ગીર સોમનાથ જિલ્લામાં ૧૩૧ ટકા, કચ્છમાં માત્ર ૧૧ ટકા જ વરસાદ

159

સૌરાષ્ટ્રમાં સોમવારે આરામ ફરમાવતા મેઘરાજા: સવારથી સર્વત્ર વાદળછાયું વાતાવરણ

રાજકોટ જિલ્લામાં ૪૦.૧૪ ટકા, જુનાગઢ જિલ્લામાં ૮૦.૮૬ ટકા, અમરેલી જિલ્લામાં ૬૮ ટકા, ભાવનગર જિલ્લામાં ૫૭.૧૫ ટકા, સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૦.૩૮ ટકા, મોરબી જિલ્લામાં ૨૬.૨૦ ટકા, જામનગર જિલ્લામાં ૪૪.૩૯ ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૭.૨૦ ટકા અને પોરબંદર જિલ્લામાં ૪૯.૧૦ ટકા વરસાદ

વરૂણદેવે પ્રથમ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર પર સારી એવી કૃપા વરસાવી છે. સોમવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં એકંદરે મેઘવિરામ જેવો માહોલ રહેવા પામ્યો હતો. આજસુધી સૌરાષ્ટ્રમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો કુલ ૫૯.૪૫ ટકા વરસાદ વરસી ગયો છે. ગીર સોમનાથ જિલ્લામાં ૧૩૧.૦૪ ટકા તો કચ્છમાં માત્ર ૧૧.૦૮ ટકા વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. આજે સવારથી સર્વત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમુક સ્થળોએ ઝરમર વરસાદ પણ વરસી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.

જુલાઈ માસ પૂર્ણ થવાની આડે હવે એક સપ્તાહ બાકી રહ્યું છે ત્યારે રાજયમાં આજસુધીમાં ચોમાસાની સીઝનમાં ૫૩.૨૬ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. રાજયમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડયો છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં આજસુધીમાં મોસમનો કુલ ૨૦.૩૮ ટકા, રાજકોટ જિલ્લામાં ૪૦.૧૪ ટકા, મોરબી જિલ્લામાં ૨૬.૨૦ ટકા, જામનગર જિલ્લામાં ૪૧.૩૯ ટકા,

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૭.૨૪ ટકા, પોરબંદર જિલ્લામાં ૪૯.૧૦ ટકા, જુનાગઢ જિલ્લામાં ૮૦.૮૬ ટકા, ગીર સોમનાથ જિલ્લામાં ૧૩૧.૦૪ ટકા, અમરેલી જિલ્લામાં ૬૮ ટકા, ભાવનગર જિલ્લામાં ૫૭.૧૫ ટકા અને બોટાદ જિલ્લામાં ૪૯.૨૩ ટકા જેટલો વરસાદ વરસ્યો છે. કચ્છમાં હજી સુધી સંતોષકારક વરસાદ પડયો નથી. કચ્છ રીઝીયનમાં આજસુધીમાં માત્ર ૧૧.૦૮ ટકા જ વરસાદ વરસ્યો છે. કચ્છના ૧૦ પૈકી મોટાભાગના તાલુકાઓ હજી સંતોષકારક વરસાદનો ઈન્તજાર કરી રહ્યા છે.

ઉતર ગુજરાતની હાલત પણ કફોડી છે અહીં આજ સુધીમાં મોસમનો કુલ ૨૮.૦૭ ટકા જ વરસાદ પડયો છે તો પૂર્વ-મધ્ય ગુજરાત પણ હજી અનરાધાર વરસાદનો ઈન્તેજાર કરી રહ્યું છે. અહીં મોસમનો કુલ ૩૯.૪૬ ટકા જ વરસાદ પડયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર ઉતરી છે. અહીં સીઝનનો ૭૧.૩૭ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

ન્યારી-૧ ડેમમાં  નવા નીરની આવક

છેલ્લા ત્રણેક દિવસથી સૌરાષ્ટ્રમાં એકંદરે મેઘવિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ છલકાતા નદી-નાળાઓનું પાણી ડેમમાં ઠલવાઈ રહ્યું હોય જળાશયોની સપાટી ધીમે-ધીમે વધી રહી છે. ન્યુ રાજકોટની જળજ‚રીયાત સંતોષવામાં સિંહ ફાળો આપતા ન્યારી-૧ ડેમમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૦.૧૬ ફુટની આવક થવા પામી છે. ૨૫.૨૦ ફુટે ઓવરફલો થતા ન્યારી ડેમની સપાટી હાલ ૧૭.૧૦ ફુટે પહોંચી જવા પામી છે. ડેમમાં ૫૨૧ એમસીએફટી પાણી સંગ્રહિત છે હવે ન્યારી-૧ ડેમ ઓવરફલો થવામાં ૮ ફુટ છેટુ રહ્યું છે. આ ઉપરાંત ફોફળ ડેમમાં નવું ૦.૧૦ ફુટ, આજી-૩માં ૦.૩૩ ફુટ, ગોંડલીમાં ૦.૪૯ ફુટ, મચ્છુ-૩માં ૦.૦૭ ફુટ પાણીની આવક થવા પામી છે.

રાજયમાં ૩ દિવસ ભારે વરસાદની આગાહી

મધ્ય રાજસ્થાનમાં દરિયા સપાટીથી ૫.૮ કિલોમીટરની ઉંચાઈ પર અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જેની અસરતળે આગામી ૩ દિવસ સુધી રાજયમાં ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે દાહોદ, પંચમહાલ, તાપી અને સુરત જિલ્લામાં આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, સુરત, ભ‚ચ અને નર્મદા જિલ્લામાં જયારે ગુરુવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં વરસાદ પડે તેવી સંભાવના છે.

અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે. શુક્રવારથી રાજયમાં મેઘરાજા સંપૂર્ણપણે વિરામ લેશે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૧૮ જિલ્લાના ૭૫ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ દાહોદમાં ૨૮ મીમી પડયો હોવાનું નોંધાયું છે.

Loading...