Abtak Media Google News

નલિયા કોસ્ટગાર્ડ કોલોની ખાતે નવનિર્મિત સભાગૃહ ખૂલ્લુ મૂકાયું

સરહદ પરના પ્રહરીઓની વીરતા, પ્રાકૃતિક અને ધાર્મિક સ્થળોની દિવ્યતાની  સ્વાનુભૂતિ અર્થે કચ્છ જિલ્લાની ત્રિદિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નલિયા એરફોર્સ સ્ટેશન ખાતે ઉતરાણ કર્યા બાદ તેમનું પોલીસ દળ દ્વારા ’ગાર્ડ ઓફ ઓનર’ અને મ્યુઝિક બેન્ડની સુરાવલીઓ વચ્ચે  ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું નલિયા એરબેઝ ખાતે એરફોર્સના જવાનો દ્વારા સુખોય-૩૦ પ્લેનની શક્તિનો પરિચય આપતા અવનવા કરતબનું દિલધડક નિદર્શન પણ રાજયપાલએ કર્યુ હતું. આ તકે આચાર્ય દેવવ્રતજીએ સ્પેશિયલ ફોર્સના શસ્ત્ર સરંજામનું નિદર્શન કર્યું હતું તેમજ એરફોર્સમાં ફરજ બજાવતી મહિલાઓને ભારતનું ગૌરવરૂપે બિરદાવ્યા હતા.રાજ્યપાલએ નલિયા ખાતે ઈન્ડિયન કોસ્ટગાર્ડ કોલોનીમાં નવનિર્મિત સભાગૃહનું લોકાર્પણ કરતા ભારતીય તટ રક્ષક દળ ની ભૂમિકાની સરાહના કરતાં જણાવ્યું હતું કે, ભારતના સાડા સાત હજાર કિલોમીટરના દરિયા કિનારાને કોસ્ટગાર્ડના જવાનો સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. દરિયા કિનારાને દુશ્મન દેશોની નાપાક હરકતોથી બચાવી રાષ્ટ્રને સુરક્ષિત રાખવામાં અને દેશવાસીઓ નિશ્ચિન્ત બની રહે તે માટે કોસ્ટગાર્ડની ખૂબ મહત્વની ભૂમિકા રહેલી છે.

કોસ્ટગાર્ડના જવાનો કુદરતી આફતોમાં લોકોના જાનમાલનું રક્ષણ કરવાની પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. રાષ્ટ્રના વિકાસમાં પણ તેઓ સહભાગી બને છે તેમ જણાવી રાજયપાલએ કહ્યું હતું કે, દરિયાઈ માર્ગે પરિવહન કરતા વ્યાપાર ઉદ્યોગ સાથે સંકળાયેલ જહાજોને પણ તેઓ સુરક્ષા પુરી પાડે છે.

રાજયપાલશ્રીએ કોસ્ટગાર્ડના જવાનોના પરિવારજનો અને બાળકોના વ્યકિતત્વલક્ષી વિકાસમાં આ ઓડિટોરિયમ ખુબ મહત્વનું બની રહેશે તેમ જણાવી આગામી તા.૧લી ફેબ્રુઆરી-૨૦૨૧ના રોજ ભારતીય તટ રક્ષક દળના ૪૫ માં સ્થાપના દિવસ નિમિત્તે કોસ્ટગાર્ડના જવાનોને આ તકે અભિનંદન પાઠવ્યા હતાં

નલિયા કોસ્ટગાર્ડ સભાગૃહ લોકાર્પણ પ્રસંગે કમાન્ડર કોસ્ટગાર્ડ, ગુજરાત રિજિયોનલ  ઇન્સ્પેકટર જનરલ રાકેશ પાલે સ્મૃતિચિન્હ આપી રાજ્યપાલનું અભિવાદન કર્યું હતું.   નલિયા એરફોર્સ સ્ટેશન ખાતે  ઉપસ્થિત સ્ટેશન કમાન્ડર ગ્રુપ કેપ્ટ્ન એમ. સીસોદીયાએ રાજ્યપાલને વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા નલિયા એરબેઝની વ્યૂહાત્મક ભૂમિકાની સમજ પુરી પાડી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે લેડી ગર્વનર દર્શના દેવીનું કલેકટર પ્રવીણા ડી.કે., સ્ટેશન કમાન્ડર ગ્રુપ કેપ્ટ્ન એમ. સીસોદીયાએ નલિયા એરફોર્સ સ્ટેશન ખાતે સ્વાગત કર્યું હતું. આ સમયે નાયબ કલેકટર  પ્રવીણ જૈતાવત, નિધિ સિવાચ, પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, એરોફર્સના જવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

Img 20210128 Wa0118

કચ્છના ત્રણ દિવસના પ્રવાસે આવેલા રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી  પ્રથમ દિવસે કચ્છના સુપ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવ તેમજ નારાયણ સરોવરની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યપાલ  આચાર્યજીએ કોટેશ્વર મહાદેવ મંદિર તેમજ નારાયણ સરોવર મંદિરના ઐતિહાસિક તેમજ ધાર્મિક મહાત્મ્ય અંગે જાણકારી મેળવી હતી.

નારાયણ સરોવર જાગીરના મહંત સોનલ લાલજીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું પરંપરાગત સ્વાગત કર્યુ હતું અને કચ્છમાં આવતા પ્રવાસીઓ તેમજ દર્શનાર્થીઓની સુવિધાઓમાં વધારો થાય તેવા આયોજનો અંગે અવગત કરાવ્યા હતા. સમગ્ર પ્રવાસ દરમિયાન અબડાસા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, નખત્રાણા પ્રાંત અધિકારી શ્રી મેહુલ બરાસરા સાથે રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.