Abtak Media Google News

મુખ્યમંત્રીના હસ્તે જનવિકાસ ઝુંબેશ હેઠળ ૭૦ હજાર લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ

મુખ્યમંત્રીના હસ્તે ખંભાત નગરપાલિકા દ્વારા જનસુવિધા અને જન સુખાકારીના રૂ. ૧૨.૮૫ કરોડના છ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ કે રાજ્ય સરકારે ગુજરાતની સાડા છ કરોડની જનતાની સુખાકારી માટે ઝડપી નિર્ણયો લઇ પ્રજાજનોની આશાઓ અને આકાંક્ષાઓ તેમજ સપનાને સાકાર કર્યો છે.

આ સંદર્ભે મુખ્યમંત્રીએ જણાવ્યુ કે પારદર્શીતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને ગતિશીલતાના ચાર આધારસ્તંભો ઉપર રાજ્ય સરકાર સમાજના છેવાડાના માનવીના આર્થિક ઉત્કર્ષ માટે સદાય પ્રતિબદ્ધ છે.

મુખ્યમંત્રી આણંદ જિલ્લાના પ્રભારી અને પંચાયત રાજ્યમંત્રી  જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં આજે આણંદ જિલ્લાના ખંભાત ખાતે જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ઘરાયેલ જન વિકાસ ઝુંબેશ અંતર્ગત ૩૦ લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના  લાભોનું પ્રતિકાત્મક વિતરણ કર્યુ હતુ.

મુખ્યમંત્રીએ ખંભાત નગરપાલિકા દ્વારા રૂ. ૭.૫૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર જનસુવિધા અને જન સુખાકારીના બે વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા રૂ. ૫.૨૭ કરોડના ચાર વિકાસ કામોનું લોકાર્પણ કર્યુ હતુ.

રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણા અને આણંદ જિલ્લાના કલેક્ટર  આર.જી.ગોહિલના સફળ નેતૃત્વમાં ખંભાત તાલુકામાં જન વિકાસ ઝુંબેશ હેઠળ ૭૦ હજારથી વધુ લાભાર્થીઓને ઘરે ઘરે થી શોધી કાઢી રાજ્ય સરકારની પ્રજાકલ્યાણની યોજનાઓના લાભો હાથો હાથ કોઇપણ જાતના વચેટિયા વગર સીધે સીધા તેમના હાથમાં પહોંચાડી  ગરીબો,પીડિતો, વંચિતોને આ સરકાર છેવાડાના માનવીની સરકાર છે તેની સંવેદનશીલતાની પ્રતિતિ કરાવી છે.

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ૬૧ ગામોમાં પાત્રતા ધરાવતા અને સરકારી યોજનાઓના લાભોથી વંચિત લાભાર્થીઓને શોધી કાઢવા એક માસની જનવિકાસ ઝુંબેશ જિલ્લા તંત્ર દ્વારા ચલાવવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ ખંભાતનો વૈભવ વારસો પુન:પ્રસ્થાપિત થાય તે માટે ખંભાતના બંદરને પુન:જિવત કરવા સાથે ખંભાતમાં જી.આઇ.ડી.સી.ની સ્થાપના કરવામાં આવશે તેમ પણ આ વેળાએ જણાવ્યુ હતુ.

તેમણે ઉમેર્યુ કે રાજ્ય સરકારે નાનામાં નાના માણસોના કામોને પ્રાધાન્ય આપી તેને મળવાપાત્ર લાભો સરકારી કચેરીઓના ધક્કા ખાધા સિવાય કોઇપણ જાતના વચેટીયાઓ  વગર સીધે સીધા તેમના હાથમાં પહોંચાડી પારદર્શી પ્રશાસનની પ્રતિતિ કરાવી છે.

રાજ્યમાં વચેટિયાઓ-દલાલોની દુકાનો પર આ સરકારે ખંભાતી તાળા માર્યા છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે જનવિકાસ ઝુંબેશ, સેવા સેતુ કાર્યક્રમોના માધ્યમથી સંપૂર્ણ પારદર્શિતા સાથે જરૂરિયાતમંદોને એક જ સ્થળે સરકારી યોજનાઓના વ્યક્તિલક્ષી લાભો સરાજાહેર પહોંચાડ્યા છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે લોકોના નાણાંનો સદઉપોગ થાય અને રાજ્યની તિજોરી પર ભ્રષ્ટાચારનો કાળો પંજો ભરખી ન જાય તે માટે સરકારે ટેકનોલોજીનો વિનીયોગ કરી પારદર્શી પ્રશાસન દ્વારા દરિદ્રનારાયણો અને સમાજના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડ્યા છે.  તારાપુર અને ખંભાત તાલુકામાં હાથ ધરવામાં આવેલ જનવિકાસ ઝુંબેશ રાજયના અન્ય તાલુકાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે તેવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.

જનવિકાસ ઝુંબેશ હેઠળ ખોટો લાભાર્થીને લાભ ન લઇ જાય અને સાચો લાભાર્થી લાભથી વંચિત ન રહી જાય તેની પણ પ્રશાસને ચિંતા કરી છે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ ખંભાત તાલુકાના ૭૦ હજાર ઉપરાંત લાભાર્થીઓને એક છત્ર હેઠળ લાવી સરકારી યોજનાઓના લાભો આપવા બદલ તેમણે તલાટીથી માંડી જિલ્લા પ્રસાશનના ઉચ્ચ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીએ રાજ્યમાં દારૂબંધી, ગૌ હત્યા માટેના કાયદાનો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે તેની ભૂમિકા આપી હતી.

સાંસદ  મિતેષભાઇ પટેલે જણાવ્યુ કે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હૈયે સમાજના છેવાડાના માનવીનું હિત રહેલુ છે. મિનીમમ ગર્વમેન્ટ અને મેક્ઝીમમ ગર્વનન્સના મંત્ર સાથે સરકારે કમર કસી છે તેનો ઉલ્લેખ કરતા  પટેલે જણાવ્યુ કે તારાપુર અને ખંભાત તાલુકાના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તેમને મળવા પાત્ર લાભો સીધા  પહોંચાડયા છે.

સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી ૩૪૦૦ થી વધુ ઇન્ડીકેટર સાથે મુખ્યમંત્રી  સરકારની યોજનાઓનું સીધુ મોનીટરીંગ કરી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

તેમણે જણાવ્યુ કે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલ  નાગરિકતા અધિકાર કાયદો કોઇની નાગરિકતા છીનવશે નહી પરંતુ આ કાયદામાં પાકિસ્તાન, અફગાનિસ્તાન અને બાંગ્લાદેશના લધુમતિઓને નાગરિકતા આપવાની જોગવાઇ કરવામાં આવી છે. મુખ્યમંત્રીનું  વિવિધ સંસ્થાઓ, સમાજ સંગઠનો દ્વારા અભિવાદન કરવામાં આવ્યુ હતુ.

પ્રારંભે સૌનો અવકાર કરતા ધારાસભ્ય મયુરભાઇ રાવલે જણાવ્યુ કે જિલ્લા પ્રશાસન સહિત ખંભાત તાલુકા પ્રશાસન દ્વારા એક માસ દરમિયાન ઘરે ઘરે ફરી સરકારી યોજનાઓનો લાભ મેળવવા પાત્રતા ધરાવતા ૭૦ હજાર લાભાર્થીઓને શોધી કાઢી જનકલ્યાણનું સંવેદનશીલ કામ કર્યુ છે. તેમને ટીમ ખંભાત સહિત જિલ્લા પ્રશાસનના અધિકારીઓને જનસેવાના આ સૌથી મોટા અભિયાનને સફળ બનાવવા બદલ સહ્યદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.