Abtak Media Google News

અતિવૃષ્ટિથી પાકનું ધોવાણ થતા ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવક ઘટી

આ વર્ષે સતત પડેલા વરસાદને  કારણે ખેડૂતોએ ડુંગળીના મોંઘા બિયારણ સાથે બે બે વખત વાવેતર કરેલા ડુંગળીના પાકો નિષ્ફળ ગયા છે.ગણ્યા ગાઠ્યા બચેલા ડુંગળીના પાકમાં ખેડૂતોના ખાતર દવાના લખલૂંટ ખર્ચાઓના અંતે પણ ડુંગળીના પાકને અનુકુળ હવામાન ન હોવાની સાથે રોગચાળાની કારણે ડુંગળીનો પાક નિષ્ફળ જતો જોવા મળ્યો છે.ડુંગળીનો પાક નિષ્ફળ જતા ડુંગળી પકવતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.

ડુંગળીનો પાક નિષ્ફળ જવાની સાથે ગતહ વર્ષે ઉનાળામાં મોટાભાગના  ખેડૂતોએ ઉત્પાદન કરેલ ડુંગળીનો પાક અસહ્ય ગરમીને કારણે બગડી જવા પામ્યો છે.જેમને કારણે ખેડૂતોને ડુંગળીનો તૈયાર માલ ભાવ મળે તે પહેલા જ ફેંકી દેવો પડ્યો છે.ત્યારે માર્કેટ યાર્ડોમાં ડુંગળીની ઓછી આવકોની સાથે માલની અછતને કારણે ડુંગળીના ભાવમાં આગઝરતી તેજીનો માહોલ જોવા મળ્યો છે.

ત્યારે હંમેશને માટે ડુંગળીથી ઉભરાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની રોજીંદી માંડ ૫ થી ૬ હજાર કટ્ટાની આવક જોવાં મળી રહી છે.આ સાથે જ ડુંગળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૮૧/- થી લઈને ઉંચામાં ૬૩૧/- સુધીના તેમજ સરેરાશ ભાવ ૪૮૧/- સુધીના બોલાયા હતા.ડુંગળીનો નિષ્ફળ ગયેલ પાક અને માલની અછતના કારણે ખેડૂતોને પણ ડુંગળીના બિયારણો તેમજ બિયારણ માટેની ડુંગળી ઉંચા ભાવે ખરીદ કરવાની ફર્જ પડી રહી છે. ત્યારે આગામી  દિવસોમાં જાણકારોના મતે ડુંગળી ભાવમાં ખેડૂતો અને ગૃહિણી બંનેને રડાવતી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.