Abtak Media Google News

પાલિકાના વોટર વર્કસના ચેરમેનની જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ  વડાને ચોંકાવનારી રજૂઆતથી પોલીસ બેડામાં ખળભળાટ

લોક ડાઉનના કારણે દારૂ, તમાકુ અને બીડીના બંધાણી રીતસર હેરાન પરેશાન થયા છે ત્યારે બંધાણીની મજબુરીનો લાભ લઇ કેટલાક પોલીસમેન મેદાને આવ્યાની ઉચ્ચ રજૂઆત થતા પોલીસ અધિકારીઓ ચોકી ઉઠયા હતા. તપાસના અંતે ગોંડલ સિટી પોલીસ મથકના બે પોલીસમેનની હેડ કવાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જાહેરનામાનો કડક રીતે અમલ થાય તે રીતે સબ ડિવિઝનલ મેજી. દ્વારા ગોંડલની ત્રણ તમાકુની દુકાનો શીલ કરાવી દીધી છે. એટલુજ નહીં જિલ્લાના અન્ય  સ્થળોએ પણ તમાકુનુ વેચાણ થતુ હોય તેવી દુકાનો શીલ કરવામાં આવશે તેમ જણાવ્યુ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નગર પાલિકા વોટર વર્કસના ચેરમેન અનિલભાઇ માધડે ગોંડલમાં તમાકુ અને સોપારીના કાળા બજાર કંઇ રીતે અને કોણ કરી રહ્યું છે તે અંગેની વિસ્તૃત રજુઆત જિલ્લા કલેકટર રૈમ્યા મોહન અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને રજૂઆત કરી પોલીસમેનની સંડોવણી હોવા અંગેના ખુલ્લા આક્ષેપ કરી તપાસ કરાવવા માગણી કરી હતી. ગોંડલ સિટી પોલીસમેનની સંડોવણી બહાર નહી આવે તો પોતે જાહેર જીવન છોડી દેશે તેમ જણાવ્યું છે.

ગોંડલમાં આવેલા ફાયર સ્ટેશન સામે આવેલા રામ ટ્રેડર્સ, ગુંદાળા રોડ ગેલેકસી એજન્સી, કૈલાશ કોમ્પ્લેક્ષમાં ખાતરા ટ્રેડર્સ, નાની બજારમાં આવેલા સાંઇનાથ લીંગુ, કૈલાશ બાગ મામાદેવ મંદિર પાસેના ત્રણ વેપારી ગોંડલ સિટી પોલીસ મથકના પોલીસમેનની સાથે મળી સોપારી અને તમાકુનો મોટા પાયે કાળા બજાર કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.

પોલીસની મીઠી નજર હેઠળ ચાલતા તમાકુ અને સોપારીના કાળા બજાર કરતા વેપારીઓ એક કિલો સોપારીના ‚ રૂ.૧ હજાર અને તમાકુના ડબ્બાના રૂ.૧૨૦૦ તેમજ ચુનાના પાઉચના સાડા ત્રણ રૂપિયા, બીડીના  રૂ.૧૨૦ અને સિગારેટના પાકીટના ૩૦૦થી ૬૦૦ પડાવવામાં આવતા હોવાનો ચોકાવનારો આક્ષેપ કર્યો હતો. જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આ અંગે તપાસ કરી ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ રાણા અને પરાક્રમસિંહની તાકીદની અસરથી પોલીસ હેડ કવાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.