સોસાયટી અને શેરી ગરબાને મંજુરી આપવા સરકારની વિચારણા: નીતીન પટેલ

ચાલુ વર્ષે કોરોના મહામારીએ રાજયમાં તમામ ઉત્સવોની મજા બગાડી નાખી છે. કોરોના સંક્રમણ અટકાવવા અને લોકોની સુખાકારી માટે રાજય સરકાર એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ રહી છે. જન્માષ્ટમી-ગણેશોત્સવ વગેરે તહેવારો પર પ્રતિબંધ મૂકયા બાદ કોરોનાની પરિસ્થિતિ હજુ સુધી ભયંકર હોય આગામી નવરાત્રીને પણ સરકાર દ્વારા મંજૂરી નહિ મળે તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે.

આજરોજ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે પત્રકાર પરિષદમાં નવરાત્રીનાં આયોજન અંગે જણાવ્યું હતુ કે હાલ કોરોના મહામારીએ માઝા મૂકી છે. ત્યારે નવરાત્રી દરમ્યાન રાસોત્સવનાં આયોજનને મંજૂરી મળી શકે નહિ આ ઉપરાંત સોસાયટી કે શેરી ગરબાને મંજૂરી આપવી કે નહિ તે અંગે સરકાર વિચારણા કરી રહી છે. નવરાત્રી યોજવા પર ડોકટરો નિષ્ણાંતોએ તો પોતાનો અભિપ્રાય આપી દીધો છે. તેઓનો અભિપ્રાય નવરાત્રીનાં વિરોધમાં છે. જોકે રાજયનાં મોટા અર્વાચીન રાસોત્સવના આયોજકોએ તો પાર્ટી પ્લોટ કે વિશાળ ગ્રાઉન્ડમાં નવરાત્રી ન યોજવા નકકી કરી જ લીધું છે. તેઓ આ વર્ષે ગરબા નહિ કરે મેડીકલ એસોસિયેશન, મહાનુભાવો, નિષ્ણાંતો, વગેરેએ પણ પોતાના નવરાત્રીનાં આયોજન અંગે વિચાર મૂકી દીધો છે. ત્યારે આ વર્ષે મોટા આયોજનોને બાદ કરતા સોસાયટી કે શેરી ગરબાને મંજૂરી આપવા સરકાર વિચારણામાં હોવાનું અંતમાં જણાવ્યું હતુ.

Loading...