ગીર સોમનાથ: તાલાલાના ગુંદરણ ગામે ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ

રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્રારા આજે ગાંધીનગર ખાતેથી આપણી ગ્રામ પંચાયતમાં હવે ડિજિટલ સેવા સેતુ ઉપલબ્ધ કાર્યક્રમનો ઈ-પ્રારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ગુંદરણ રામ મંદિર ખાતે રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો ડિજિટલ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમા તેઓએ જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં સરકારે ડિજિટલ સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત કરી લોકોને ઘર બેઠા જુદી-જુદી સેવાઓનો લાભ મળી શકશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઈ-પ્રારંભ કરતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર કે તાલુકા સુધી જવુ ન પડે અને સ્થાનિક સ્તરે જ ઓછામાં ઓછા સમયમાં સરકારી સેવાઓનો લાભ મળી શકે તે માટે સરકારને નાગરિકો સાથે જોડતો ડિજિટલ સેવાસેતુ શરૂ કર્યો છે. ગુજરાત સરકારના ડિજિટલ ગુજરાતના સપનાને સાકાર કરવાના ભાગરૂપે ડિજિટલ સેવાસેતુ પ્રોજેક્ટ અંતર્ગત હવે ગામડાઓમાં સરકારી સેવાઓ જેવી કે, રેશનકાર્ડમાં નામ ઉમેરવુ, કમી કરવું, સુધારો કરવો, નવું રેશનકાર્ડ બનાવવુ, વિધવા સર્ટિફિકેટ, આવકનો દાખલો સહિતની ૨૨ સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ તમામ સેવાઓ માટે હવે તલાટીમંત્રી દ્રારા એફિડેવિટ કરવામાં આવશે. જેથી લોકોના આર્થિક ખર્ચમાં બચત થશે. ડિસેમ્બર સુધીમાં ગુજરાતના ૮ હજાર ગામડાઓને આ સેવાથી આવરી લેવાશે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, ડી.આર.ડી.નિયામક પ્રજાપતી, મામલતદાર કલસરીયા, તાલુકા વિકાસ અધિકાર ઓડેદરા, સરપંચ હિતેષભાઈ, તલાટીમંત્રી જીજ્ઞેશભાઈ નાયી અને ગ્રામજનો સહભાગી થયા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન મહેન્દ્રભાઈ પીઠીયા એ, સંચાલન પ્રો.વાળાએ અને આભારવિધી શાળાના આચાર્ય અલ્પેશભાઈ ઘોડાસરાએ કરી હતી.

Loading...