Abtak Media Google News

ફરજ દરમિયાન બેદરકારી દાખવતા કર્મચારીઓને ચેતવવા આડકતરી સુચના

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સંવેદનશીલ સ્વરૂપ અવારનવાર વાર-તહેવાર જોવા મળતું હોય છે, વિજયભાઈ રૂપાણીની મુખ્યમંત્રી તરીકેની સાલસતા, સરળતા અને સંવેદનશીલતા હજુ હાલમાં જ જોવા મળી જ્યારે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનાં બાળસંગમ કાર્યક્રમમાં તેઓએ રાજકોટનાં વિવિધ સ્લમ એરિયામાં વસતા એક હજાર જેટલા બાળકો સાથે વિવિધ રાઇડ્ઝની મજા માણી અને ત્યારબાદ ભૂલકાઓ સંગે વિજયભાઈએ મિષ્ટાન્ન સહિતનાં ભાવતા ભોજનિયા સ્નેહથી જમ્યા. મુખ્યમંત્રી તરીકેનાં ત્રણ વર્ષનાં કાર્યકાળમાં વિજયભાઈએ વિવિધ કિસ્સાઓમાં દાખવેલી સંવેદનશીલતાનાં ત્રણસોથી અધિક કિસ્સાઓ હશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાની કરુણા, વાત્સલ્ય, પ્રેમ, દયાભાવના માટે જાણીતા-માનીતા-ચહિતા છે. પણ હા, એનો અર્થ એ જરા પણ નથી કે, વિજયભાઈ રૂપાણીનાં સંવેદનશીલ સ્વભાવનાં કારણે તેમના નેતૃત્વમાં બધુ જ ચાલશે, હાલશે. કોઈ કશું નહીં કહે કે કોઈનાથી કશું નહીં થાય. વગેરે..વગેરે.. વિજયભાઈ રૂપાણી જેટલા સૌમ્ય છે એટલા જ સ્ટ્રીક્ટ પણ છે. વિજયભાઈ રૂપાણીનું મુખ્યમંત્રી તરીકે સિંઘમ સ્વરૂપ હાલમાં જ જોવા મળ્યું જ્યારે તેમણે આંગણવાડીનાં કાર્યક્રમમાં ડિજીટલ સ્ટ્રાઈક કરીને આંગણવાડીની કર્મચારી બહેનોને ફરજ દરમિયાન બેદરકારી કરતા પકડી પાડ્યા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જરૂર જણાય ત્યાં સંવેદનશીલ બનવાની જગ્યાએ સિંઘમનાં અવતારમાં પણ જોવા મળશે. મતલબ કે હવેથી કામચોરી કરતાં સરકારનાં વિવિધ ખાતા-વિભાગ-કચેરીઓ અને તેમના અધિકારીઓ-કર્મચારીઓની ખેર નહીં રહે. ખાસ કરીને સરકારી બાબુઓએ સાવધાન થઈ જવા જેવું છે કેમ કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગમે ત્યારે ડિજીટલ સ્ટ્રાઈક કરી સરકારી પગારદારો ફરજ દરમિયાન બેજવાબદાર નથીને અથવા તો બેદરકારી કરતા નથીને તેની સ્વયં ચકાસણી કરશે. મુખ્યમંત્રીશ્રી ખુદ વિવિધ સરકારી ખાતા-વિભાગો-કચેરીઓ અને તેમના કર્મચારી-અધિકારીઓ પોતપોતાનું કામકાજ જવાબદારીપૂર્વક નિષ્ઠાથી કરે છે કે નહીં તે જાણવા માટે ગમે ત્યારે મોબાઈલ કે સીસીટીવી કેમરા દ્વારા ડિજીટલ સ્ટ્રાઈક કરી શકે છે. જો તમે સરકારી પગારદાર હોવ તો સાવધાન થઈ જવા જેવું છે. મુખ્યમંત્રીશ્રીની કચેરીમાંથી ફોન આવે ત્યારે કે સીસીટીવી કેમરાની દેખરેખમાં સોંપેલી ફરજ દરમિયાન કામચોરી કરતા પકડાશો તો ક્યાંયના નહીં રહો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બાળકીઓને સારૂં પોષણ અને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે પ્રયત્નશીલ છે. ગુજરાતને કુપોષણમુક્ત રાજ્ય બનાવવાનું વિજયભાઈ રૂપાણીનું લક્ષ્ય છે ત્યારે આંગણવાડી કક્ષાએ અસરકારક રીતે કામગીરી થઈ શકે એ જરૂરી છે આથી તે કામગીરી આંગણવાડી બહેનો દ્વારા અસરકારક રીતે થાય છે કે નહીં એ ચકાસવા માટે મુખ્યમંત્રીશ્રીએ અમુક આંગણવાડીઓમાં અચાનક ફોન કર્યા હતા પરંતુ કેટલાક કર્મચારીઓનાં ફોન બંધ આવતાં વિજયભાઈ રૂપાણીએ તેમને કડક ચેતવણી આપી છે. જો કે આ હજુ શરૂઆત છે અને પ્રથમવાર છે એટલે માત્ર કડક ચેતવણી આપવામાં આવી છે પણ હા, હવેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ડિજીટલ સ્ટ્રાઈકમાં કોઈપણ કામકાજની ફરજ દરમિયાન બેદરકારી કરતુ ઝડપાયું-પકડાયું તો કડક ચેતવણીની જગ્યાએ સીધી જ કડક કાર્યવાહી કરવામાં આવશે એ નક્કી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.