જામનગરમાં અગ્રણી બિલ્ડર પર સરા જાહેર ફાયરિંગ થતા ખળભળાટ

સ્વબચાવમાં બિલ્ડરે પણ કર્યું હવામાં ફાયરિંગ : ક્રિષ્ના પાર્કની જમીનના મુદ્દે કુખ્યાત શખ્સે ભાડુયાત પાસે ફાયરિંગ કરાવ્યાની શંકા

જામનગરમાં અગ્રણી બિલ્ડર પર કુખ્યાત શખ્સના ભાડુયાતોએ દિન દહાડે સરા જાહેર ફાયરિંગ થતા આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી જવા પામી છે. જ્યારે ફાયરિંગ થતા જ બિલ્ડરે પોતાના સ્વબચાવ માટે હથોડી જેવા હથિયારનો ઘા કરી પોતાની પાસે રહેલા હથિયાર માંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. ઘટના જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં આજે બપોરે અગ્રણી બિલ્ડર ગીરીશભાઈ ડેર (આહિર) ઉપર ફાયરિંગ થતા ખળભળાટ મચી ગયો છે. બે બાઈક ઉપર આવેલા ૩ શખ્સોએ ફાયરિંગ કરતા ગિરીશભાઈએ હથોડી અને નટ બોલ્ટ ના ઘા કર્યો હતો તેમજ પ્રતિકાર માટે ફાયરીંગ પણ કર્યું હતું. જો કે તેનો બચાવ થયો હતો. જેથી આ શખ્સો નાસી છૂટયા હતા. આ બનાવની જાણ થતા એસપી શરદ સિંઘલ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ક્રિષ્ના પાર્ક વાળી જગ્યાના મુદ્દે કુખ્યાત જયેશ પટેલના ભાડુઆત શખ્સોએ થોડા સમય પહેલા પ્રોફેસરની કાર પર ફાયરિંગ કર્યું હતું. આજે બિલ્ડર ઉપર થયેલા ફાયરીંગ પ્રકરણને અને ક્રિષ્ના પાર્ક વાળી જગ્યાના પ્રકરણને આ ઘટનાના સાથે સંબંધ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ લાલપુર બાયપાસ પાસે શહેરના આહીર અગ્રણી અને બિલ્ડર ગીરીશભાઈ ડેર પોતાની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પોતાની સાઈટ પર હતા ત્યારે વાહન માં આવેલ અજાણ્યા શખ્સો બિલ્ડર પર ફાયરિંગ કર્યું હતું જો કે આરોપીઓએ કરેલ ફાયરિંગમાં બિલ્ડરને એક પણ ગોળી વાગી નથી. આ ઘટનાને પગલે આરોપી તુરંત નાસી ગયા હતા. આ બનાવના પગલે એલસીબી એસઓજી અને પંચકોશી બી ડીવીજન પોલીસ સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ જણાવ્યા અનુસાર કોઈ શખ્સોએ બિલ્ડરને ડરાવવા માટે જ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે ફાયરિંગ પાછળ કોણ શખ્સો છે તેનો કોઈ તાગ મળી હજુ મળી શક્યો નથી.

બીજી તરફ ગત વર્ષ પ્રોફેસરની કાર પર જે ફાયરિંગ થયા હતા તે ક્રિષ્ના પાર્ક વાળી જગ્યા લઈને જ કુખ્યાત જયેશ પટેલના ભાડુતી શખ્સોએ ફાયરિંગ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાના તાર જે તે ઘટના સાથે જોડાયેલ છે કે કેમ ? તે તરફ પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ હાલ બિલ્ડરનું નિવેદન નોંધી ફરિયાદ નોંધવા અને આરોપીઓને પકડવા જિલ્લાભરમાં નાકાબંધી કરી રહી છે.

જામનગરમાં વધતી જતી ગુનાખોરીમાં વધુ એક મોટી ઘટના ઉમેરો થયો છે. ગત વર્ષ સત્યમ કોલોની વિસ્તારમાં થયેલ બિલ્ડર લોબી સાથે સંકળાયેલા પ્રોફેસર ની કાર પર થયેલ ફાયરિંગ બાદ વધુ એક ફાયરિંગની ઘટના સામે આવતા શહેરમાં ભયનો માહોલ વધી રહ્યો છે. ત્યારે પોલીસે ફાયરિંગની ઘટનાની નોંધ કરી જુદી જુદી દિશામાં તપાસનો ધમધામટ શરૂ કર્યો છે.

Loading...