રાજકોટ ડેરીના ચેરમેન તરીકે ગોરધન ધામેલીયા બિનહરીફ

૨૦ વર્ષના શાસન બાદ અંતે ચેરમેનપદ પરથી ગોવિંદભાઈ રાણપરીયાની વિદાય: જયેશ રાદડિયાની મધ્યસ્થીથી ચુંટણીની નોબત ન આવી

સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રે નામના ધરાવતી રાજકોટ ડેરીની ચુંટણી બિનહરીફ થઈ છે જેમાં ચેરમેન તરીકે ગોરધન ધામેલીયાની વરણી થઈ છે. જિલ્લા બેંકના ચેરમેન અને મંત્રી તરીકે કાર્યરત જયેશભાઈ રાદડિયાની મધ્યસ્થીથી ઘીના ઠામમાં ઘી પડી ગયું છે અને ઘણા સમયથી ચાલ્યા આવતા ગોવિંદભાઈ રાણપરીયાના રાજનો અંત આવ્યો છે.

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘમાં બે દાયકા બાદ પરીવર્તન થયું છે. ડેરીના તમામ ૧૫ સભ્યો બિનહરીફ ચુંટાયા બાદ આજે ચેરમેનની ચુંટણી પણ બિનહરીફ થઈ છે. જયેશભાઈ રાદડિયાની મધ્યસ્થીથી તમામ મામલો થાળે પડી ગયો છે જોકે ગઈકાલે જામકંડોરણામાં યોજાયેલ સભ્યોની બેઠકમાં વર્તમાન ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાએ જ ગોરધનભાઈ ધામેલીયાને ચેરમેન બનાવવાનો પ્રસ્તાવ મુકયો હતો જેને સૌવ સભ્યોએ વધાવી લીધો હતો. રાજકોટ ડેરીમાં છેલ્લા ૨૦ વર્ષથી ગોવિંદભાઈ રાણપરીયા ચેરમેન તરીકે કાર્યરત છે. આ વખતે ડેરીની ચુંટણીમાં ગોરધનભાઈ ધામેલીયાએ ઝંપલાવ્યું ત્યારથી જ તેઓનું નામ ચર્ચામાં રહ્યું હતું. તેઓ મુળ વિરપુરના વતની છે અને વિઠ્ઠલભાઈ રાદડિયા જુથના વર્ષો જુના વિશ્ર્વાસુ સાથી છે.

૨૮ ઓગસ્ટ ૧૯૫૮ના રોજ જન્મેલા ગોરધનભાઈ ધામેલીયા બી.એ. સુધી ભણેલા છે. તેઓએ જેતપુરની કમરીબાઈ હાઈસ્કુલ અનેે બોસમીયા કોલેજમાં શિક્ષણ મેળવેલું છે. કોલેજકાળમાં સતત ત્રણ વર્ષ જી.એસ. તરીકે ચુંટાયા બાદ તેઓએ ૧૯૮૫માં વિરપુર ગ્રામ પંચાયતની ચુંટણી લડીને વિજય હાંસલ કર્યો હતો. ૧૯૮૭ થી ૧૯૯૩ સુધી જેતપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે તેઓ કાર્યરત રહ્યા છે. ૧૯૯૦ના પ્રારંભે ૩ વર્ષ માટે તેઓએ પાણી પુરવઠા બોર્ડમાં ડિરેકટર તરીકે સેવા આપી છે. આ ઉપરાંત તેઓએ જેતપુર માર્કેટયાર્ડમાં ત્રણ ટર્મ સુધી ડિરેકટર તરીકે સેવા આપી હતી. એક ટર્મ વાઈસ ચેરમેન તરીકે પણ સેવા આપી છે. વર્ષ ૨૦૦૦થી ૨૦૧૦ સુધી તેઓ રાજકોટ જિલ્લા પંચાયતમાં સભ્ય અને વિવિધ સમિતિના ચેરમેન તરીકે રહ્યા હતા. તેઓએ ધારાસભ્યની ચુંટણી પણ લડી છે. હાલ તેઓ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે પણ પોતાની જવાબદારીઓનું સુપેરે વહન કરી રહ્યા છે. સાથે તેઓ છેલ્લા ૧૮ વર્ષથી જિલ્લા બેંકમાં ડિરેકટર છે અને વિરપુર સહકારી મંડળીમાં ૨૮ વર્ષથી પ્રમુખ પણ રહ્યા છે.

રાજકોટ દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન બનવા બદલ ગોરધનભાઈ ધામેલીયાને અભિનંદન: જયેશ રાદડિયા

જયેશભાઈ રાદડિયાએ કહ્યું હતું કે, અગાઉ ઇતિહાસમાં પ્રથમવાર રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં તમામ બેઠકો બિન હરીફ થઈ હતી. જે બાદ આજે રાજકોટ ડેરીના ચેરમેનની વરણી પણ બિન હરીફ થઈ છે. જેમાં સર્વાનુમતે સહકારી ક્ષેત્રના આગેવાન ગોરધનભાઇ ધામેલીયાની ડેરીના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. જયેશભાઇએ ઉમેર્યું હતું કે, રાજકોટ દૂધ ઉતોડક સંઘે જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોની હરહંમેશ માટે ચિંતા કરી છે. હરહંમેશ પશુપાલકોના હિતને ધ્યાને રાખીને નિર્ણયો કરવામાં આવ્યા છે. તેમણે ભારતીય કિસાન સંઘ દ્વારા કરાયેલા આક્ષેપ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ ડેરી સાથે ૯ હજાર મંડળીઓ તેમજ ૬૫ હજાર પરિવારો જોડાયેલા છે જેમણે ક્યારેય ફરિયાદ કરવાનો વારો નથી આવ્યો. ગોવિંદભાઇ રાણપરિયા પર કરાયેલા આક્ષેપ બિલકુલ પાયા વિહોણા છે. જ્યારે ગોવિંદભાઇ રાણપરિયાએ ડેરીની કમાન સાંભળી ત્યારે વાર્ષિક ટર્ન ઓવર ૫૦ કરોડનું હતું અને આજે ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર રૂ. ૭૫૦ કરોડનું છે જે આંકડાઓ સાક્ષી છે કે કોઈ ભ્રષ્ટાચાર થયો નથી.

પશુપાલકોના હિત માટે ’સબકા સાથ સબકા વિકાસ’ સાથે આગળ વધીશું: ગોરધન ધામેલીયા

ગોરધનભાઇ ધામેલીયાની રાજકોટ દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન તરીકે વરણી થયા બાદ તેમણે ’અબતક’ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષોથી રાદડિયા પરિવાર સાથે જોડાયેલો છું. મને જે જવાબદારી સોંપવામાં આવી છે તે જયેશભાઇ રાદડિયાના માર્ગદર્શનમાં રહીને નિભાવીશ. આ તકે તેમણે રાદડિયા પરીવારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમણે આગામી દિવસોના વિઝન અંગે કહ્યું હતું કે, પશુપાલકોના હિત માટે હરહંમેશ કટીબદ્ધ રહીને કામ કરીશું અને જરૂર જણાયે રાજ્ય સરકારને પણ પશુપાલકોના હિત માટે રજુઆત કરીશું. પશુપાલકો અને દૂધ ઉત્પાદકોને વધુમાં વધુ ભાવ અપાવવા માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. તેમણે ભારતીય કિસાન સંઘ દ્વારા કરાયેલા આક્ષેપો વિશે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારની વાતોમાં કોઈ તથ્ય નથી. રાજકોટ ડેરી પશુપાલકોને સૌથી વધુ ભાવ આપતી સૌરાષ્ટ્રની એકમાત્ર ડેરી છે. તેમણે કહ્યું હતું કે, ડેરીના નામને લાંછન લાગે તેવું કોઈ કાર્ય અગાઉ કરવામાં આવેલું નથી અને આગામી દિવસોમાં પણ આવું કોઈ કાર્ય કરવામાં આવશે નહીં. તેમ છતાં આગામી

દિવસોમાં કોઈ સમસ્યા સર્જાશે તો સૌને સાથે રાખીને પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય કિસાન સંઘ ભાજપની જ ભગીની સંસ્થા છે તો તેમને પણ હવે વિશ્વાસમાં લેવામાં આવશે.

Loading...