Abtak Media Google News

દેશની વર્તમાન દુધ ઉત્પાદન ક્ષમતાને વર્ષ ૨૦૨૫ સુધીમાં ડબલ કરવાની મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના

ખેતી પ્રધાન ગણાતા આપણા દેશ ભારતમાં એક સમયે ખેતીની સાથે ગૌધનની સંખ્યા પરથી પણ લોકોની શાહુકારી નકકી થતી હતી જેની પાસે જેટલુ ગૌધન વધારે તેટલો તે વ્યકિત શ્રીમંત એમ માનવામાં આવતું હતુ ગૌ સહિતના પશુધનનું આવું મહત્વ ફરીથી આવે તેવી સંભાવના વર્તમાન સમયમા ઉભી થવા પામી છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાનાં લક્ષ્યાંકથી કાર્ય કરી રહેલી મોદી સરકારે કૃષિની સાથે સંકળાયેલા પશુપાલન ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપવાની યોજના બનાવી છે. જેના ભાગ રૂપે તાજેતરમાં લોકડાઉન બાદ મોદી સરકારે જાહેર કરેલા આત્મનિર્ભર રાહત પેકેજમા પશુપાલન ઉદ્યોગ માટે આશરે રૂ પંદર હજાર કરોડની જોગવાઈ કરી છે. જેથી આગામી સમયમાં દેશમાં કૃષિની સાથે પશુપાલન ઉદ્યોગ પણ ફરીથી ધમધમતો થવાની ઉજળી તકો જોવાઈ રહી છે.

ગત વર્ષનાં અંતમાં દેશમાં પશુધનની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં વર્ષ ૨૦૧૨માં રહેલા પશુધનમાં ભારે વધારો થયો હતો. આ વસ્તી ગણતરી મુજબ દેશમાં હાલ ૫૩ કરોડ ૫૭ લાખ જેટલું પશુધન છે. તેમાં પણ ગૌ ધનની વસ્તી ભારે વધારા સાથે ૧૯ કરોડ ૧૪ લાખની આસપાસ પહોચી જવા પામી છે. જયારે ગાયોની વસ્તી ૧૮ ટકા જેવા વધારા સાથે ૧૪ કરોડ ૫૧ લાખની નજીક પહોચી જવા પામી છે. પશુપાલનના ઉદ્યોગમાંથી દેશને દર વર્ષે ચાર લાખ કરોડરૂ ની આવક થાય છે. જે દેશની જીડીપીના ૪ ટકા જેટલી રકમ જાય છે. આમ દેશમાં પશુપાલન ઉદ્યોગ અતિ મહત્વપૂર્ણ છે.

ઉપરાંત પશુધન મોટાભાગે ખેત પેદાશોમાંથી નીકળતા વધારાની ઉત્પાદન પર નભતો હોય તેમના ખોરાક માટે પણ પશુપાલકોને વધારે ખર્ચ કરવો પડતો નથી. જેના કારણે દેશમાં દર વર્ષે ૫૩.૫ મિલીયન મેટ્રીક ટન દુધનું ઉત્પાદન થઈ રહ્યું છે. કેન્દ્રની મોદી સરકારે પ શુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની યોજના બનાવી છે. જે મુજબ વર્ષ ૨૦૨૫ સુધીમાં દુધનું ઉત્પાદન વધારીને ડબલ કરીને ૧૦૮ મિલિયન ટન કરવાનો નિર્ધાર રાખ્યો છે. આ નિર્ધારને પહોચી વળવા નાણામંત્રી નિર્મલા સિતારામને તાજેતરમાં લોકડાઉન બાદ આત્મનિર્ભર યોજના હેઠળ રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં ૧૩,૩૪૩ કરોડ રૂ. નેશનલ એનીમલ ડીસીઝ ક્ધટ્રોલ પ્રોગ્રામ હેઠળ ફાળવવામાં આવ્યા છે. જેથી દેશના તમામ પશુધનને વોકસીનેશન કરીને તેમને વિવિધ રોગોથી બચાવીને દુધનું ઉત્પાદન વધારવાની યોજના છે. જયારે, ડેરી માટે ઈન્ફ્રાસ્ટ્રકચર વધારવા ૧૫૦૦ કરોડ રૂની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત દુધ ઉત્પાદકોના સર્વાંગી વિકાસ માટે પાંચ હજાર કરોડ રૂ.ની વધારાની જોગવાઈ કરવામાં આવી છે. આમ કેન્દ્ર સરકારે કૃષિની સાથે પશુપાલન ઉદ્યોગને ધમધમતો કરવા કમર કસી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.