Abtak Media Google News

રશિયામાં માયન્સ ૬૭ ડિગ્રી સેલ્સીયસ સુધી તાપમાનનો પારો પટકાયો
ઉત્તરાખંડ અને હિમાચલમાં હજુ બરફ વર્ષા ન થતાં ચિંતાના વાદળો ઘેરાયા.

ગ્લોબલ વોર્મિંગના ભયંકર પરિણામો વિશ્ર્વ ભોગવી રહ્યું છે. જયાં દર વર્ષે શિયાળામાં બરફ વર્ષા થાય છે તેવા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં શિયાળો પુરો થવા છતાં હજુ હિમવર્ષા થઈ નથી. બીજી તરફ રશિયાના યકુતિયા ક્ષેત્રમાં આંખોના પાંપણ પણ થીજી જાય તેવી માયન્સ ૬૭ ડિગ્રી સેલ્સીયસ ઠંડી પડી રહી છે. આ પ્રકારના વાતાવરણના ફેરફારના કારણે સમગ્ર વિશ્ર્વનો વ્યવહાર ખોરવાઈ જાય તેવી દહેશત છે.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં શિયાળો પુરો થવાની તૈયારી છે છતાં પણ હજુ સુધી હિમવર્ષા થઈ નથી. પરિણામે સફરજનનું ઉત્પાદન ઓછુ થાય તેવી દહેશત છે. શિમલામાં પણ હજુ બરફ વર્ષા થઈ નથી. પરિણામે સ્થાનિકો ચિંતીત બન્યા છે. એકાએક થતાં વાતાવરણના ફેરફારના પરિણામે ભારે નુકસાન જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

રશિયાના યકુતિયા ક્ષેત્રમાં શિયાળાએ તારાજી સર્જી છે. તાપમાનનો પારો માયન્સ ૬૭ ડિગ્રી સેલ્સીયસ સુધી ગબડી જતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. અહીં ઉલ્લેખનીય છે કે, આ ક્ષેત્રમાં માયન્સ ૪૦ ડિગ્રી તાપમાન હોય તો પણ શાળા-કોલેજોમાં રજા રહેતી નથી. પરંતુ માયન્સ ૬૭ ડિગ્રી તાપમાન થઈ જતાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રશિયામાં આવેલુ ઓમીકોન નામનું ગામડુ પૃથ્વીનું સૌથી ઠંડુ સ્થળ ગણવામાં આવે છે ત્યાં પણ એક સમયે માયન્સ ૫૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેનો રેકોર્ડ હવે યકુતિયા ક્ષેત્રએ તોડી નાખ્યો છે. ભયંકર ઠંડીના કારણે બે લોકો થીજી જવાથી મોતને ભેટયા છે. લોકોની આંખની પાંપણો પણ જામી ગઈ હોવાનું નોંધાયું છે. ક્ષેત્રના તમામ મકાનો અને બિઝનેશ ટર્મીનલોમાં હિટીંગ સીસ્ટમ હોવાથી રાહત છે. આટલી ભયંકર ઠંડી હોવા છતાં સ્થાનિકોને કોઈ મુશ્કેલી નડતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.