Abtak Media Google News

ગુજરાત કૃષિ વિકાસમાં દેશમાં પ્રથમ: ધનસુખ ભંડેરી

હાપામાં ખેડૂતોને કૃષિ યોજનાની જાણકારી માટે કાર્યક્રમ યોજાયો

સરકાર ખેડૂતો માટે સાત પગલા કિસાન કલ્યાણ યોજના લાવશે તેમ અત્રે યોજાયેલા એક કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રીએ જણાવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત કૃષિ વિકાસમાં દેશમાં પ્રથમ હોવાનું મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું.

તાજેતરમાં ખેડૂતોને કુદરતી આપદા સમયે રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર થઈ છે. આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને ખેડુતોને અન્ય યોજનાઓ જેવી કે, ખેડૂતો અને ખેત મજૂરો માટે સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કિટ યોજના, કિસાન પરિવહન યોજના, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ-જીવામૃત બનાવવા કીટ માટેની સહાય, ટપક સિંચાઈ માટે કોમ્યુનિટી બેઝ ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવા માટેની સહાય યોજના, વિનામૂલ્યે છત્રી અને શેડ કવર પૂરા પાડવા વિશેની યોજનાઓ વિશે ખેડૂતોને માહિતગાર કરવા અને આ યોજનાઓના લાભ મેળવી  ગુણવત્તાલક્ષી ઉત્પાદન મેળવી મૂલ્યવર્ધન સાથે ખેડૂતોને તમામ યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તે માટેની વિસ્તૃત જાણકારીના આશયથી એ.પી.એમ.સી હાપામાં જામનગર જિલ્લાના જામનગર, ધ્રોલ અને જોડિયા તાલુકાના ક્લસ્ટરના ખેડૂતો તેમજ કાલાવડ-રાજકોટ હાઇવે પરના સુર સાંગળા હનુમાન મંદિર ખાતે લાલપુર, કાલાવડ અને જામજોધપુરના ક્લસ્ટરના ખેડૂતોને માટે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના અધ્યક્ષસ્થાને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

આજે ગુજરાતી શબ્દ વિકાસનો પર્યાય બની ગયો છે તેમ જણાવી ચેરમેન એ કહ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતલક્ષી સરકાર છે. સરકાર દ્વારા ખેડૂતો માટે વાવણીથી લઈને વેચાણ સુધીની અનેક યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. સબસીડાઈઝ ખાતર, સબસીડાઈઝ વીજળી, સિંચાઇની સુવિધાઓ, ગુણવત્તાલક્ષી બિયારણથી લઈને ટેકાના ભાવે ખરીદી કરીને રાજ્યના ખેડૂતોના વિકાસ દ્વારા ગુજરાત કૃષિ વિકાસમાં ૯.૩ ટકાના દર સાથે પ્રથમ સ્થાને છે. રાજ્યમાં ૬૩૦૦ કરોડના ખેત ઉત્પાદનોની સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. નાનામાં નાના સીમાંત ખેડૂતને પણ યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારે સતત ચિંતા કરી છે.આ તકે કાલાવડ ખાતે કૃષિ અને વાહનવ્યવહાર મંત્રી  આર.સી.ફળદુ જોડાયા હતા, જ્યાં તેમણે કહ્યું હતું કે, કિસાન હિતમાં મહત્ત્વની યોજના, કિસાન કલ્યાણના સંદર્ભમાં વીમાની વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે રાજ્ય સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી છે. ખેતીમાં ખાસ કરીને ખરીફ ઋતુમાં વરસાદની અનિયમિતતાના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન કરનાર અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ અને કમોસમી માવઠું જેવા પ્રસંગોએ પાક નુકસાન માટે પારદર્શક અને સરળ પદ્ધતિ દ્વારા નુકસાન સામે ખેડૂતને સહાય મળી રહે તે વિશે માહિતગાર કરવા માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં આ વર્ષે ૫૯૦૦ કરોડના ખાતર પર ખેડૂતોને સબસીડી મળી છે, ગુજરાતના ખેડૂતો જ પાક ઉત્પાદન કરે તેમાં મૂલ્યવર્ધનના કાર્યક્રમો કરી પ્રોસેસિંગ યુનિટો દ્વારા વૈશ્વિક સ્થાને ગુજરાતની કૃષિ પેદાશોની નિકાસ થાય તે માટે સરકાર આગામી દિવસોમાં સાત પગલા કિસાન કલ્યાણ યોજના લાવી રહી છે. વળી મંત્રીએ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ તેમણે ઉમેર્યું હતું.આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા,એ.પી.એમ.સી. હાપાના વાઇસ ચેરમેન ધીરજભાઈ કારિયા,તાલુકા પંચાયત પ્રમુખ પ્રફુલ્લાબા જાડેજા, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ ભીમજીભાઈ મકવાણા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, કાલાવડ શહેર ભાજપ પ્રમુખ કશ્યપભાઇ વૈષ્ણવ, પુર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કાલાવડ માર્કેટીંગ યાર્ડના ચેરમેન યુવરાજસિંહ સરવૈયા, તાલુકા પ્રમુખ ગાંડુભાઇ ડાંગરિયા, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટરશ્રી રાજેન્દ્ર સરવૈયા તથા વગેરે મહાનુભાવો અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.