ખેતીને સમૃદ્ધ બનાવવા આયાતી તેલ ઉપર સરકાર ડયુટી ઘટાડશે નહીં !!!

ખેડુતોની આવક બમણી કરવા સરકાર ઉંચા ભાવે એમએસપીથી ખરીદી કરી રહ્યું છે

કેન્દ્ર સરકાર હાલ ખેતી અને ખેડુતોની આવક વધારવા અને બમણી કરવા માટે અનેકવિધ નિર્ણયો લઈ રહી છે જેના પરિણામરૂપે સરકાર ખેડુતો પાસેથી ઉંચા ભાવે એમએસપી પર ખરીદી કરશે. સરકાર હાલ ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવા અને અર્થતંત્રને વેગવંતુ કરવા માટે જે આયાતી તેલો ઉપર ડયુટી ઘટાડવા માટેની જે માંગ કરવામાં આવી છે તેમાં સરકાર ડયુટી નહીં ઘટાડે તે વાત હાલ સ્પષ્ટ થઈ રહી છે જેનું મુખ્ય કારણ એ છે કે જગતના તાતની આવક બમણી થઈ શકે અને ખેતી પણ સમૃદ્ધ થઈ શકે. કેન્દ્ર સરકાર આયાતી તેલો પર દેશનો ઝુકાવ ઘટાડવા માંગે છે જેના પરિણામરૂપે દેશે પામની આયાત ઉપર પ્રતિબંધ લાદયો હતો. હાલની સ્થિતિને ધ્યાને લઈ અને સરકારનું ખેડુત પ્રત્યેનું કૂણુ વલણ જોતા હાલ ખાદ્ય તેલોના ભાવમાં આશરે ૩૦ ટકાનો વધારો જોવા મળ્યો છે જેમાં સિંગતેલ, વનસ્પતિ, સોયાબીન, સુર્યમુખીના તેલોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં પામ સિવાયનાં તમામ ખાદ્ય તેલો ઉપર ૨૦ થી ૩૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

સરકારે ડુંગળીની આયાતમાં ઘટાડો કરી ભાવને સ્થિર કરવા માટે પ્રયત્ન હાથ ધર્યો હતો જેના પરિણામરૂપે એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે સરકાર આયાતી પામતેલની આયાત ડયુટીમાં ઘટાડો કરે પરંતુ હાલ સરકારનું જે વલણ ખેતી તરફ જોવા મળી રહ્યું છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે કેન્દ્ર ખેતી ક્ષેત્રને વેગવંતુ બનાવવા અને સમૃદ્ધ કરવા માટે સ્થાનિક ઉત્પાદનોને વધુ પ્રોત્સાહન આપશે. બીજી તરફ આયાતી તેલો ઉપરની ડયુટીમાં સહેજ પણ ઘટાડો કરવામાં નહીં આવે. પરિણામરૂપે લોકોએ વધતા ખાદ્ય તેલોના ભાવમાં થોડાક અંશે ભોગવવુ પણ પડશે જેની સામે ખેડુતોની આવક પણ બમણી થઈ શકશે. મગફળી સહિતની જણસીને વેગ મળે તે માટે સરકાર દ્વારા ખેડુતોને ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવી રહી છે. સરકાર નિયમિત સમયાંતરે ટેકાના ભાવમાં સતત વધારો કરી ખેડુતોને ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન પણ આપી રહ્યું છે.

સરકારનું માનવું છે કે જો સ્થાનિક ઉત્પાદનને સમૃદ્ધ બનાવવામાં આવશે તો તેનો સીધો જ ફાયદો ખેડુતોની સાથોસાથ દેશને પણ થઈ શકશે. આ તમામ સ્થિતિને ધ્યાને લઈ અન્ય ખાદ્ય તેલોના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સરેરાશ રાયડાના તેલનો પ્રતિ લિટર ભાવ ૧૨૦ રૂપિયાએ પહોંચી ગયો છે. જયારે વનસ્પતિ તેલ વર્ષો પહેલા જે પ્રતિ લિટર ૭૫ રૂપિયે મળતું હતું તેમાં પણ વધારો થયો છે અને હાલ પ્રતિ લિટર ૧૦૨.૫ રૂપિયાએ મળી રહ્યું છે. એવી જ રીતે સોયાબીન તેલ વિશે જો વાત કરવામાં આવે તો ૧૮ ઓકટોબર-૨૦૧૯ના રોજ સોયાબીન તેલનો પ્રતિ લિટરનો ભાવ ૯૦ રૂપિયા નોંધાયો હતો જેમાં વધારો થઈ હાલ પ્રતિ લિટર ૧૧૦ રૂપિયાએ ભાવ જોવા મળી રહ્યો છે.

Loading...