Abtak Media Google News

આવતીકાલે મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠક નવા કાયદાના અમલ અંગે નિર્ણય કરાશે: દંડની રકમ ઘટાડો થવાની સંભાવના

વાહનો ચલાવવાના કાયદાનો અમલ કરવામાં દેશવાસીઓની બેદરકારીના કારણે વાહન અકસ્માતનું પ્રમાણ દર વર્ષે વધતુ જાય છે. જેથી કેન્દ્રની મોદી સરકારે અન્ય ક્ષેત્રોની જેમ આ ક્ષેત્રમાં આમુલ પરિવર્તન લાવીને વાહન અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા નવો મોટર વ્હીકલ એકટ બનાવીને તેમાં વિવિધ નિયમોના ભંગ બદલ આકરા દંડની જોગવાઈ કરવામાં આવી હતી. આ કાયદાનો એક અઠવાડીયામાં રાજયમાં અમલ કરવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આવતીકાલે મળનારી એક બેઠકમાં નિર્ણય કરવામાં આવશે. આ કાયદાના અમલ થયા બાદ વાહનો અંગેના નિયમોનો ભંગ કરનારાઓએ આકરા દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે.

ગુજરાત સરકારે નવા મોટર વ્હીકલ એકટ, ૨૦૧૯માં સુચિબધ્ધ કરવામાં આવેલા ભારે દંડની રકમને એક અઠવાડીયામાં નકકી કરે તેવી સંભાવના છે. જો કે, રાજય સરકાર આ દંડની રકમમાં ઘટાડો કરે તેવી શકયતાઓ જોવામાં આવી રહી છે. આધારભૂત સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ નવાકાયદામાં નિયત કરવામાં આવેલી દંડની રકમમાં ઘટાડો કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આવતીકાલે ગાંધીનગરમાં એક બેઠક યોજાનારી છે. આ બેઠકમાં કેન્દ્ર સરકારે વિવિધ નિયમોના ભંગ બદલ કરેલા આકરા દંડની રકમની જોગવાઈ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે આ આકરા દંડની રકમમાં રાજય સરકાર ઘટાડો કરે તેવી સંભાવનાઓ છે. ઉપરાંત પોલીસ અને આરટીઓ તંત્રને હાજર દંડ વસુલવાની સત્તા આપવામાં આવશે જે વાહન ચાલક સ્થળ પર દંડ ન ભરે તેને કોર્ટમાં દંડની રકમ ભરવી પડશે.

આ અંગે રાજયના પરિવહન મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતુ કે અમારા પ્રયાસો રહેશે કે વાહનો ચલાવવા અંગેના કાયદાઓનું વાહન ચાલકો ભંગ કરે ત્યારે તેમને સજા રૂપે દંડ થાય, પરંતુ આ દંડની રકમ આકરી ન હોય જેથી ગરીબ અને મધ્યમ વર્ગના વાહન ચાલકો પર વધારે આર્થિક ભાર ન આવે નવા કાયદામાં ટ્રાફીકના ગુનાઓ માટે સખત સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં વાહન ચાલકની બેદરકારીના થતા અકસ્માતમાં અન્ય લોકોના મૃત્યુ માટે પાંચ લાખ રૂાનું વળતર અને ગંભીર ઈજા માટે અઢી લાખ રૂા.ના વળતરનો સમાવેશ થાય છે. નવા કાયદા મુજબ ટ્રાફીકના ગુનાઓમાં લઘુતમ દંડની રકમ ૧૦૦ રૂા. હતી તેને વધારીને ૫૦૦ રૂા. કરવામાં આવી છે. જો કે ગુજરાત સરકાર લઘુતમ દંડની રકમમા ઘટાડો કરે તેવી શકયતાઓ જોવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકારના નવા કાયદામાં લાયસન્સ વગર વાહન ચલાવવા બદલ પાંચ હજાર રૂા.નો દંડ જયારે ઈમરજન્સી વાહનોને રસ્તો ન આપવા બદલ દશ હજાર રૂા.નો દંડની જોગવાઈ કરવામાં આવી છે. ઓવર સ્પીડમાં વાહન ચલાવવા માટે એકથી બે હજાર રૂા.ની વચ્ચે દંડ, વિમા વગર વાહન ચલાવવા બદલ બે હજાર રૂા.નો દંડ જયારે હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવવા બદલ એક હજાર રૂા.નો દંડ અને લાયસન્સ ત્રણ માસ માટે સસ્પેન્ડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત, કિશોરો દ્વારા થતા ટ્રાફીકના ગુનાઓ માટે તેના વાલીને ૨૫ હજાર રૂા. સુધીનો ભારે દંડ જયારે વાહન માલીકના વાહનની નોંધણી રદ કરવાની આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. આમ, આ કાયદામાં આકરા દંડની જોગવાય હોય તેના અમલથી રાજયના વાહન ચાલકોમાં હોબાળો મચી જવાની સંભાવનાને ધ્યાને લઈ રાજય સરકાર તેમાં દંડની રકમમાં ઘટાડો કરીને અમલ કરશે તેમ મનાય રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.