વધુ ઠંડી માટે તૈયાર થઇ જાવ: સૌરાષ્ટ્ર ઠારથી ઠીંગરાશે

રાજકોટનું લઘુતમ તાપમાન ૧૦.૭ ડિગ્રી નોંધાયું: હવામાં ભેજનું પ્રમાણ ૮૮ ટકા થતા વહેલી સવારે ધૂમમ્સ અને વાદળછાયું વાતાવરણ

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કાતિલ ઠંડીનો દૌર શરૂ થયો છે ત્યારે આવતા અઠવાડિયે ઠંડીનો એક વધુ રાઉન્ડ શરૂ થશે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. એટલે હવે હાલ કરતા પણ વધુ ઠંડી માટે ત્યાર રહેજો કેમ કે ઠંડી તો ૮ થી ૧૦ ડિગ્રી વચ્ચે જ રહેશે પરંતુ સૌરાષ્ટ્ર ઠારથી ઠીંગરાઈ જશે.

આજે વહેલી સવારે ૮:૩૦ વાગ્યે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૨.૪ ડિગ્રી નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રી આસપાસ રહેવા પામ્યું હતું. રાજકોટમાં ૧૦.૭ ડિગ્રી આજનું નીચું તાપમાન નોંધાયું હતુ જ્યારે હવામાં પણ ભેજનું પ્રમાણ ૮૮ ટકા સુધી પહોંચી ગયું હતું. ગિરનારનું લઘુતમ તાપમાન ૫ ડિગ્રી આસપાસ રહેવા પામ્યું હતું. જ્યારે નલિયાનું લઘુતમ તાપમાન ૪ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.

આજે વહેલી સવારથી જ રાજકોટમાં ધૂમમ્સ જોવા મળી હતી અને વાદળછાયુ વાતાવરણ રહેતા ઠારનું પ્રમાણ વધ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અને ભારે હિમવર્ષાને કારણે ઉત્તર પૂર્વના સૂકા પવનો ફૂંકાશે. જેથી આગામી શનિવાર સુધી ઠંડીનો પારો ૯ થી ૧૦ ડીગ્રી વચ્ચે રહેશે.

હાલમાં જમ્મુ-કાશ્મીરમાં એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ચાલી રહ્યું છે. તેની અસર આજે પુરી થશે. તે પુરી થયા બાદ ઠંડીનો પારો ૧૨ ડિગ્રી સુધી પહોંચશે અને ત્યાર પછીના દિવસોમાં એટલે કે આવતા અઠવાડિયામાં ફરી પાછું એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ આવશે જેથી ઠંડીનો બીજો દૌર શરૂ થશે. જેને કારણે પારો સિંગલ ડિજિટમાં પહોંચશે. આમ એક સપ્તાહમાં બે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર તળે આવતા અઠવાડિયામાંથી ઠંડી વધશે.

બીજી બાજુ ભારે હિમવર્ષાથી ચારેય તરફ બરફની ચાદર છવાઈ છે. તો એ જ હિમવર્ષાથી જનજીવન પણ પ્રભાવિત થયું છે. ભારે હિમવર્ષાથી સતત ત્રીજા દિવસે શ્રીનગર હાઈ વે બંધ રહેતા ૪૫૦૦થી વધુ વાહનો ફસાયા હતા. તો રાજધાની દિલ્લીમાં પણ ઠંડી વચ્ચે વરસાદ વરસતા તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. શ્રીનગરમાં સતત ત્રીજા દિવસે પણ ભારે હિમવર્ષા થતા હાઈવે બંધ કરી દેવાની ફરજ પડી હતી અને મોટી મોટી મશીનરીથી રસ્તા પર જામેલા બરફના થરને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. હિમાચલના શિમલામાં યલો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

Loading...