Abtak Media Google News

પોઝિટિવિટી રેટ પણ ઘટ્યો: એક તબક્કે ૧૫ ટકા પહોંચેલો પોઝિટિવિટી રેટ હવે માત્ર ૨.૭૦ ટકા જ રહ્યો: રિકવરી રેટ ૮૩ ટકાને આંબ્યો

રાજકોટવાસીઓ માટે થોડા રાહતના સમાચાર છે. છેલ્લા બે મહિનાથી શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દરમિયાન હવે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઓગષ્ટ માસમાં ૧૫ ટકા સુધી પહોંચેલો પોઝિટિવિટી રેટ હવે ઘટી ૨.૭૦ ટકાએ આવી ગયો છે. બીજી તરફ રીકવરી રેટ પણ ૮૩ ટકાએ પહોંચી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે બપોર સુધીમાં કોરોનાના વધુ ૪૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા.

રાજ્યમાં અમદાવાદ, સુરત બાદ રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. ગત ઓગષ્ટ માસમાં શહેરમાં કોરોના પોઝિટિવિટી રેટ ૧૫ ટકા સુધી પહોંચી ગયો હતો. એટલે કે ૧૦૦ વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવે તો ૧૫ વ્યક્તિઓ કોરોના સંક્રમિત મળી આવતા હતા. દરમિયાન છેલ્લા થોડા દિવસથી પોઝિટિવિટી રેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે બપોર સુધીમાં શહેરમાં કોરોનાના વધુ ૪૨ પોઝિટિવ મળી આવ્યા હતા. આ સાથે કુલ કેસનો આંક ૬૮૭૫એ પહોંચ્યો છે. પોઝિટિવિટી રેટ માત્ર ૨.૭૦ ટકા જ રહેવા પામ્યો છે. આજ સુધીમાં ૫૬૬૪ લોકો કોરોનાને મહાત આપવામાં સફળ રહ્યાં છે. આજ સુધીમાં રીકવરી રેટ ૮૨.૮૯ ટકાએ પહોંચી ગયો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં કોવિડ તથા નોન કોવિડથી થનાર મૃત્યુમાં પણ ઘટાડો નોંધાયો છે. માત્ર ૫ વ્યક્તિના મૃત્યુ થયાનું જાહેર કરવામાં આવ્યું છે. ગતકાલે મવડી રોડ પર ઉદય નગર અને શ્રવાસય સોસાયટી, રૈયારોડ પર ગણેશપાર્ક, બોલબાલા માર્ગ પર ગાયત્રીનગર, એરપોર્ટ રોડ પર સ્વપ્ન સીદ્ધી પાર્ક, વાણીયાવાડીમાં દયાનંદનગર, કોઠારીયા રોડ પર ગોવિંદનગર અને પોપટપરામાં દ્વારકેશ રેસીડેસીને માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. કોર્પોરેશનની ૧૦૩૧ સર્વેલન્સ ટીમો દ્વારા ગઈકાલે ૪૦૭૧૭ ઘરમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં તાવ, શરદી અને ઉધરસના લક્ષણ ધરાવતા માત્ર ૩૩ વ્યક્તિઓ જ મળી આવ્યા હતા જે દર્શાવે છે કે શહેરમાં હવે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. ગઈકાલે ૧૦૪માં કુલ ૧૪૭ લોકોએ ફોન કર્યો હતો. જ્યારે હોમ કવોરન્ટાઈન કરાયેલા ૧૩૦૩ ઘર અને કુટુંબની ચકાસણી સંજીવની રથ દ્વારા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.