Abtak Media Google News

દેશની ૨૯ ટકા જમીન પ્રદુષણ, શહેરીકરણ સહિત અનેકવિધ કારણોસર ‘ડીગ્રેડેડ’ થયેલી છે

આગામી ૨જી સપ્ટેમ્બરથી ૧૩ સપ્ટેમ્બર સુધી જમીનોને પુન:જીવીત કરવા માટે ભારત દ્વારા એક વિશેષ કોન્ફરન્સનું આયોજન

જુની કહેવત છે કે, ‘જર, જમીન અને જોરૂ એ છે કજીયાનાં છોરૂ’ ત્યારે કહેવાય છે કે, એક ગજ જમીન માટે પણ અનેકઘણા ગુનાઓ થતા હોય છે ત્યારે ભારત એક ખેતીપ્રધાન દેશ હોવા છતાં દેશની કુલ ૨૯ ટકા જમીન અનેકવિધ કારણોસર ડીગ્રેડેડ થયેલી છે જેથી સરકાર કેવી રીતે આ જમીનને પુન: ફળદ્રુપ એટલે કે નવસાઘ્ય કરશે તે પણ એક મોટો પ્રશ્ર્નાર્થ ઘણા સમય પહેલા ઉભો થયો હતો.

પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી દસકામાં એટલે કે આવનારા ૨૦૩૦ સુધીમાં ભારત દેશ તેની ૧.૨૫ કરોડ એકર જમીનને નવસાઘ્ય કરી ફળદ્રુપ બનાવશે. વિશ્વ આખાની જો જમીનને લઈ વાત કરવામાં આવે તો એક તૃતીયાંશ ભાગની જમીનો ડીગ્રેડેડ થયેલી છે ત્યારે ભારત દ્વારા આગામી ૨ સપ્ટેમ્બરથી ૧૩ સપ્ટેમ્બર સુધી એક વિશેષ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૦૦ દેશોનાં ૧૦૦ મંત્રીઓ હાજર રહેશે અને આ ગંભીર સમસ્યાનાં નિવારણ માટે કાર્ય હાથ ધરશે. ભારત દેશ પાસે અનેકવિધ જમીનો રહેલી છે જેનું કોઈપણ કારણોસર ધોવાણ થયું હોવાનું ચિત્ર સામે આવ્યું છે જેનું કારણ સોલ્ટપાન, વસ્તી વધારો, પ્રદુષણ, શહેરીકરણ, નદી-નાળામાં પાણીનાં નીરની સમસ્યા આવા અનેક કારણોથી જે દેશની ફળદ્રુપ જમીન છે તેને માઠી અસર પહોંચી છે.

પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી ૨૦૩૦ સુધીમાં પાયલોટ પ્રોજેકટ પૈકી ૫૦ લાખ હેકટર જમીનોને નવસાઘ્ય કરાવવામાં આવશે. સંચાણા, જોડિયા બંદર જેવા બંદરો બંધ થઈ જતાં જમીનને ઘણી ખરી નુકસાની પહોંચી છે. પુર આવવાની સાથોસાથ માઠી ફરી વળતા જમીનોને ઘણીખરી નુકસાની પહોંચી છે ત્યારે ગુજરાતની સંવેદનશીલ રૂપાણી સરકાર કલ્પસર યોજનાને હાલ પ્રાધાન્ય આપી રહ્યું હોય તેવું પણ માનવામાં આવે છે. ઘણા વર્ષોથી કલ્પસર યોજના છાપરા પર મુકી દેવામાં આવી હતી પરંતુ ફરીથી તેને પુન: સ્થાપિત કરી ગુજરાત માટે જે મુખ્ય પ્રશ્ર્ન ઉદભવિત થતા હતા તેને નિવારવા કલ્પસર યોજના આશીર્વાદરૂપ સાબિત થશે. હાલ વિશ્વ આખુ પ્રદુષણને ડામવા માટે આકરા પગલા લઈ રહ્યું છે તેેમાં પાંચમાં ક્રમ પર ભારત દેશ આવે છે કે જે પ્રદુષણથી દેશને ઉગાડવા જાણે કમરકસી હોય. પ્રકાશ જાવડેકર દ્વારા માહિતી મળી છે કે, જે જમીનોનું ધોવાણ કોઈપણ સંજોગે થયું હોય ફરીથી તેને નવસાઘ્ય કેવી રીતે કરી શકાય તે માટેનાં અનેકવિધ સુચનો પણ આપવામાં આવ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ઓવર વોટર, ઓવર લોજીંગ, ઓવર ગ્રેસીંગ તથા હવાનું પ્રમાણ જમીનનાં ધોવાણ માટે કારણભુત સાબિત થયું છે ત્યારે ફરીથી દેશની જે ૨૯ ટકા જમીનનું ધોવાણ થયું છે તેને ફરી નવસાઘ્ય કરવા માટે વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલા સુજાવો પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી કાર્યવાહી કરશે. વધુમાં પર્યાવરણ મંત્રીએ જણાવતાં કહ્યું હતું કે, તેઓ આ પ્રકારની જમીનોને ફરી ફળદ્રુપ જમીન બનાવશે જેથી ઉત્પાદકતા, રોજગારીનું સર્જન સહિત એવી અનેકવિધ પ્રવૃતિ થાય જેથી દેશ વિકાસરથ પર આગળ વધી શકે.

ભારત દેશની જે ૨૯ ટકા જમીનો ડીગ્રેડેડ થયેલી છે જેની તમામ વિગત સરકાર પાસે હોવાથી આ કાર્યને વધુ સરળ બનાવવા અને તે તમામ જમીનોને ફરી ફળદ્રુપ કરવા માટે દહેરાદુન ખાતે આવેલી ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટયુટને આ અંગેની કામગીરી સોંપવામાં આવી છે જે આ તમામ જમીનોની થયેલી દુરગતિ અને તેનાં ઉપાયો વિશે કામગીરી કરશે. આગામી બે વર્ષ માટે ભારત દેશ જમીનોને નવસાઘ્ય કરવા માટે પહેલ પણ હાથ ધરશે કારણકે દર વખતે ચાઈના કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ એટલે કે સીઓપીનું અધ્યક્ષપદ સંભાળતું હતું જે હવે ભારત દેશ સંભાળશે જેથી આગામી બે વર્ષ માટે વિશ્વમાં ડીગ્રેડેડ થયેલી જમીનોને કેવી રીતે પુન: જીવીત કરવી તે દિશામાં પગલા પણ લેવામાં આવશે.

આ તકે પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ કાર્યમાં અન્ય દેશોનો પણ સાથ સહકાર મળવો અનિવાર્ય છે જો આ કાર્યમાં અન્ય દેશો સહભાગી થશે તો જે સમસ્યાનો સામનો વિશ્વ આખું કરી રહ્યું છે તે નહીં થાય ત્યારે આગામી ૨ સપ્ટેમ્બરથી ૧૩ સપ્ટેમ્બર સુધી જે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ૨૦૦ દેશોએ નોંધણી કરાવી છે જેમાં ૩૦૦૦થી વધુ ડેલીગેટ અને ૧૦૦થી વધુ મંત્રીઓ ઉપસ્થિત રહી આ દિશામાં ચર્ચા-વિચારણા કરી રોડ મેપ તૈયાર કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.