Abtak Media Google News

રેલવે પોલીસે રાજ્યની કાયદો-વ્યવસથા માટેનું દળ અને આર.પી.એફ.એ કેન્દ્રનું રેલવેની સંપત્તિનું રક્ષણ કરતુ દળ

ફોજદાર જયદેવ સુરેન્દ્રનગર જીલ્લામાંથી છૂટો થઈ પશ્ર્ચીમ રેલવે પોલીસ જીલ્લામાં હાજર થવા વડોદરા આવ્યો. તે સમયે સમગ્ર ગુજરાત રેલવે પોલીસનું એક માત્ર મુખ્ય મથક વડોદરામાં જ હતુ. તે સમયે લગભગ જીલ્લા દીઠ એક એક રેલવે થાણા હતા કયાંક કયાંક જેતલસર જંકશન ધોળા જંકશન વિગેરે જગ્યાએ વધારાના પણ થાણા હતા. તે સમયે રેલવે પોલીસ વડા તરીકે જે અધિકારી હતા તેઓ સીધી ભરતીના આઈપીએસ અધિકારી પણ અજમાયશી સમયમાંજ ખાતામાંથી બરતરફ થયેલા પરંતુ ચૌદ વર્ષ સુધી સુપ્રીમ કોર્ટમાં કેસ લડીને પાછા ફરજ ઉપર આવેલો તેમને ખાતાની વહીવટી પકડ ન હતી. આ જનરલ બદલીમાં અન્ય જીલ્લાઓમાંથી રેલવેમાં અગીયાર જેટલા ફોજદારોની નિમણુંક થયેલી તેઓ જુદાજુદા અનુભવો ધરાવતા અને વિવિધ પ્રકારની માનસીકતા ધરાવતા હતા. સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ એકઠા થાય એટલે બીજી કોઈ વાત નથી હોતી. ફકત પોલીસદળની જ વાતો હોય અને આવા સમયે કોની કેટલી લાગવગ અને કેટલી પહોચ તેની પણ ચર્ચા થતી હોય છે.

જયદેવને આ ચર્ચામાં જાણવા મળ્યું કે રેલવે પોલીસમાં ખરાબમાં ખરાબ અને કોમી મથક અને ‘કાળા પાણીની સજા’ જેવું થાણુ ગોધરા રેલવે પોલીસ સ્ટેશન છે. આખા રાજયમાં રેલવે પોલીસમાં લૂંટ અને ધાડના ગુન્હા ફકત આજ પોલીસ થાણામાં નોંધાયા છે. આ થાણામાં લાંબા સમયથી નિયમિત કોઈ ફોજદાર જ નથી જેની નિમણુંક થાય તે સીક રજામાં ચાલ્યા જાય છે. એક જૂના અને ખડુસ બનેલા ફોજદારે પોલીસ વડાને મળી કૌટુંબીક કારણો બતાવી રજા ઉપર જતો રહ્યો પોલીસ વડાએ બાકી તમામના પણ રજા રીપોર્ટ માંગી શનિ-રવિની રજા મંજૂર કરી દીધી અને કહ્યું તમામ સાથે આવો આ નવા ફોજદારોમાં ચર્ચા થતી હતી કે જે હવે રજા ઉપરથી જે પહેલો હાજર થશે તે ગોધરા જશે.

આ રજાઓ દરમ્યાન આ તમામ ફોજદારો ગોધરા નિમણુંક ન થાય અને પોતાની ઈચ્છીત જગ્યાએ થાય તે માટે પોત પોતાના ખાતાકીય તથા રાજકીય સ્ત્રોતો દ્વારા પ્રયત્નો કરવાના હતા જયદેવને તો પોલીસના વહીવટી વિભાગ કે રાજકારણમાં કોઈ ઓળખાણ કે લાગવગ હતી નહિ. પરંતુ જયદેવ રજા ઉપર સુરેન્દ્રનગર આવ્યો ત્યાં તેને તેના મિત્ર જીલ્લા માહિતી અધિકારી ભુપેન્દ્ર દવે મળ્યા જયદેવની ઈચ્છા સુરેન્દ્રનગર રેલવે પોલીસ સ્ટેશનમાં જ રહેવાની હતી અને જગ્યા પણ ખાલી હતી. ભુપેન્દ્રભાઈ સાથે ચર્ચા થતા એવું જાણવા મળ્યું કે રેલવે પોલીસ વડાની અટક ધરાવતા એક અન્ય ઉચ્ચ પોલીસ અધિકારી રાજયના હથીયાર એકમોના વડા હતા તે ભુપેન્દ્રભાઈના અંગત મિત્ર હતા. તેથી ભુપેન્દ્રભાઈ અમદાવાદ આ અધિકારીને રૂબરૂ મળી જયદેવને સુરેન્દ્રનગર રેલવે થાણામાં મૂકવા ભલામણ કરી આ અધિકારીએ ભુપેન્દ્રભાઈની રૂબરૂમાં જ ટેલીફોનની રેલવે પોલીસ વડાને જયદેવની ભલામણ કરી દીધી.

જયદેવ ફરજ ઉપર હાજર થયો હજુ બીજા ફોજદારો હાજર થયા નહતા. તમામ એ રાહ જોતા હતા કે ગોધરા નિમણુંક થાય પછી હાજર થવું પરંતુ જયદેવને પોતાની ભલામણ થયાનો પાકો ભરોસો અને વિશ્ર્વાસ હતો કે સુરેન્દ્રનગર રેલવે થાણામાં નીમણુંક થઈ જશે. આથી જયદેવ ફરજ ઉપર હાજર થયો અને રેલવે પોલીસ વડાએ જયદેવની થયેલ ભલામણની પણ ચર્ચા કરી પરંતુ બીજા ફોજદારો રજા ઉપરથી આવે ત્યાં સુધી ગોધરા જવાનો પંદર દિવસનો હંગામી હુકમ કર્યો અને વધુમાં કહ્યું કે તમામની નિમણુંક થશે ત્યારે સાથે તેમને પણ સુરેન્દ્રનગર મૂકી દેશે. જયદેવ વિશ્ર્વાસમા રહ્યો તમામ ફોજદારો હાજર થઈ પોત પોતાની ઈચ્છીત જગ્યાએ નિમણુંક મેળવી હાજર થઈ ગયા. જયદેવ પંદર દિવસના હંગામી હુકમ ઉપર બે વર્ષ સુધી ગોધરા રેલવે થાણામાં ફોજદાર તરીકે રહ્યો.

જયદેવ માટે રેલવે તો નવું હતુ પણ પંચમહાલ જીલ્લો તેનું પ્રજા જીવન રેલવે નો વહીવટ તમામ નવું અને નવી જીંદગી જેવુ જ હતુ. રેલવેની ફરજ પણ જુદા પ્રકારની મોટાભાગે બેગ લીફટીંગ ચોરીઓના જ ગુન્હા જાહેર થાય, વાયરકટીંગનો રીપોર્ટ તો સ્ટેશન માસ્તર ચોથીયામાં લખી ને મોકલી દે. તે ઉપરાંત દોઢસો કિલોમીટર જેવી લાંબી બ્રોડગેજ લાઈન અને ૪૦ કીમી નેરોગેજ લાઈન તેથી માણસોનાં અકસ્માત મૃત્યુ ના કેસો બહુ જ બનતા તેમજ ભીખરીઓ ગાંડાઓ અને લાવારીશના પણ મૃત્યુની તપાસો રહેતી. ગોધરા રેલવે સ્ટેશનત્યારે જંકશન હતુ મુંબઈ દિલ્હી બ્રોડગેજ ડબલ ટ્રેક રેલવે લાઈન અને ગોધરાથી સેવાલીયા થઈ આણંદ જતી બ્રોડગેજ લાઈન પર ખરી તે સમયે ગોધરા લુણાવાડા નેરોગેજ બેબી ટ્રેન હજુ ચાલુ હતી. ગોધરાની હદ વડોદરા બાજુ ચાંપાનેર જંકશન સુધી અને દિલ્હી બાજુ રાજસ્થાન રતલામ થાણાના નહારગઢ સ્ટેશન સુધી એટલેકે દાહોદથી પાંચ સ્ટેશન અને અનાસ નદીના પૂલ સુધી હતી. આણંદ તરફ ડેરોલ સ્ટેશન સુધી અને નેરોગેજમાં લુણાવાડા સુધી જયુરીડીકસન હતુ. આ રેલવે લાઈનો અને ટ્રેનો ઉપર જે ગુન્હા બને તેની તપાસ ગોધરા રેલવે પોલીસે કરવાની હતી. તથા તેના ઉપર કાયદો અને વ્યવસ્થા પણ જાળવવાની હતી.

ગોધરા રેલવે પોલીસમાં તે સમયે એક ફોજદાર અને એકસો દસ રેલવે પોલીસ જવાનોનું સંખ્યા બળ હતુ જેનો ઉપયાગે ખાસ તો ગોધરા રેલવે સ્ટેશન અને દાહોદ સ્ટેશન પછીના રાજસ્થાન સરહદ બાજુના પાંચ રેલવે સ્ટેશનો જે ગાઢ જંગલો અને પહાડોમાં આવેલા હતા ત્યાં ટ્રેનો ઉપર લૂંટ-ધાડના ગુન્હા ન બને તે માટે થતો. તેમ છતા ગાઢ રાત્રીનાં સમયે ગમે તેવી ટ્રેનો ઉપર લૂંટ ધાડ ના ગુન્હા બનતા હતા આ ઉપરાંત ગોધરાથી પસર થતી ટ્રેનો દેહરાદૂન એકસ્પ્રેસ ફીરોજપૂર જનતા, સાબરમતી અમરાવતી, ભોપાલ-જમ્મુતાવી પૈકી અમુક ટ્રેનોમા સમયાંતરે પેટ્રોલીંગ હથીયાર ધારી પોલીસની જતી.

પરંતુ સૌથી અગત્યની હદ સ્થાનિક ગોધરા રેલવે સ્ટેશનમાં સ્ટેશન બહારનું રોડ પાર્કિંગ તથા સ્ટેશનની સામેનું મોટુ યાર્ડ જેમાં નેરોગેજ લોકોશેડ સહિત પાંત્રિસ જેટલી રેલવે ટ્રેકો હતીજેમાં સેન્ટીંગ એન્જીનો ફર્યા કરતા આ ગોધરાનું રેલવે સ્ટેશન બહુ ચર્ચિત અને બદનામ ઘાંચી વાડા લઘુમતી વિસ્તારમાં આવેલું હતુ. તે સમયે રેલવે સ્ટેશનને ફેન્સીંગ કે કંપાઉન્ડ વોલ ફકત ગોધરા જંકશન લખેલ રેલવેના પાટીયા સુધી જ હતી બાકી આગળ પાછળ તમામ ખૂલ્લુ જ હતુ. વડોદરા તરફની દિશાએ ‘એ’ કેબીન પછી પાછળના ભાગે ગોધરાનો કુખ્યાત કોમી સંવેદનશીલ વિસ્તાર જે છેક જયારે મોરારજી દેસાઈ જવાહરલાલ નહેરૂના પ્રધાન મંડળનાં સભ્ય હતા ત્યારથી કોમી દ્રષ્ટીએ વગોવાયેલો સીંગલફળીયા વિસ્તાર આવેલો હતો.

આ સીંગલ ફળીયાના કેટલાક લોકો વારંવાર પાકિસ્તાન પોતાના સંબંધીઓને મળવા હળવા રેલવે રસ્તે પંજાબના અટારી ચેક પોસ્ટ ઉપરથી આવતા જતા જેમાં અમુક ગુનેગારો પણ ત્યાં પાકિસ્તાનની ત્રાસવાદીઓ ને હળતા મળતા હોય તે સહજ બાબત હતી આ સીંગલ ફળીયાથી લઈ છેક ખડસલીયા રેલવે સ્ટેશન સુધી બીજી કોઈ કોમની વસ્તી જ નહતી આ ‘એ’ કેબીન પાસે જ વિશ્ર્વ કુખ્યાત બનાવ જયદેવની બદલી બાદ દસ બાર વર્ષે સાબરમતી એકસ્પ્રેસ  સળગાવવાનો કિસ્સો અહિં બન્યો હતો. જેમાં સાંઈઠ જેટલા કારસેવકો જીવતા સળગાવાયા હતા. અને તે કિસ્સા પછી સમગ્ર ગુજરાતમાં કોમી તોફાનો સળગી ઉઠેલા જેથી તે બનાવો ગોધરા કાંડ તરીકે ઓળખાયેલા તે સમયે આ ગોધરાની એ કેબીનથી ખડસલીયા રેલ્વે સ્ટેશન સુધીમાં રેલવે માલગાડીઓમાંથી લાખો રૂપીયાના માલની ચોરીઓ થતી પરંતુ રેલવે પ્રોટેકશન ફોર્સની નબળાઈ કે જે ગણો તે પણ ગુનેગારો તગડા થતા જતા હતા.

રેલવેની મીલ્કતના રક્ષણ માટે કેન્દ્ર સરકારનું રેલવેનું જ અલાયદુ રેલવે પ્રોટેકશન ફોર્સનું થાણુ પણ ગોધરામાં પ્લેટફોર્મ નંબર એક ઉપર રેલવે પોલીસ થાણાની બાજુમાં જ આવેલું હતુ આ આર.પી.એફ. થાણામાં એક ઈન્સ્પેકટર અને ત્રણ સબ ઈન્સ્પેકટર તથા દોઢસો જવાનો હતા. આ ગોધરા રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ ઉપર ચા-નાસ્તાની કેબીનો ઉપરના ફેરીયા તથા બબાલો તોફાનો કરનાર બે નંબરી ફેરીયાઓ પણ પાસેના સીંગલ ફળીયામાંથી જ આવતા તે કોઈ પ્લેટ ફોર્મ ઉપર ટીકીટો લેતા જ નહિ અને જથ્થા બંધ હોઈ કોઈને ગાંઠતા પણ નહિ.

ગોધરા રેલવે પોલીસ થાણાના સીપીઆઈ અને ડી.વાય.એસ.પી. નું મથક અમદાવાદ ખાતે હતુ તે સમયે રેલવે પોલીસનું જ્ઞાન રેલવે એકટની અમુક કલમો તથા આઈ.પી.સી.માંની ચોરીઓની કલમો અને સીઆરપીસીની કલમ ૧૭૪ અકસ્માત મૃત્યુ પુરતુ જ મર્યાદીત હતુ તેમજ માનસીકતા પણ ભીરૂ આ રેલવે પોલીસ રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ બહાર નીકળે એટલે ગરીબડી થઈ જાય તેવી હતી આ રેલવે પોલીસનો રોફ અને કોફ રેલવેના ટીટી, ટીસીની માફક રેલવે પ્લેટફોર્મ ટ્રેન ઉપર સિંહ જેવો પણ રેલવે સ્ટેશન બહાર નીકળ્યા પછી પૂરૂ !

જયદેવ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલો અને ત્યાંજે પધ્ધતિથી કામ કરેલું તે તેણે અહી ગોધરા રેલવે સ્ટેશન ઉપર પણ ચાલુ કર્યું આમેય જયદેવને અહિં ગોધરામાંકયાં રહેવું હતુ? પંદર દિવસનો હુકમ જ હતો આથી તે ધોકો અને ધડકી લઈને જ ગોધરા આવ્યો હતો. તેણે પ્લેટ ફોર્મ ઉપર બે નંબરીયા ફેરીયા અને લુખ્ખાઓ ઉપર સપાટો બોલાવ્યો આથી પ્લેટફોર્મ ઉપર જ પડયા પાથર્યા રહેતા આવારા લુખ્ખાઓમાં નાસ ભાગ થઈ ગઈ. અહિ રેલવે પોલીસમાં જયદેવને ગુન્હાઓની તપાસોની કોઈ ઉપાધી નહતી ફકત ચોરીઓ જ ! તેનો એક રાયટર કોન્સ્ટેબલ દિવસનો અને બીજો રાયટર કોન્સ્ટેબલ રાત્રીનો જુદો રાત્રીનો રાયટર ભરત મોદી યુવાન અને ઉત્સાહી તે દિવસનું વધારાનું કામ પણ ખેંચી લેતો દિવસનો રાયટર અંદરસિંહ પીઢને અનુભવી અને જાણકાર હતો. ગોધરા રેલવેનો ડી સ્ટાફ પણ દસની મોટી સંખ્યામાં હતો ગોધરા ખાતે રેલવે પોલીસની રાત્રીની નોકરી વધારે રહેતી કેમકે ગોધરા રેલવે સ્ટેશન ઉપર રાત્રીનાં જ પેસેન્જર ટ્રેનો પુષ્કળ પસાર થતી હતી ટ્રેનો અને માલગાડીઓમાં ઈલેકટ્રીક અને ડીઝલ એન્જીનો લાગતા પણ લુણાવાડા નેરોગેજ લાઈન ઉપર સાયકલની ઝડપ વાળુ કોલસાનું એન્જીન લાગતુ જેનું લોકોશેડ (પાર્કિંગ રીપેરીંગ) ગોધરા રેલવે યાર્ડમાંજ હતુ.

આી જયદેવે પ્લેટફોર્મ ઉપર આવેલા રીટાયરીંગ રૂમમાં જ ધામા નાખ્યા કેમકે પંદર દિવસનો જ હુકમ હતો. પરંતુ ત્રણેક મહિના સુધી બીજો કોઈ ઓર્ડર આવ્યો નહિ આ ત્રણ મહિના દરમ્યાન જયદેવને રીટાયરીંગ રૂમમાં એવો અનુભવ થયો કે જયારે માલગાડીઓ કે રાજધાની એકસ્પ્રેસ જેવી નોન સ્ટોપ ટ્રેનો પસાર થાય ત્યારે મકાનો અને જમીનો પણ ધ્રુજતી હોય ! આથી જયદેવની ઉંધ પણ ઉડી જતી આથીતેરેલવે કોલોનીમાં રેલવેના ફોજદાર માટે અલગ બનાવેલ કવાર્ટરમાં રહેવા ચાલ્યો ગયો.

જયદેવ તેના નિયમ મુજબ સવારના નવ વાગ્યે પ્લેટફોર્મ નંબર એક ઉપર જ આવેલી તેની ચેમ્બરમાં પહોચી જતો તે સમયે વડોદરા પોલીસ તાલીમ શાળામાં ફરજ બજાવતા અમુક પોલીસ અધિકારીઓ અગાઉ ગોધરા ફરજ બજાવતા હોય ગોધરા જ રહેતા અને વડોદરા અપડાઉન કરતા વડોદરા જવા માટે ગોધરાથી સવારે દસ વાગ્યે ફીરોજપૂર જનતા એકસ્પ્રેસમા જતા આ અધિકારીઓ અમુક જાણીતા અમુક નવાનો પરિચય સંપર્ક થયો તે વહેલા આવી જતા જયદેવની ચેમ્બરમાં જ બેસતા જેમાં ફોજદારો બડમલીયા, પોલરા, જાદવ અને ઈન્સ્પેકટરો જી.કે.સોલંકી, ભગત તેમજ આણંદથી અપડાઉન કરતા અધિકારી ઝાલા વિગેરેનો સંપર્ક થતા જયદેવનું ગોધરા ઉપરાંત વડોદરા આણંદ અને દાહોદ વિસ્તારમાં પણ સારૂ નેટવર્ક થયું. આ અધિકારીઓની વાનાખાત્રી માટે, ટ્રેનમા ચડવા બેસવાની વ્યવસ્થા માટે ઉત્સાહિ ડીસ્ટાફ ગૌરવ અનુભવતો આથી મધ્ય ગુજરાતમા જયદેવનું નેટવર્ક સારૂ એવું થઈ ગયું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.