ભારતની ‘ત્રિદેવ’ થકી વિશ્વગુરૂ બનવા ભણી આગેકુચ !

કોરોના મહામારીથી ઝઝુમતા વિશ્વ માટે ભારતના વૈજ્ઞાનિકોના આવિસ્કારથી બનેલી ત્રણેય રસી પરીક્ષણમાં પાસ: સંપૂર્ણપણે સ્વદેશી ધોરણે બનેલી રસી પહોંચાડવા માટે પણ ભારતનું આંતર માળખાકીય તંત્ર ચીનને ટક્કર મારે તેવું

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત ૨૧મી સદીમાં વિશ્ર્વગુરૂની ભૂમિકામાં ખરૂ ઉતરશે તેવી રાજકીય અને ઈતિહાસવિદોની આગાહી અક્ષરસ: સત્ય પુરવાર થઈ રહી હોય તેમ પાતાળથી લઈને અવકાશ સુધીના સંશોધનો, કૃષિ, ઉર્જા અને આરોગ્ય સંશોધન, શિક્ષણ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને ડિજીટલ ક્ષેત્રે ક્રાંતિકારી આવિશ્કારોની ભારતની ઉપલબ્ધી હવે કોરોનાની મહામારીમાં રસીના આવિસ્કાર અને તેને દુનિયાના દૂર-સુદુર વિસ્તાર સુધી પહોંચાડવાના કપરા પડકારોને ભારત સંપૂર્ણપણે પહોંચી વળે તેવી સ્થિતિમાં ભારતની બનાવેલી ત્રણેય કોરોના વિરોધી રસીનું ત્રિદેવનું શસ્ત્ર ભારતને વિશ્ર્વગુરૂની ગરિમાપૂર્વકની ભૂમિકા અદા કરવા માટે પુરતુ હોવાનું સાબીત થયું છે. કોરોનાના આરંભ કાળથી જ દુનિયાભરના દેશો વચ્ચે કોરોનાની રસીની શોધ, પરીક્ષણ, આવિસ્કાર અને તેને લેબોરેટરીથી ઈંજેકશનના સીરીંઝ સુધી પહોંચાડવાની જે પડકારજનક પરિસ્થિતિ સામે માનવ જાત વામણી પુરવાર થશે તેવી દહેશતનો ભારતે સંપૂર્ણપણે છેદ ઉડાવ્યો હોય તેમ ભારતના વૈજ્ઞાનિકોએ સંપૂર્ણપણે સ્વાયત ધોરણે આત્મનિર્ભરતાના પર્યાયરૂપે બનાવેલી કોવેકસીન, કોવિસીલ્ડ અને જાયકોડીની રસીઓ પરીક્ષણમાં સંપૂર્ણપણે ખરી ઉતરી છે અને એક પણ પ્રકારની આડ-અસર વગર કોરોના સામે રસી લેનારને સુરક્ષીત કરી દેશે.

ભારતની આ ઉપલબ્ધી ૨૧મી સદીના વિશ્ર્વ માટે આફરીન કરી દેનારી બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અને સ્કીલ ઈન્ડિયા જેવા અભિયાનો થકી ભારતને ઔદ્યોગીક અને સંશોધન ક્ષેત્રે આગળ વધારવાની જે કવાયત હાથ ધરવામાં આવી છે તેના પરિણામો મળતા દેખાઈ રહ્યાં છે. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો દ્વારા રસીના આવિસ્કાર, નિરંક્ષણ, ઉત્પાદન અને પરીક્ષણ બાદ તેને સમગ્ર વિશ્ર્વમાં મોકલવાની જે રીતે તૈયારી કરી છે તે વિશ્ર્વ માટે આશિર્વાદરૂપ બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કાર્યાલયે રસીની ઉપલબ્ધી માટે કરેલા આયોજનો અને વૈજ્ઞાનિક સંશોધનકારોને આપેલા પ્રોત્સાહનથી આ શકય બન્યું છે. રસી જ્યાં બની છે ત્યાં વડાપ્રધાને સ્વયંમ મુલાકાત લઈને તેનું નિરીક્ષણ કરી તેના પરિણામની સમીક્ષા અને આડઅસરોના સંદેહના સમાધાન માટે જે ચીવટતા દાખવી છે તેના થકી ભારતની ત્રણેય રસીઓને ઉપયોગ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે. રસીની રસ્સાખેંચમાં સમગ્ર વિશ્ર્વના શક્તિશાળી દેશો વચ્ચે દ્વંદ યુદ્ધ ચાલી રહ્યું છે અને ખરબો રૂપિયા રળી લેવા માટે મહેનત કરવામાં આવી રહી છે તેવા સંજોગોમાં ભારતની આ ત્રણેય રસીઓ માનવજાત માટે આશિર્વાદ રૂપ બની રહેશે. ચીન, રશિયા જેવા ઔદ્યોગીક અને નિકાસકાર દેશો સાથેની હરિફાઈમાં ટક્કર મારે તેવું ભારતનું આંતર માળખીય વ્યવસ્થા તંત્ર ભારતના જન-જન સુધી રસી પહોંચાડવા માટે તો સમર્થ છે જ સાથે સાથે દક્ષિણ આફ્રિકા જેવા દૂર-સુદૂરના વિસ્તારો સુધી અને સમગ્ર એશિયામાં રસી પહોંચાડવા માટે સમર્થ છે. ભારતની આ ત્રિદેવ રસીની ઉપલબ્ધી ભારતને અવશ્યપણે વિશ્ર્વગુરૂની ગરિમા અપાવશે તે માનવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.

Loading...