Abtak Media Google News

સાતમ-આઠમના તહેવારોમાં સૌરાષ્ટ્રભરના લોકો તુલશીશ્યામમાં ઉમટશે

હાલ ચોમાસુ ઋતુમાં ગીરની વનરાજીઓ સોળે કળાએ ખીલી ઉઠી છે. તુલસીશ્યામ સહિત ગીરના અનેક ધર્મ સ્થાનકોમાં યાત્રીઓની ભીડ ઉમટી રહી છે.

ચાલુ વર્ષે પણ મેઘરાજાએ ગીરના જંગલમાં પૂરતુ વ્હાલ વરસાવ્યું છે અને હાલ વનરાઈઓ હિલોળા લઈ રહી છે. તો હરણાઓ ઉછળકુદ કરી જાણે કે પોતાનો રાજીપો વ્યકત કરી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો છે.

શ્રાવણમાસમાં સાતમ આઠમનાં મીની વેકેશનમાં તુલસીશ્યામ સહિતના તીર્થધામ યાત્રીકોથી ઉભરાતા હોય છે. આ વર્ષે પણ હજારોની સંખ્યામાં લોકો અહી ઉમટી પડશે તેવી ગણતરી છે. ટુરીસ્ટરો માટે તુલસીશ્યામ જવા આવવાનું સરળ હોય અહી સંખ્યા વિશેષ રહેશે વેકેશન અને રજાના દિવસોમાં સૌરાષ્ટ્રવાસીઓની પ્રથમ પસંદ ગીરનું જંગલ રહ્યું છે. ચોમાસામાં વરસતા સરવડા અને ખીલી ઉઠેલી પ્રકૃતિ સાથે ડણક દેતા સાવજો એ ગીરની ભૂમીની ખાસીયત છે. આથી રાજયના અન્ય પ્રાંતમાંથી તેમજ અન્ય રાજયોમાંથીક ટુરીસ્ટરો અહી કાયમ આવતા રહે છે.

કનકાઈ બાણેજ, તુલસીશ્યામ વિગેરે સ્થળો ખૂબ ખ્યાતિપ્રાપ્ત છે. આવાસ નિવાસની વ્યવસ્થાથી સજજ તુલસીશ્યામ તીર્થધામમાં આ વર્ષે પણ ટુરીસ્ટરો ઉમટી પડશે. અહી પ્રત્યેક દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદની નિ:શુલ્ક વ્યવસ્થાની પરંપરા રહી છે. આ ઉપરાંત આવાસ નિવાસ માટે પણ અનુકુળ છે. આમ, તુલસીશ્યામ સહિતના ગીરના ધર્મસ્થાનકોમાં ટુરીટરોનો પ્રવાહ મીની વેકેશનમાં વહેશે સાસણગીરમાં હાલ સિંહ દર્શન બંધ હોય છે. આથી જંગલમાં નસીબજોગે સિંહ દર્શન થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.