રાજકોટને ઉતરાયણની વધુ એક ભેટ આપતા મુખ્યમંત્રી, માધાપર ચોકડી નજીક નિર્માણ પામશે અદ્યતન બસ સ્ટેશન

નવા બસ સ્ટેશન માટે ૧ રૂપિયાના ટોકનભાવે જમીન ફાળવવા કેબિનેટમાં નિર્ણય લેવાયો: ૬૮૦૦ ચોરસમીટરમાં રાજકોટવાસીઓને નવું આધુનિક બસ સ્ટેશન મળશે: રાજકોટવાસીઓમાં હરખની હેલી

ઉત્તરાયણના તહેવાર નિમિતે રાજકોટવાસીઓને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોટી ભેટ આપી છે. રાજકોટના લોકોને હવે ટુક જ સમયમાં એક અતિઆધુનિક બસ સ્ટેન્ડ મળવા જઈ રહ્યું છે.આ અંગે રાજ્યના મુખ્યમંત્રીએ આજે સત્તાવાર રીતે જાહેરાત પણ કરી દીધી છે. આ બસ સ્ટેન્ડ માધાપર ચોકડી નજીક બનશે અને આ માટે જમીન ફાળવવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. આ બસ સ્ટેન્ડ મુખ્ય બસપોર્ટ કરતા નાનું હશે. જો કે આ મીની બસ સ્ટેન્ડ મળતા રાજકોટની જનતા ને લાભ મળશે અને ટ્રાફિકની સમસ્યાનું પણ નિવારણ થઈ જશે.

રાજકોટમાં બનનાર નવા બસ સ્ટેશન માટે રૂપિયા ૧ના ટોકન ભાવે જમીન ફાળવવામાં આવશે અને આ બસ સ્ટેશન માધાપર ચોકડી પહેલા આવેલા દ્વારિકા હાઈટ્સની પાછળના ભાગે ૬૮૦૦ ચોરસ મીટરમાં નિર્માણ પામશે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ખાતે આજે કેબિનેટની ઓનલાઇન બેઠક મળી હતી જેમાં રાજકોટ ખાતે જામનગર રોડ ઉપર માધાપર ચોકડી નજીક નવું આધુનિક મીની બસ સ્ટેશન બનવવા માટે લીલીઝંડી આપવામાં આવી છે. હાલમાં અત્યારનું શહેરનું મુખ્ય બસપોર્ટ તાજેતરમાં જ ધમધમતું થયું છે ત્યારે જે ખૂબ જ નાનું પડતું હોવાથી નવું બસ સ્ટેશન બનતા રાજકોટવાસીઓને મુસાફરી કરવામાં સરળતા રહેશે.

રાજકોટ એસ.ટી ડિવિઝનની દરરોજ અંદાજે ૮૦૦ થી વધુ બસો દોડે છે ત્યારે આ નવા બસ સ્ટેન્ડ બનવાને લીધે બસોમાં મુસાફરોની ટ્રાફીકની સમસ્યા હળવી થશે. રાજકોટમાં સરકાર દ્વારા કરેલા અનેકવિધ વિકાસ કાર્યોના લીધે છેલ્લા કેટલાક સમયથી શહેર સતત સમૃદ્ધિ અને વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આ નિર્ણયથી સોનામાં સુગંધ ભળ્યા જેવો ઘાટ ઘટાડો છે.

મુખ્યમંત્રીને અભિનંદન પાઠવતા ભંડેરી-ભારદ્વાજ-મીરાણી

ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતનાઓએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મકર સંક્રાતિના પાવન પર્વે સૌરાષ્ટ્રના પાટનગર સમાં રાજકોટને શહેરના માધાપર નજીક અદ્યતન બસ સ્ટેશનની જાહેરાત કરતા ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ન્યુ રેશકોર્ષ, અટલ સરોવર, એરપોર્ટ જેવું આધુનિક બસપોર્ટ, આવાસ યોજનાઓ જેવી અનેક ભેટ આપી છે. ત્યારે વધુ એક ભેટ નવા બસ સ્ટેશનની ભેટ આપતા રાજકોટવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

Loading...