સરકાર ખેડુતોને તેમની મગફળીના ઉત્પાદન મુજબ રોકડ ચુકવે: વિક્રમ માડમ

100

ગત વર્ષે મગફળી ખરીદીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોય ધારાસભ્ય વિક્રમ માડમની મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લેખીતમાં રજુઆત

રાજય સરકાર છેલ્લા વર્ષોમાં ખેડુતોનો મગફળી ખરીદવા માટે ટેકાના ભાવો જાહેર કરી (એમ.એસ.પી.દર) ખેડુતો પાસેથી જિલ્લા મુખ્ય મથકે આવેલ માર્કેટીંગ યાર્ડમાં સરકાર નકકી કરેલ એમ.એસ.પી.ના દરે ખેડુતો પાસેથી તેમની મગફળી ખરીદ કરે છે. જેમાં ગત વર્ષે મગફળીની ખરીદીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયેલ, ગોડાઉનો સળગ્યા, બારદાનો સળગ્યા, મગફળીને બદલે ધુળ-માટીના કોથરા આવ્યા વિગેરે સરકારી ભ્રષ્ટાચારની ગંગામાં અનેક મળતીયાઓ, એજન્ટો નાહીને માલદાર થયા ત્યારે ખેડતોને તો તેમનાં ઉત્પાદનમાં મળતો લાભ વચેટીયા અને આ ભ્રષ્ટાચારી લોકો જ ખાઈ ગયા. આમાં ખેડુતો અને સરકાર બંને પક્ષે ખોટનો વેપાર થયો હતો.

ચાલુ વર્ષે પણ ગુજરાત સરકારે મગફળીની મણદીઠ એમ.એસ.પી. નકકી કરી ટેકાના ભાવો જાહેર કરેલ છે અને દિવાળી પછી એટલે કે ૧૫મી નવેમ્બરથી મગફળી ટેકાના ભાવે સરકાર ખરીદ કરવાની છે ત્યારે ફરીથી એજન્ટો, ભ્રષ્ટાચારીઓ વિગેરે વચેટીયાઓ વચ્ચેની મલાઈ ખાઈ જશે તેમજ ફરીથી પણ ગત વર્ષ જેવી જ બાબતો જેમની તેમ બનશે ત્યારે પ્રજાના લાખો-કરોડો રૂપિયાની નુકસાની સરકારને ફરીથી સહન કરવાનો સમય આવશે.

ઉપરોકત તમામ બાબતોનું ભારણ સરકારને વેઠવું પડે નહીં તેમજ ખેડુતોને પણ પોતે ઉત્પાદન કરેલ મગફળીની સામે જરૂરી લાભ મળે તે માટે સરકારે ખેડુતોને ટેકાના ભાવના બદલે ખેડુતોને તેમનાં વાવેતર સામે વિઘા દીઠ વાવેતરનાં ઉત્પાદન મુજબ ઉચ્ચ રકમ એક મણ મગફળીના (રૂ.૧૦૦૦ તમામ ખર્ચ સાથે અંદાજિત મંજુર કરેલ છે.) મુજબ ખેડુતોને રોકડમાં જ ચુકવી દેવા જોઈએ. તેમજ આ રકમ દરેક ખેડુતને તેમના બેંકના ખાતામાં સીધી જમા સરકાર આપી દેવી જોઈએ. તેમજ આપો આપ આમાંથી વચેટીયાઓ પણ નીકળી જાય તેવી અમારી માન્યતા છે તો સરકાર ખેડુતોને તેમના ખેત ઉત્પાદનમાં પ્રમાણમાં જ ચોકકસ રકમની ગણતરી કરાવી ખેડુત ખાતેદારનાં બેન્ક ખાતામાં રકમ જમા કરાવી આપે તેવી ધારાસભ્ય વિક્રમ માડમે માંગ કરી છે.

 

 

Loading...