Abtak Media Google News

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રજાસત્તાક દિવસે  ગરવા ગુજરાતીઓનું કર્યું અભિવાદન

રંગીલા રાજકોટે ૭૧ માં પ્રજાસત્તાક પર્વના રાજ્યોત્સવની કરી જાનદાર-શાનદાર ઉજવણી

હજારો નાગરિકોએ ગણવેશધારી દળોની ગૌરવશાળી શિસ્તબધ્ધ કૂચને તાળીઓનાદથી વધાવી

રાજકોટ, તા. ૨૬ જાન્યુઆરી – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ૭૧મા પ્રજાસત્તાક પર્વના મંગળ પ્રભાતે, પોલીસ બેન્ડવાદકો દ્વારા રાષ્‍ટ્રગીતની ગૌરવશાળી ધૂનની સુરાવલીઓ અને ભારતીય વાયુદળના હેલિકોપ્‍ટરમાંથી પુષ્‍પ પાંખડીઓની વર્ષા અને દેશભક્તિની લાગણીઓથી છલોછલ વાતાવરણમાં રાષ્‍ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવ્યો હતો. ગણતંત્ર દિવસના આ મુખ્ય સમારોહનો નજારો માણવા રાષ્‍ટ્રપ્રેમથી તરબતર હજારોની સંખ્યામાં રંગીલા રાજકોટના નગરજનો રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડયાં હતા.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉન્નત ભારતના ગૌરવ સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ત્યાર બાદ રાજયપાલ શ્રી અને મુખ્યમંત્રીશ્રી એ ખુલ્લી જીપમાં પરેડનું નીરીક્ષણ પણ કર્યું હતું

મુખ્યમંત્રીશ્રીના રાજકોટના આંગણે ગણતંત્ર પર્વની ઉજવણી નિહાળવાના લોકોત્સવની અસીમતાની પ્રતીતિ એ વાતથી થતી હતી કે સવારથી જ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. લોકોએ શરૂઆતથી અંત સુધી રસપૂર્વક સમગ્ર કાર્યક્રમને માણ્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજ્યના જિલ્લા મથકોએ રાષ્‍ટ્રીય પર્વોની ઉજવણી કરીને પ્રજાશક્તિને સહભાગીદાર બનાવવાના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને અત્યારના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની આગવી અને ક્રાંતિકારી પહેલના પગલે  ૭૧મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજકોટના આંગણે યોજાઇ હતી.

રાજકોટની નવ શાળાઓના ૨૨૦૦ જેટલા વિદ્યાર્થીઓના વિશાળ વૃંદે આત્માની ચેતનાનું શારીરિક બળ સાથે ભારતીય યોગ પરંપરાના વારસારૂપ કરતબો,સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને આ સમારોહમાં અનેરૂં આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત ૧૧૦૦ વિધાર્થીઓ દ્વારા યોગ નિદર્શન કરાયું હતું. સંસકારધામના બાળકોએ પાઈપલાઈન બેન્ડની કૃતિ પણ રજૂ કરી હતી.

૨૮ પ્લાટુનમાં ૯૨૨ જેટલા પોલિસદળના જવાનોએ આઈ.પી.એસ અધિકારી અને પરેડ કમાન્ડન્ટશ્રી પ્રવીણકુમારના નેતૃત્વમાં પરેડ યોજાઇ હતી.પોલીસ બેન્ડની સુમધુર સુરાવલીઓ સાથે તાલ મિલાવતી, પ્રભાવશાળી કૂચ કદમ (માર્ચ પાસ્ટ) ગણવેશધારી ટૂકડીઓએ રજૂ કરી ત્યારે લોકોએ હર્ષનાદથી પોલીસ જવાનોની શિસ્તબધ્ધતાને વધાવી લીધી હતી. શ્વાન દળ અને પોલીસના મહિલા અને પુરૂષ મોટર સાઇકલ સવારો દ્વારા હેરતભર્યા કરતબો નિહાળી રાજકોટવાસીઓ મંત્રમુગ્ધ બન્યાં હતા.

પોલીસ વિભાગ દ્રારા  સાંસ્કૃતિક કાર્યક્રમ, રાઇફલ ડ્રીલ, હેરતભર્યા મોટર સાઇકલ સ્ટંટ શો, જુડો, કરાટે જીમ્નાસ્ટીક, ડોગ શો, અશ્વ શો સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રસંગે રાજયસરકારના વિવિધ વિભાગોના તથા રાજયની વિકાસયાત્રાની ઝાંખી કરાવતા અને શૈક્ષણિક સંસ્થાના ૨૫ ટેબ્લો રજૂ કરાયા હતા

પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમયે ઉપસ્થિત રહેલા સ્વાતંત્ર્યસેનાનીઓનું મુખ્યમંત્રીશ્રીએ સન્માન કરી પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું.

આ પ્રસંગે પરેડમાં પ્લાટુન નં-૬ એસ.આર.પી.પુરૂષ પ્લાટુન નં-૨ પ્રથમ, બીજા ક્રમે પ્લાટુન નં-૧૬ સમસ્ત ગુજરાત પોલીસ મહિલા અને ત્રીજા ક્રમે પ્લાટુન નં-૨૨ એન.એસ.એસ. (શિક્ષણ) મહિલા/ પુરૂષ આવતા રાજ્ય પાલશ્રીના હસ્તે રનીંગ ટોફ્રી એનાયત કરાયા હતા.

જ્યારે ટેબ્લોમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો પ્રથમ ક્રમ, રમત-ગમત તથા યુવક સાંસ્કૃતિક વિભાગનો બીજો ક્રમ અને કૃષિ બાગાયત વિભાગના પ્રાકૃતિ ખેતિના ટેબ્લોનો ત્રીજો ક્રમ આવેલ છે.

મોટર સાયકલ સ્ટંટ શોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસકર્મી શ્રી કુંદનબેન પટેલ ,તેજસબેન વસાવા, જયવંતસિંહ સોલંકી અને જગદીશભાઇને રાજ્યપાલશ્રીએ સન્માનીત કર્યા હતા.

આ પ્રસંગે રાજકોટના મેયર શ્રીમતી બિનાબેન આચાર્ય,સાંસદશ્રી મોહનભાઈ કુડારિયા, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, અરવિદભાઈ રૈયાણી, લાખાભાઈ સાંગઠીયા, મુખ્યમંત્રીશ્રીના ધર્મપત્ની શ્રીમતી અંજલીબહેન રૂપાણી,ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી,ડૉ.ભરતભાઈ બોધરા,શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી,અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડી.કે.સખિયા,શ્રી રાજુભાઈ ધ્રુવ,મુખ્યસચિવશ્રી અનિલ મુકિમ, પોલીસ મહાનિર્દેશક શ્રી શિવાનંદ ઝા, સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવશ્રી સંગીતાસિંઘ, મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમાર, રાજકોટ પોલિસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, કલેકટરશ્રી રૈમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસિયા, અધિક નિવાસી કલેકટર શ્રી પરિમલ પંડ્યા,સહિત ઉચ્ચ અધિકારીઓ, જિલ્લાના લબ્ધપ્રતિષ્ઠિત નાગરિકોએ ઉપસ્થિત રહી રાજયપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.