Abtak Media Google News

ડીપોઝીટ સ્કીમ્સ બિલ૨૦૧૮માં સુધારા કરીને આવી છેતરપીંડી કરનારાઓને કડક સજાને દંડ કરવાની જોગવાઈ કરવાનો કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય

ટુંકાગાળામાં એકના ડબલ કરવાની લાલચ આપીને રોકાણકારોના કરોડો-અબજો રૂ. લઈને તેમને ડુબાડી દેતી રોકાણ યોજનાઓનાં ભાંડાઓ સમયાંતરે ફૂટતા રહે છે. રાજકીય નેતાઓનાં સંરક્ષણમાં આચરવામાં આવતા આવા કૌભાંડોમાં કાયદાકીય ગૂંચનો લાભ લઈને મોટાભાગના આરોપીઓ પકડાતા નથી કે તેમને વર્ષો સુધી સજાઓ થતી નથી. જેથી આવી ગેરકાયદેસર રોકાણ યોજનાઓના રાફડા ફાટયા છે.

‘લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મળે’ તે ગુજરાતી કહેવત મુજબ રોકાણકારો આવો છેતરપીંડીની માહિતગાર હોવા છતાં લોભમાં છેતરાઈ છે જેથી આવી છેતરપીંડી રોકવા મોદી સરકારે અનિયમિતક ડિપોઝીટ સ્ક્રીમ બિલ ૨૦૧૮માં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે કેન્દ્રીય કેબીનેટ દ્વારા આ બિલમાં આવી ગેરકાયદેસર ડીપોઝીટ યોજના પર કડક પ્રતિબંધ મૂકવાની સાથે આવી છેતરપીંડી બદલ કડક સજાની જોગવાઈ કરવાનાં સુધારાને મંજૂરી આપી છે. આ અંગે કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે ગઈકાલે કેબીનેટની બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ગેરકાયદેસર ડીપોઝીટ લેતી યોજનાઓમાં અનેક જોખમો રહેલા છે. જેથી આવા જોખમોને અસરકારક રીતે દૂર કરવા માટે આ બિલને વધુ સશકત બનાવાશે અને ગરીબોને આવી યોજનામાં રોકાણ કરીને લૂંટાતા બચાવવાનો પ્રયાસ કરાશે. આવી છેતરપીંડીના કેસોમાં ભારે કેદ અને જંગી દંડની સજાની જોગવાઈ અંગે વિચારવામાં આવ્યું હતુ.પ્રસાદે વધુમાં જણાવ્યું હતુ કે આવા કેસોમાં ડીપોઝીટની રકમને પરત ચૂકવણી માટેની પૂરતી જોગવાઈઓ કરવામાં આવશે જેથી, આ પ્રકારની યોજનાઓમાં ગેરકાયદેસર રીતે વધી રહેલી થાપણોને અટકાવી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ છેલ્લા ચાટમાં આવા ચીટ ફંડના કરોડો રૂ.ના ૧૬૬ કેસો નોંધાવ્યા છે. જેમાં મોટાભાગના પશ્ચીમ બંગાળ અને ઓરિસ્સામાં નોંધાયેલા છે.

હાલમાં બેંકોમાં ફીકસ ડીપોઝીટમાં સાડા છ વર્ષે ડબલ થાય છે. જેથી ગુજરાતમાં પણ ટુંકાગાળામાં એકના ડબલ કરનારી અનેક રોકાણ યોજનાઓ જાહેર થઈ હતી. જેમાં અમદાવાદના અશોક જાડેજા દ્વારા જે માડી યોજનાના નામે રાજયભરમાંથી ગરીબો મધ્યમવર્ગ પાસેની વિવિધ યોજનાના નામે કરોડો રૂ. ઉઘરાવવામાં આવ્યા હતા તાજેતરમાં અમદાવાદના જ વિનય શાહે પણ તેની પત્નિ સાથે મળીને આવી ગેરકાયદેસર રોકાણ યોજનાઓ જાહેર કરીને રાજયભરમાંથી રોકાણકારો પાસેથી કરોડો રૂ. ઉઘરાવીને નાસી છૂટયો હતો જે બાદ નેપાળમાંથી પકડાયો હતો. અને હાલ ત્યાંની જેલમાં પૂરાયેલો છે. સૌરાષ્ટ્રમાં પણ આવી અનેક ગેરકાયદેસર ડીપોઝીટો ઉઘરાવતી નાની મોટી અનેક યોજનાઓ ચાલી રહી છે. અનેક સહકારી મંડળીઓ દ્વારા ડેઈલી બચતના નામે રોકાણકારો પાસેથી ડેઈલી રકમ ઉઘરાવવામાં આવે છે. આ ડેઈલી કલેકશન કરતા એજન્ટો રોકાણકારોની બચત મંડળીમાં જમા ન કરાવે અને રકમ લઈ નાસી જાય તો મંડળીઓ હાથ ઉંચા કરી દેતી હોય છે. આવા કિસ્સાઓમાં રોકાણકારો પાસે પૂરતા પૂરાવા ન હોય પોલીસ કેસો થતા નથી અને બાદમાં આવી ડીપોઝીટ લઈને ભાગેલા ઠગો સેટલમેન્ટ કરીને રોકાણકારોને થોડી રકમ પરત આપીને ઠંડુ પાણી રેડી દેતા હોય છે જેથી ગેરકાયદેસર ડીપોઝીટ સ્કીમો દ્વારા દેશભરનાં નાના રોકાણકારો સમયાંતરે લુટાતા રહે છે. જેથી આવા સ્ક્રીમો પર તવાઈ લાવવાનો મોદી સરકારનો નિર્ણય આવકારદાયક ગણી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.