Abtak Media Google News

નિયમો રિ-ડ્રાફટ કરવા સરકારે છ નિષ્ણાંતોની પેનલ રચી

અર્થતંત્રમાં મસમોટા સુધારા કરવા માટે મશહુર મોદી સરકાર હવે આવકવેરાના કાયદામાં ધડમૂળથી સુધારો કરવાની વિચારણા કરી રહી છે. ૫૦ વર્ષ જુના આ કાયદામાં સુધારા માટે ૬ સભ્યોની ટાસ્કફોર્સ તૈયાર કરવામાં આવી છે. જેમાં સીબીડીટી સભ્ય અરવિંદ મોદી, ગીરીશ અહુજા, રાજીવ મેમાણી અને માનસી કડીયા સહિતના નિષ્ણાંતોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મોદી થોડા જ મહિના પહેલા આવકવેરા કાયદામાં સુધારા વધારાના સંકેતો આપી ચુકયા છે. સરકારના નોટબંધી અને જીએસટી જેવા પગલાથી નારાજ પ્રજાને આવકવેરા કાયદામાં સુધારાથી રાહત આપવા સરકારની તૈયારી છે. આવકવેરા નિયમમાં સુધારાના માધ્યમથી કર માળખામાં પણ સુધારો થશે. હાલ દેશમાં બહોળી સંખ્યામાં પાનકાર્ડ હોવા છતાં રિટર્ન ભરવાનું પ્રમાણ તદ્દન ઓછુ છે. શા માટે લોકો આવકવેરાથી ડરે છે અને રિટર્ન ભરવાથી બચે છે તે જાણવા સરકારને રસ છે.

હાલ સરકારે ૬ નિષ્ણાંતોની ટાસ્કફોર્સ રચવા નિર્ણય લીધો છે. આ ટાસ્ક ફોર્સ ૬ મહિનાના સમયગાળામાં આવકવેરાના કાયદામાં સુધારા અંગે સરકારને સુચનો કરશે. ટાસ્ક ફોર્સમાં ચિફ ઈકોનોમીક એડવાઈઝર અરવિંદ સુબ્રમણ્યમ્ને ખાસ સલાહકાર તરીકે નિમવામાં આવ્યા છે. મોદી સરકાર સત્તા સંભાળ્યા બાદ આર્થિક ફેરફાર કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. અગાઉ પણ સરકારે કર માળખામાં ધડમૂળથી ફેરફાર કરી જીએસટીની અમલવારી કરી હતી. હવે આ વખતે આવકવેરા કાયદામાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લઈ ફરીથી ઐતિહાસીક ડગલુ સરકાર ભરશે.

આવકવેરા કાયદાની જટીલતા અને અધિકારીઓની ક્રુર કામગીરીના પરિણામે સામાન્ય લોકો હંમેશાથી આવકવેરા વિભાગથી દૂર રહેવાનો પ્રયત્ન કરતા રહ્યાં છે. હાલ દેશમાં બહોળા પ્રમાણમાં પાનકાર્ડ હોવા છતાં પણ સામાન્ય લોકો રિટર્ન ભરતા નથી. જેની પાછળ પણ આવકવેરા કાયદામાં રહેલી ગુંચવણો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. સરકારે રચેલી ટાસ્ક ફોર્સ વિદેશના આવકવેરા કાયદાનો અભ્યાસ કરી ભારતીય આવકવેરા કાયદામાં ફેરફાર કરવાની સલાહ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.