Abtak Media Google News

તત્કાલીન ડે.કલેકટર ધાકરેનું વધુ એક કૌભાંડ ખૂલ્યું; ૪૫ વર્ષથી સરકારી ચોપડે બોલતી જમીન ભ્રષ્ટાચાર આચરી ખાનગી ઠેરવી દેવાતા કલેકટરે તાત્કાલીન નોંધ રીવીઝનમાં લઇ રદ્દ કરી

રાજકોટના પૂર્વ ડે. કલેકટર ધાકરેના સમયગાળામાં રાજકોટની ભાગોળે વેજાગામમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીન રાતો-રાત ખાનગી ઠેરવી દેવામાં આવતા આ બાબત જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેના ઘ્યાને આવતા બદલી પૂર્વ સપાટો બોલાવી દઇ નોંધને રીવીઝનમાં લઇ ખાનગી હેઠળ જમીન પુન: સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટની ભાગોળે આવેલ અને હાલ ખૂબજ કિંમતી વિસ્તાર ગણાતા વેજાગામ સર્વે નં.૫૬ પૈકી ર ની ૩૦ ગુંઠા એટલે કે ૩૬૩૦ ચોરસવાર સરકારી જમીન કે જે ૪૫ વર્ષથી રેવન્યુ ચોપડે સરકાર હસ્તક બોલતી હતી તેને રાતોરાત ખાનગી ઠેરવી દેવા સીટી પ્રાંત-ર ધાકરે દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમ અંગેની જાણ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેને થતા તેઓએ નોંધ નં.૨૦૪ને રીવીઝનમાં લેવા આદેશ કરી કેસ ચલાવી કરોડો રૂપિયાની સરકારી જમીન બચાવી પુન: સરકાર હેડે લેવા હુકમ કર્યો હતો.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ રાજકોટની ભાગોળે આવેલ વેજાગામ સર્વે નં.૫૬ પૈકી ૨ ની જમીન છેલ્લા ૪૫ વર્ષથી સરકાર હસ્તક હતી. જેમાં અરજદાર ભીખા સામત વગેરેએ આ જમીન લાગુ તરીકે માંગી હોવાનો કેસ ઉભો કરી જમીન મહેસુલ કાયદાની કલમ ૩૭/૨ની પ્રક્રિયાને અનુસર્યા વગર જ તત્કાલીન ડે.કલેકટર અને પ્રાંત અધિકારી ગંભીરસિંહ ધાકરેએ આ જમીન પોતાની ખાનગી માલિકીની હોય તેવો રવૈયો અપનાવી ભીખા સામત વગેરેના નામે ચડાવી દેતા જમીન કૌભાંડીયા તત્વોને રાતોરાત કરોડો રૂપિયાનો ફાયદો મળી ગયો હતો અને બદલામાં પ્રાંત કચેરીને પણ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર મળ્યો હોવાનું મનાઇ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પોટેન્શીયલ ધરાવતી વેજાગામ વિસ્તારની જમીનના બિનખેતી થયા બાદ પ્રતિ ચોરસવારના ૧૦ હજાર થી લઇ ૧૫ હજાર રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. ત્યારે પૂર્વ ડે.કલેકટર ધાકરેના એકજ હુકમથી ખાનગી જમીન માલિકને કરોડો રૂપિયાનો ફાયદો મળી ગયો હતો.

આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે પૂર્વ ડે.કલેકટર ગંભીરસિંહ ધાકરેએ સત્તાનો દુરૂપયોગ કરી આ અગાઉ કુચીયાદળ, સૂર્યારામપરા સહિતના ગામોમાં સાથણીની જમીનમાં કબજાફેર કરી નાખતા જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ ઉપરોક્ત તમામ પ્રકરણોમાં તપાસ શરૂ કરી પૂર્વ મામલતદાર વલવાઇ અને તત્કાલીન પ્રાંત ધાકરેને નોટીસ પણ ફટકારી છે. આ સંજોગોમાં વેજાગામની ૩૦ ગુંઠા જમીન કે જે કરોડો રૂપિયાની કિંમતની થાય છે તે પ્રકરણમાં જિલ્લા કલેકટરે સપાટો બોલાવી આકરા પગલા ભરી ૪૫ વર્ષથી સરકારી ચોપડે સરકારી બોલતી જમીન રાતો-રાત ખાનગી ઠેરવી દેવાના પ્રકરણમાં ૨૦૪ નંબરની નોંધ રદ્દ કરતા હવે જમીનના લાયઝનના કામ કરતા દલાલો અને આવા કૌભાંડ કરવા માટે નાણા ચૂકવનાર જમીન માલિકને પસ્તાવાનો વારો આવ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.