ભગવાન આપને ખૂબ સુખી રાખે…

કોરોનાથી સાજા થયેલા દર્દીએ મુખ્યમંત્રી રૂપાણીને કહ્યું…

કોરોનાની સારવાર બાદ સંપૂર્ણ સાજા થઈને ઘરે ગયેલાં દર્દીઓ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ

રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સીધો સંવાદ સાધી પ્રતિભાવો મેળવ્યા

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી આજે ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સામાન્ય દર્દીઓને  સારવાર માટે ચાલતી ઓપીડીનું  વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ઓપીડીમાં  સામાન્ય રોગોની સારવાર માટે આવેલા દર્દીઓ વચ્ચે  સામાજિક અંતર, માસ્કનો ઉપયોગ, દર્દીઓને આપવામાં આવતી સારવાર અને સુવિધા, દવાઓનું વિતરણ અને સ્વચ્છતા  જેવી આનુસંગિક વ્યવસ્થાનું  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.

આ ઓપીડીની સારવાર દરમ્યાન  તમામ તબીબો, નર્સ  અને અન્ય મેડિકલ સ્ટાફ  પણ  પીપીઇ કિટથી સંપૂર્ણ સજ્જ હતો, જેથી તેમને પોતાને અને અન્ય કોઇ દર્દીને કોઈ  કોરોના જેવા ગંભીર  રોગનો ચેપ લાગે નહિ  તેની પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ દરમિયાન  ખાસ નોંધ લીધી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કોરોનાની સારવાર બાદ સંપૂર્ણ સાજા થઈને ઘરે ગયેલાં દરદીઓ સાથે ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સીધો સંવાદ સાધી તેમના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછીને સિવિલમાં અપાતી સારવાર અંગે પ્રતિભાવો મેળવ્યા હતા.

આ સંવાદ દરમિયાન કોરોનાના દરદીઓએ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે તેમને મળેલી કોરોનાની ઉત્તમ સારવાર અને સુવિધા બદલ રાજ્ય સરકાર અને કોરાના વોરિયર્સ તબીબોનો મુખ્યમંત્રી સમક્ષ અંત:કરણપૂર્વક આભાર પણ માન્યો હતો.

મુખ્યમંત્રી તથા કોરોનાના સાજા થયેલા દરદીઓ વચ્ચે થયેલા સંવાદ-પ્રતિભાવોના મુખ્ય અંશો:

(૧) ગૌરીબહેન પટેલ :

મુખ્યમંત્રી : ગૌરીબહેન આપ મજામાં છો ?

ગૌરીબહેન પટેલ : સાહેબ, આપના આશિર્વાદથી મજામાં છીએ.

મુખ્યમંત્રી : બહેન આશિર્વાદ તો ભગવાનના હોય, આપ સાજા થઈ ગયા એ બદલ આપને અભિનંદન

મુખ્યમંત્રી : બહેન, સિવિલ હોસ્પિટલમાં આપને સારવાર કેવી મળી છે ?

ગૌરીબહેન : ખૂબ સારી.. સમયસર જમવાનું, ડોકટર્સ દ્વારા તપાસ અને નર્સ બહેનોનો પણ ખૂબ સહયોગ મળ્યો..

સાહેબ, હું ચાલી શકતી નથી તેથી મને સિવિલના સ્ટાફના બહેનો મને બસ સુધી મૂકવા પણ આવ્યા હતા..

મુખ્યમંત્રી : બહેન આપ કયાં રહો છો ?

ગૌરીબહેન : સાહેબ, હું રાયપુર દરવાજા રહું છું..

મુખ્યમંત્રી : બહેન, મગનભાઈની તબિયત કેવી છે ?

ગૌરીબહેન : સાહેબ, એમની તબિયત ખૂબ સારી છે.. આ સારવાર બદલ ભગવાન આપને ખૂબ સુખી કરે..

(૨) અમન ગુપ્તા :

મુખ્યમંત્રી: અમનભાઈ આપની તબિયત હવે કેવી છે ?

અમન ગુપ્તા : સાહેબ, હવે ખૂબ સારી છે.

મુખ્યમંત્રી : આપ કેટલાં દિવસથી સારવાર લઈ રહ્યાં છો ?

અમન ગુપ્તા : સાહેબ, છેલ્લાં નવ દિવસથી.. હવે એક-બે દિવસમાં રજા આપવાના છે..

મુખ્યમંત્રીશ્રી : આપને સિવિલમાં કેવી સારવાર મળે છે ?

અમન ગુપ્તા : સાહેબ, અહિં ખૂબ સારી સારવાર મળે છે.. પૌષ્ટિક ભોજન, સ્વચ્છતા અને ડોકટર્સ પણ સમયસર અમારી તપાસ કરી રહ્યાં છે..

સાહેબ આ સિવાય પણ સ્વજનો સાથે ફોન પર પણ વાત કરાવે છે..

મુખ્યમંત્રી : અમનભાઈ આપ જલ્દીથી સાજા થઈને ઘરે જઈ શકો તેવી શુભેચ્છાઓ..

અમનભાઈ આપ ક્યાં રહો છો ?

અમન ગુપ્તા : સાહેબ, હું મેઘાણીનગરમાં રહું છું..

મુખ્યમંત્રી : અમનભાઈ આપને ડોકટર્સ અને મેડિકલ સ્ટાફનો કેવો સહયોગ મળ્યો ?

અમન ગુપ્તા : સાહેબ, ખૂબ સારો.. તેઓ સતત મારું ધ્યાન રાખી રહ્યાં છે..

(૩) અશોકભાઈ :

મુખ્યમંત્રી :  અશોકભાઈ આપ મજામાં છો ?

અશોકભાઈ : હા સાહેબ, મજામાં છું..

મુખ્યમંત્રી :  આપે કેટલાં દિવસ હોસ્પિટલમાં સારવાર લીધી ?

અશોકભાઈ : સાહેબ, ૧૨ દિવસ.

મુખ્યમંત્રી :  અશોકભાઈ આપને સિવિલમાં સફાઈ, જમવાનું અને ડોકટર્સની સારવાર કેવી લાગી ?

અશોકભાઈ : સાહેબ, સિવિલમાં વ્યવસ્થા ખૂબ જ સારી છે..

સાહેબ હું ૧૨ દિવસ રહ્યો પણ દવા અને ખાવા-પીવામાં કોઈ તકલીફ પડી નથી.

મુખ્યમંત્રી :  અશોકભાઈ આપ ક્યાં રહો છો ?

અશોકભાઈ : સાહેબ, સારંગપુર પુલની નીચે..

મુખ્યમંત્રી :  આપ શું વ્યવસાય કરો છો ?

અશોકભાઈ : સાહેબ, હું ઓટો રિક્ષા ચલાવું છું..

મુખ્યમંત્રી :  ખૂબ સરસ.. અશોકભાઈ થોડા દિવસોમાં બધા ધંધા રોજગાર પુન: ચાલુ થઈ જશે..

અશોકભાઈ આપની તબિયત સાચવજો..

Loading...