Abtak Media Google News

જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસ ગીતા મિતલે બંને ઉપરાજયપાલને શપથ લેવડાવ્યા

ગિરીશચંદ્ર મુર્મુ કે જેઓ હાલ કેન્દ્ર સરકારનાં નાણામંત્રાલયનાં ખર્ચ વિભાગનાં સેક્રેટરી તરીકે જયારે પોતાનો પદભાર સંભાળ્યો હતો અને તેમની નિવૃતિને આડે જયારે માત્ર એક માસનો જ સમય બાકી રહ્યો હતો ત્યારે તેઓને તેનાં ચાલુ કાર્યકાળ દરમિયાન જમ્મુ-કાશ્મીરનાં પ્રથમ ઉપરાજયપાલ એટલે કે લેફટન્ટ ગર્વનર તરીકે પદભાર સોંપવામાં આવ્યો છે. તેઓએ તે અંગેનાં શપથ પણ લીધા હતા. ચાલુ કાર્યકાળ દરમિયાન મળતી ઉપલબ્ધી બાદ તેઓ દેશનાં પ્રથમ સનદી અધિકારી બન્યા છે. ગિરીશચંદ્ર મુર્મુ ગુજરાત કેડરનાં આઈએએસ હોવાથી તેઓ નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં અવ્વલ હોવાથી તેઓને કેન્દ્ર સરકારમાં નાણા મંત્રાલયનાં સેક્રેટરી ત્યારબાદ ખર્ચ વિભાગનાં સેક્રેટરી તરીકે પદભાર સોંપવામાં આવ્યો હતો. તેઓએ તેમની સુઝબુઝથી નાણામંત્રાલયને તેઓએ ઘણી સેવા આપી હતી.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો મળ્યા પછી બંને રાજ્યોમાં ઉપરાજ્યપાલે શપથ લીધા છે. ગુરુવારે શ્રીનગરમાં ગિરીશ ચંદ્ર મુર્મુએ જમ્મુ કાશ્મીરના પહેલા ઉપરાજ્યપાલ તરીકેના શપથ લીધા છે. લદ્દાખમાં પહેલાં ઉપરાજ્યપાલ તરીકે રાધાકૃષ્ણ માથુરે લેહમાં શપથ લીધા છે. જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસ ગીતા મિતત્લે બંનેને સાથે શપથ અપાવ્યા છે. બંને રાજ્યોને દરજ્જો મળવાની સાથે જ જમ્મુ, શ્રીનગર અને લેહના રેડિયો સ્ટેશનનું નામ પણ બદલી દેવામાં આવ્યું છે. આજથી જ આ સ્ટેશનથી રેડિયો કાશ્મીરની જગ્યાએ ઓલ ઈન્ડિયા રેડિયો અને આકાશવાણીના નામથી પ્રસારણ શરૂ થઈ ગયું છે. હવે આ રેડિયો સ્ટેશનનું નામ ઓલ ઈન્ડિયા રેડિયો જમ્મુ, ઓલ ઈન્ડિયા રેડિયો શ્રીનગર અને ઓલ ઈન્ડિયા રેડિયો લદ્દાખ કરી દેવામાં આવ્યું છે.

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મુ ૧૯૮૫ બેન્ચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. તેમની નિમણૂકનો આદેશ મુખ્ય સચિવ બી.વી.આર સુબ્રમણ્યમે વાંચ્યો હતો. રાજભવનમાં આયોજિત સમારોહમાં જમ્મુ-કાશમીર હાઈકોર્ટના ચીફ જસ્ટિસે તેમને શપથ અપાવ્યા. આ દરમિયાન અંદાજે ૨૫૦ રાજનેતા, અધિકારી-કર્મચારી અને નાગરિક હાજર હતા. લદ્દાખના પહેલાં રાજ્યપાલ બનેલા રાધા કૃષ્ણ માથુર ૧૯૭૭ બેચના ત્રિપુરા કેડરના આઈએએસ અધિકારી છે. તેઓ નવેમ્બર ૨૦૧૮માં મુખ્ય સૂચના આયુક્ત પદથી નિવૃત્ત થયા છે. તેમણે કેન્દ્રમાં એક્સપેન્ડિચર (ખર્ચ) સચિવ તરીકે પણ કામ કર્યું છે. તેમને પણ જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસે શપથ અપાવ્યા છે. કેન્દ્ર સરકારે ૫ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરથી કલમ ૩૭૦ હટાવી દીધી છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ કેન્દ્ર શાસિત રાજ્યો બનાવી દીધા છે. ૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રપતિના હસ્તાક્ષરથી રાજપત્રમાં પ્રકાશિત આદેશ પ્રમાણે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ ૨૦૧૯ અંતર્ગત બંને રાજ્યોના ઉપરાજ્યપાલ બંધારણીય જવાબદારી સંભાળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.