Abtak Media Google News

સૌરાષ્ટ્ર સહિત રાજયના બંદરોનું આધુનિકરણ કરી દરિયાકાંઠાના અર્થતંત્રને વધુ મજબુત કરાશે તેમ ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર ખાતે ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન આંતરરાષ્ટ્રીય કક્ષાના સુવિધાયુકત મત્સય બંદરનું ખાતમુહૂર્ત કરતા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર ખાતે રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા યુક્ત મત્સ્યબંદરનું ખાતમુહુર્ત કરતા મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતને મળેલા ૧૬૦૦ કિલોમીટરના દરિયાકાંઠાની વિપુલ તકોનો ટેકનોલોજી સાથે સમન્વય સાધીને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના બંદરોનું આધુનિકરણ કરી દરિયાકાંઠાના અર્થતંત્રને વધુ મજબૂત કરાશે. મુખ્યમંત્રીએ આ સંદર્ભે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની મત્સોદ્યોગની વિકાસલક્ષી નીતિને લીધે વર્ષ ૨૦૧૯-૨૦માં રાજ્યનું મત્સ્ય ઉત્પાદન ૮.૫૮ લાખ મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે. રાજ્ય દ્વારા પાંચ હજાર કરોડથી પણ વધુના મત્સ્ય ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી છે તેમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સાગરખેડૂના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે.

મુખ્યમંત્રીએ ગુજરાત દેશનું પ્રવેશદ્વાર બન્યું છે તેમ જણાવતા કહ્યું હતું કે મત્સોદ્યોગના વિકાસની વાત કરતા ઉમેર્યું કે હાલ રાજ્યમાં ૨૯ હજારથી પણ વધુ બોટનું રજીસ્ટ્રેશન થયું છે.  માછીમારોને કેરોસીન પર એક લિટરે રૂ. ૧૫ ની સબસિડી મળતી હતી તે વધારીને રૂપિયા રૂ. ૨૫ કરવામાં આવી છે. આ ઉપરાંત સેસમાં પણ નોંધપાત્ર ઘટાડો કરી માછીમારોને સહાય આપવામાં આવી છે. વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે પાકિસ્તાન દ્વારા પકડેલા ૭૧૦૦ માછીમારોને છોડાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વેરાવળ, માંગરોળ, સુત્રાપાડા, માઢવાળ અને પોરબંદર જેવા બંદરોના વિકાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુત્રાપાડા ખાતે જીઆઇડીસીની જમીન ફિશરીઝ ખાતાને આપવામાં આવી છે અને હવે પર્યાવરણ ખાતામાં આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી છે. આમ રાજ્ય સરકાર દ્વારા સાગરબંધુઓને તમામ સુવિધા મળી રહે અને એમને કોઈ તકલીફ ન પડે એ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહયા છે.

વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં પણ ગુજરાતે વિકાસને અટકવા નથી દીધો. છેલ્લા ૫ મહિનામાં ૨૭ હજાર કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે તેમ જણાવી આજે એક જ દિવસમાં ૭૫૦ કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા કરવામાં આવેલી આયોજનબદ્ધ કામગીરી ની માહિતી આપી માછીમારોના વિકાસ અને ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મત્સ્યોદ્યોગ અને પ્રવાસન મંત્રી  જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ માછીમારોની ચિંતા કરીને માછીમારોના વિકાસ માટે સંવેદનાપૂર્વક અનેક કલ્યાણકારી નિર્ણયો લીધા છે.  સ્વાગત પ્રવચન અને મત્સ્યોદ્યોગ વિભાગના વિકાસની યોજનાની રૂપરેખા સચિવ  નલીન ઉપાધ્યાયએ આપી હતી અને આભારવિધિ જિલ્લા કલેક્ટર  અજય પ્રકાશએ કરી હતી. આ તકે સાંસદ સહિતના તમામ સંગઠનના પદાધિકારીઓ તથા સાગરખેડુ અગ્રણીઓએ મુખ્યમંત્રીનું સન્માન કર્યું હતું. સાગરપુત્ર ફાઉન્ડેશન વતી લખનભાઈ તથા વેલજીભાઈએ મુખ્યમંત્રીને ક્ધયા કેળવણી ભંડોળમાં ચેક અર્પણ કર્યો હતો.

આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય  રાજશીભાઈ જોટવા, કાળુભાઇ રાઠોડ,  જસાભાઈ બારડ, ગોવિંદભાઈ પરમાર, જેઠાભાઈ સોલંકી, અગ્રણીઓ ઝવેરીભાઈ ઠકરાર, માનસિંગભાઈ પરમાર, મત્સોદ્યોગ વિભાગના સચિવ  નલીન ઉપાધ્યાય, ગુજરાત મેરીટાઈમ બોર્ડના સીઈઓ સુ અવંતિકા સિંઘ, કોસ્ટ ગાર્ડના કમાન્ડન્ટ  એસ. કે. વર્ગીસ, ઉદ્યોગ કમિશ્નર  ડી. પી. દેસાઈ તથા બહોળી સંખ્યામાં સાગરખેડુઓ કોવીડ-૧૯ ની ગાઈડલાઈન અનુસરીને ઉપસ્થિત રહ્યાં હતાં.

ઐતિહાસિક શહેર જુનાગઢની ભવ્યતા પુન: સ્થાપિત કરાશે: વિજયભાઇ રૂપાણી

જુનાગઢ શહેર માટે ૩૧૯.૪૮ કરોડની ભૂગર્ભ ગટર યોજના અને સાસણમાં પ્રવાસનના રૂ. ૩ર કરોડના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી દ્વારા ઇ-ખાતમુહૂર્ત

Img 4159

ઐતિહાસિક જુનાગઢ શહેર માટે ૩૧૯.૪૮ કરોડની ભૂગર્ભ ગટર યોજના અને સાસણમાં પ્રવાસનનાં રૂ. ૩ર કરોડના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી દ્વારા ઇ- ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુકે આધુનિક શહેરોમાં હવે ગુજરાતના શહેરો બરાબરી કરશે. તેમજ ઐતિહાસિક શહેર જુનાગઢની ભવ્યતા પુન: સ્થાપિત કરાશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગઈકાલે જૂનાગઢ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી જૂનાગઢ શહેર માટે રૂ.૩૧૯.૪૮ કરોડની ભૂગર્ભ ગટર યોજના અને સાસણ ગીર દેવળિયા ખાતે રૂ.૩૨ કરોડના પ્રવાસી સુવિધાના વિકાસકામોનું  ઇ-ખાતમુહૂર્ત કરાયુ હતું. આ પ્રસંગે તેમણે વધુમાં કહ્યુ કે,અગાઉની સરકારમાં યોજના અને વિકાસના નામે નાટકો થતા હતા. જ્યારે અમારી સરકાર સમય મર્યાદામાં યોજનાની આખી પ્રક્રિયા પૂરી કરે છે.

ઓવરબ્રીજ માટે અગાઉ રૂ. ૩૨ કરોડ મંજુર કરવામાં આવ્યા છે અને ગઈકાલે મંચ ઉપરથી વધુ રૂ. ૮૮ કરોડ આપવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. આ નાણા થકી બસ સ્ટેશન અને જોષીપુરાને આવરી લેતા બે આધુનિક ઓવરબ્રીજ બનશે જેથી જૂનાગઢવાસીઓને ટ્રાફીકની સસ્યામાંથી છુટકારો મળશે. ઉપરાંત જૂનાગઢ ફાટક મુક્ત બને તેવું પણ આયોજન થઇ રહ્યુ છે. ઐતિહાસિક શહેર જૂનાગઢને સૌરાષ્ટ્રમાં ગૌરવવંતુ બનાવવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

જૂનાગઢ પણ હવે આધુનિક શહેરોમાં સ્થાન પામશે. જૂનાગઢને હેરીટેજ સીટી તરીકે વિકસાવાશે. રોપ-વેમાં છેલ્લા અઢી મહિનામાં ૨.૫૦ લાખથી વધુ પ્રવાસીઓ, યાત્રાળુઓ અંબાજીના દર્શનનો લાભ લીધો છે. જૂનાગઢમાં હજુ નરસિહ મહેતા તળાવ, મહાબત મકબરો, ઉપરકોટ સહિતના સ્થળોની કાયાપલટ કરી પ્રવાસન હબ તરીકે વિકસાવાશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ.

આ તકે મુખ્યમંત્રીએ કહ્યુ  કે,ગીરનારની ગોદમાં સ્થિત ઇન્દ્રેશ્વર લાયન સફારી પાર્ક શરૂ કરાશે. આ માટે વન વિભાગને સૂચનાઓ આપી દેવામાં આવી છે. જૂનાગઢ ટુરીસ્ટ હબ બનતા આર્થિક વિકાસ થશે. રસ્તા સ્વચ્છતા સહિતની સુંદર વ્યવસ્થાથી દેશ-વિદેશના પ્રવાસીઓ પ્રભાવિત થશે અને જૂનાગઢની યાદગીરી અવીસ્મરણીય બનશે.

મુખ્યમંત્રીએ તાજેતરમાં અમલી બનાવેલ લેન્ડગ્રેબીંગ કાયદાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, આ ગાંધીનુ ગુજરાત છે. અહીં ગુન્ડાઓએ ગુજરાત છોડવુ પડશે અથવા ગુન્ડાગીરી છોડવાની રહેશે. લેભાગુ લોકો જમીન પચાવે તે દિવસો હવે પુરા થયા છે. કાયદો વ્યવસ્થામાં અમારી સરકાર કોઇ બાંધછોડ કરવા માંગતી નથી. અમે રાજ્યમાંથી ભય-ભુખ-ભ્રષ્ટાચાર નાબુદ કરવા પ્રતિબદ્ધ છીએ.

પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ જૂનાગઢ પ્રવાસનનું હબ છે. અહીં ગુજરાતમાં સૌ પ્રથમ બહાઉદ્દીન કોલેજ, નરસિહ મહેતાનો ચોરો અને સરકીટ હાઉસ પાસેની પાણીની ઉંચી ટાંકી થ્રી ડાઇમેન્શન લાઇટથી જળહળતી કરાશે. સાસણમાં ૩૨ કરોડના જે કામ થવાના છે તેનાથી સાસણની કાયાપલટ થશે. સાથે સાથે થ્રી જનરેશનને ધ્યાને લઇ સમગ્ર કુટુંબ પ્રવાસન સ્થળોને માણી શકે તેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. જૂનાગઢ અને સાસણ પ્રવાસનની દ્રષ્ટીએ વિશ્વના નકશામાં આગવુ સ્થાન ધરાવે છે તેના વિકાસમાં વિશેષ રસ-રૂચી માટે મુખ્યમંત્રી પ્રત્યે મંત્રી જવાહરભાઇ ચાવડાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલે સ્વાગત પ્રવચન કરવા સાથે  જૂનાગઢના જોષીપુરા અને બસ સ્ટેશન પાસે ઓવર બ્રીજ બને તેમજ જૂનાગઢને ફાટક મુક્ત કરવા લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે અન્ન નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડ્યા, સ્ટેન્ડીંગ ચેરમેન રાકેશ ધુલેશીયા, શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા, કલેક્ટર ડો.સૌરભ પારઘી, સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધી મ્યુ.કમિશનર તુષાર સુમેરાએ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.