ હેઠળ સરકારે પારદર્શકતા દાખવવા માટે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે જેનાથી લાભ લેનાર લોકોને લોન અથવા તો સહાય મળી છે કે કેમ તે અંગે વિગતવાર માહિતી પણ એકત્રિત કરી શકાશે. સરકારનો લક્ષ્યાંક છે કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ દેશના ૫૦ લાખ જેટલા ફેરીયાઓને આવરી લેવામાં આવે જે માટે સરકારે નાણાના કોથળા ખુલ્લા મુકવા બેંકોને આદેશ કર્યો છે જેથી નાના ધંધાર્થીઓ કે જે કોરોનાથી અસરગ્રસ્ત થયા હોય તે ફરી આત્મનિર્ભર અને સ્વાવલંબી બની શકે.

O

૫૦ લાખ ફેરીયાઓના લક્ષ્યાંક સામે હાલ ૨૧ લાખ અરજીઓ આવી છે જેમાંથી ૯ લાખ અરજીઓની લોનને મંજુરી પણ આપી દેવામાં આવી છે. આ યોજનાનો મહતમ લાભ લેવા માટે ૪૬ ટકા શાકભાજી અને ફ્રુટના વેપારીઓએ અરજી કરેલી છે. મુખ્યત્વે ૨૧ લાખ અરજીઓની સામે સાડા નવ લાખ જેટલા ફ્રુટ અને શાકભાજીના વેપારીઓએ આ યોજનાનો લાભ લેવા માટે પહેલ કરી છે. બીજી તરફ નાના વ્યવસાય સાથે સંકળાયેલી ૪૦ ટકા મહિલાઓએ પણ અરજી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં કરી હોવાનું સામે આવ્યું છે. હાલ અત્યાર સુધી ઈન્દોરમાં ૭૮૩૮, ભોપાલમાં ૭૪૮૩ ફેરીયાઓને લોન આપવામાં આવી છે બીજી તરફ દિલ્હીના ૨૭૧ ફેરીયાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ તમામ બેંકો દ્વારા ૨૬૬ કરોડ રૂપિયાની ફાળવણી કરી દેવામાં આવી છે જેમાં એસબીઆઈ બેંકે ૫.૫૨ લાખ અરજીઓ સામે ૭૫ હજારની લોન મંજુર પણ કરી છે એવી જ રીતે યુનિયન બેંકને મળેલી ૨.૨ લાખ અરજીઓની સામે ૪૫ હજારની લોન મંજુર કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ નાણા મંત્રાલયે એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે, લોન લેનાર નાના ધંધાર્થીઓ નિયમિતરૂપે જો નાણાની ભરપાઈ કરશે તો તેઓને સબસીડી પણ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.