‘ગાંડી વેલે’ યાર્ડના ગંધારા રાજકારણને ‘ગાંડું’ કર્યું !

70

મચ્છરોનો ત્રાસ એકબાજુ રહી ગયો હવે વર્ચસ્વ જમાવવાનું ‘ગાંડપણ’

વેપારીઓ અને મજૂરોને યાર્ડ બંધ રહે તે કોઇ રીતે પાલવે તેમ નથી તો પછી યાર્ડના દરવાજા બંધ રાખવામાં કોને રસ! વારંવાર હડતાળો પાડી ‘વહીવટ’ ખોરવવાનો હિન પ્રયાસ

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મચ્છરોના ત્રાસથી વેપારીઓ અને મજુરોએ કરેલા આંદોલન બાદ છેલ્લા ૬ દિવસથી યાર્ડ બંધ છે. ગાંડી વેલનાં પાપે મચ્છરોનો ઉપદ્રવ વઘ્યો છે તેવી વાતો વહેતી થઈ છે પરંતુ ગાંડી વેલે માર્કેટીંગ યાર્ડનાં ગંધારા રાજકારણને ગાંડુ કર્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. મચ્છરોનો ત્રાસ એકબાજુ રહ્યો હવે મામલો વર્ચસ્વ જમાવવાની લડાઈ સુધી પહોંચી ગયો છે. સહકારી ક્ષેત્રમાં છેલ્લા ત્રણેક વર્ષથી કાઠુ કાઢી રહેલા ભાજપનાં એક ધારાસભ્ય હવે યાર્ડ પર પોતાનો કબજો જમાવવા ઈચ્છી રહ્યા છે તો બીજુ જુથ કોઈપણ કાળે યાર્ડ પોતાના હાથમાંથી જવા દેવા માંગતું નથી જેના કારણે યાર્ડમાં વારંવાર હડતાલોના સમીકરણો રચાઈ રહ્યા છે. વેપારીઓ કે મજુરોને યાર્ડ એક પણ દિવસ બંધ રહે તે કોઈપણ રીતે પાલવે તેમ નથી છતાં છેલ્લા ૬ દિવસથી યાર્ડ કોઈ અકળ કારણોસર બંધ છે. વેપારીઓ અને મજુરો એવું ઈચ્છી રહ્યા છે કે યાર્ડ ફરીથી શરૂ થાય અને કામ ધંધા ધમધમવા લાગે પરંતુ એક ચોકકસ હોદેદાર યાર્ડમાં ફરી શાંતી સ્થપાઈ તેવું ઈચ્છતા નથી તેવી આંતરિક ચર્ચાઓ પણ ચાલી રહી છે.

બેડી ખાતે જયારથી નવું માર્કેટીંગ યાર્ડ શરૂ થયું ત્યારથી અહીં રાજકારણનાં ગંધારા મુડીયા રોપાઈ ગયા છે. મજુરીના દર સહિતના પ્રશ્ર્ને યાર્ડમાં વારંવાર હડતાલ પડે છે પરંતુ આ હડતાલ પાછળનું કંઈક અલગ જ કારણ હોવાનું ચર્ચાય રહ્યું છે. મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ વેપારીઓ અને મજુરો વાસ્તવમાં પોતાને મચ્છરોના ત્રાસથી મુકત કરાવવામાં આવે તેવી માંગણી સાથે બેઠક યોજી હતી પરંતુ કોઈ અકળ કારણોસર છેલ્લી ઘડીએ આ બેઠકમાં ચકકાજામ જેવા નિર્ણયો લેવામાં આવ્યા જેનું પરીણામ એ આવ્યું કે, વેપારીઓ પર ખોટા કેસ થયા, લાઠીચાર્જ થયો અને પોલીસ પર પથ્થરમારો થયો. છેલ્લા ૬ દિવસથી યાર્ડ સંપૂર્ણપણે બંધ છે. આજે હડતાલને સમેટવા માટે વેપારીઓ અને હોદેદારો વચ્ચે બેઠક યોજાવાની છે પરંતુ આ બેઠકમાં પણ કોઈ નિર્ણય આવે તેવું લાગતું નથી. મચ્છરોનાં ત્રાસની ઘટના હવે બાજુમાં રહી ગઈ છે અને યાર્ડ પર વર્ચસ્વ જમાવવાની લડાઈ ભાજપનાં બે જુથ વચ્ચે બરાબર જામી છે. આ બંને જુથ વચ્ચેની લડાઈમાં કોઈ ત્રીજો વ્યકિત ફાવી જાય તેવું પણ કહી શકાય તેમ છે.

ઘટના એટલી ગંભીર છે કે ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મચ્છરોના ત્રાસ જેવી સામાન્ય ઘટનાથી જે રીતે યાર્ડ ૬-૬ દિવસથી બંધ છે તેમાં અંગત રસ લેવો પડયો અને મચ્છરો મારવા માટે સુરત અને અમદાવાદથી મશીનરી સાથે ટીમોને બોલાવી પડી. વાસ્તવમાં મચ્છરોનાં ત્રાસની ઘટના હવે સંપૂર્ણપણે એક બાજુ રહી ગઈ છે. સહકારી ક્ષેત્રમાં છેલ્લા થોડા સમયથી કાઠુ કાઢી રહેલા ભાજપનાં એક જુનિયર નેતા અને ધારાસભ્ય હવે યાર્ડ પર પોતાનો કબજો જમાવવા માંગે છે. આ વાત હાલના સતાધીશોને એકપણ રીતે પાલવે તેમ નથી જેના કારણે યાર્ડમાં વર્તમાન પરિસ્થિતિ સર્જાય છે. ગાંડી વેલનાં કારણે યાર્ડનું ગંધારું રાજકારણ હવે ગાંડુ થયું છે જેમાં હવે કયો ટન આવે તે કહેવું કે કળવું મુશ્કેલ બની ગયું છે. બંને જુથો યાર્ડ ન ખુલ્લે તેવું અંદરખાને ઈચ્છી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરીણામે વેપારીઓ અને મજુરોનો મરો થયો છે. આ સિઝનમાં ૬-૬ દિવસથી યાર્ડ બંધ હોવાના કારણે કરોડો રૂપિયાનું ટર્ન ઓવર અટકી ગયું છે. યાર્ડ પર પોતાનો કબજો જમાવવામાં મશગુલ એવા ભાજપનાં બે જુથને વેપારી કે મજુરના હિતોનું કંઈ પડયું નથી તેઓને માત્ર પોતાના સામ્રાજય વિસ્તારવામાં જ રસ છે. આનો લાભ કોંગ્રેસ પણ લઈ રહી હોવાનું યાર્ડમાં ચર્ચાઈ રહ્યું છે.

યાાર્ડમાં મોઢે મોઢ થતી ચર્ચાઓ મુજબ એક વાત સ્પષ્ટ છે કે, વેપારીઓ એક મિનિટ પણ યાર્ડ બંધ રાખવા માંગતા નથી પરંતુ ભાજપનાં બે જુથોનાં કારણે સ્થિતિ દિન-પ્રતિદિન બગડી રહી છે હવે એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે કે ઘીના ઠામમાં ઘી પડી જાય અને મામલો વધુ બિચકે તે પહેલા જ શાંતી સ્થપાય જાય તે માટે ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંગત રસ લઈ રહ્યા છે. યાર્ડમાં સમાધાનનો સેતુ સ્થાપવા માટે પ્રદેશ ભાજપનાં રાજકોટ સ્થિત એક મોટા અગ્રણીને જવાબદારી સોંપવામાં આવી છે પરંતુ જુથવાદનાં લબકારાના કારણે સતત શોર્ટ સર્કિટ થઈ રહ્યું છે જેના કારણે સમાધાન થવાના બદલે માહોલ દિન-પ્રતિદિન બગડી રહ્યો છે.

ભાજપના બે જૂથ વચ્ચેની ગળાકાપ લડાઇમાં અતુલ કમાણી ‘કિંગ મેકર’ બનશે?

નાનપણમાં આપણે એવી વાર્તા સાંભળતા હતા કે બે બિલાડી એક રોટલીના બે સરખા ટુકડા કરવા માટે ઝઘડતી હતી સરખા ભાગ કરવા માટેની જવાબદારી બિલાડીઓએ વાંદરાને સોંપી પરીણામ એ આવ્યું કે એક રોટલીના બે ભાગ કર્યા બાદ બંનેમાં વજન ઓછા-વધતું થતું રહ્યું અને વાંદરો વજન સરખો કરવા માટે રોટલીનો એક એક ટુકડો ખાતો થયો છે. છેલ્લે રોટલી જ પુરી થઈ ગઈ અને બિલાડીઓ જોતી રહી. આને બીજા શબ્દોમાં એવું પણ કહી શકાય કે બેની લડાઈમાં કોઈ ત્રીજો ફાવી ગયો. યાર્ડમાં હાલ ચાલી રહેલા વાતાવરણમાં આ વાર્તા સંપૂર્ણપણે બંધ બેસે છે. ભાજપના બે જુથ વચ્ચે યાર્ડમાં વર્ચસ્વ જમાવવાની લડાઈમાં અતુલ કમાણી ફાવી જાય તેવું હાલ લાગી રહ્યું છે. ખોટા આંદોલનો કરી અતુલ કમાણી વેપારીઓની સહાનુભૂતિ હાંસલ કરી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો તે હાર્દિક પટેલના રસ્તે ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વેપારીને કોઈ પ્રશ્ર્ન સતાવતો હોય તો ત્યારે પણ આંદોલન કરે છે અને ખેડુત કે મજુરને કોઈ પ્રશ્ર્ન હેરાન કરતો હોય તો તે ત્યારે પણ આંદોલનનું હથિયાર ઉગામે છે ટુંકમાં આંદોલને અતુલ કમાણીને યાર્ડનો હાર્દિક બનાવી દીધો છે. યાર્ડનાં વર્તમાન શાસકોની ખુરશી હલબલાવવા માટે તેને હરીફ જુથને ૪ બેઠકો પોતાની પાસે હોવાની ઓફર આપી છે બદલામાં યાર્ડનું વાઈસ ચેરમેનપદ પણ માંગ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. ભાજપનાં બે જુથ વચ્ચે ચાલતી ગળાકાપ લડાઈમાં અતુલ કમાણી કિંગ મેકર બની જશે.

પાર્ટીમાં એક વ્યક્તિ પાસે બે મોટા હોદ્દા, આ વાત જ મહત્વકાંક્ષીઓને કઠે છે

હાલ માર્કેટીંગ યાર્ડનાં ચેરમેનપદે ડી.કે.સખીયા સતારૂઢ છે તેઓ પાસે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખની પણ ખુરશી છે. આ વાત જ ભાજપનાં અન્ય એક મહત્વકાંક્ષી નેતાને ભારોભાર કઠી રહી છે. સામાન્ય રીતે ભાજપમાં કોઈ એક વ્યકિતને બે મોટા હોદા આપવામાં આવતા નથી પરંતુ ડી.કે. છેલ્લા ઘણા સમયથી બે મલાઈદાર ખુરશી પર બિરાજમાન છે. ડી.કે.ની ખુરશી ઉઠલાવવા માટે શહેર ભાજપનાં એક નેતા છેલ્લા ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેને ધારી સફળતા મળતી નથી જેના કારણે હવે તેઓ સહકારી ક્ષેત્રમાંથી ડી.કે.નું નામું નખાય જાય તે માટે સક્રિય બન્યા છે અને આ માટે તેઓએ યાર્ડ તરફ નજર દોડાવી છે. હાલ એવી વાતો પણ ચાલી રહી છે કે જિલ્લા ભાજપ પ્રમુખપદે ડી.કે.સખીયા રીપીટ કરવામાં આવે જો આવું થાય તો પોતાનો ઘોર પરાજય ગણાશે તેવું સમજનાર ભાજપના એક નેતાએ યાર્ડનો માહોલ બગાડયો હોવાની ખુલ્લેઆમ ચર્ચા થઈ રહી છે. ટુંકમાં સૌરાષ્ટ્રનાં પાટનગર એવા રાજકોટ માર્કેટીંગ યાર્ડની ખુરશી પર કાયમી કબજો જમાવવા માટે ભાજપના બે નેતાઓ વચ્ચે ગળાકાપ લડાઈ ચાલી રહી છે જેનો ભોગ વેપારીઓ અને મજુરો જ નહીં પરંતુ આખું સૌરાષ્ટ્ર બની રહ્યું છે.

રાજકીય રોટલા શેકવા સક્રિય થયેલું જૂથ નિષ્ફળ નિવડશે: ડી.કે.સખીયા

મામલામાં માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે, આજે ફરીવાર વેપારી મંડળની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં યાર્ડ ખાતે ચાલી રહેલા વિરોધના વંટોળને દૂર કરવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. વેપારી મંડળ સાથે વાતચીત કરી મામલો થાળે પાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. વેપારીઓને મુખ્ય માંગણી પૈકી ગાંડીવેલ વનસ્પતિ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. દરરોજ યાર્ડ ખાતે મચ્છરોનો ઉપદ્રવ ઓછો કરવા ફોગીંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે વેપારી મંડળની મુખ્ય માંગણી એ છે કે, તેમના પર થયેલા કેસ પરત ખેંચી લેવામાં આવે જે અંતર્ગત યાર્ડના સત્તાધીશો દ્વારા વેપારી મંડળની સાથે રહી યોગ્ય સ્તર સુધી રજૂઆત કરવામાં આવશે.

ઉપરાંત ડી.કે.સખીયાએ યાર્ડ ખાતે ચાલી રહેલા રાજકીય સમીકરણો વિશે કહ્યું હતું કે, આગામી થોડા સમયમાં ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે સ્વાભાવિક છે કે, અન્ય જૂથ સક્રિય થાય પરંતુ હું સ્પષ્ટપણે એવું માનું છું કે, રાજકીય રોટલા શેકવા કરતા સામી છાતીએ લડાઈ લડવામાં આવે તો સારૂ રહેશે. પરંતુ અમુક શખસો દ્વારા ખેડૂતોના મુદ્દાને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. ખેડૂત વેપારીઓને ઉશ્કેરી બંધ પાળવા ફરજ પાડવામાં આવી રહી છે. પરંતુ કોઈના પણ રાજકીય સમીકરણો યાર્ડ ખાતે કારગત સાબીત થશે નહીં. ઉપરાંત તેમણે કેસ પરત ખેંચવા મુદ્દે કહ્યું હતું કે, જો કાયદાકીય દ્રષ્ટીએ કેસ પરત ખેંચી શકાતો હશે તો સંપૂર્ણપર્ણે સહયોગ આપી કેસ પરત ખેંચવામાં આવશે. તે માટે જે સ્તર પર રજૂઆત કરવી પડે ત્યાં સુધી સત્તાધીશો દ્વારા સહયોગ આપવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું હતું કે, પીઠ પાછળ રાજકીય ગતિવિધિઓ કરી કોઈ પણ યાર્ડ ખાતે કોઈપણ જાતનો ફાયદો મેળવી શકશે નહીં.

જૂથવાદ ઉભો કરી ખેડૂત-વેપારીઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો: હરદેવસિંહ

મામલામાં રાજકોટ માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેન હરદેવસિંહે ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં સમગ્ર મામલે જણાવ્યું હતું કે, વેપારીઓનો પ્રશ્ર્ન ખુબ મહત્વપૂર્ણ હતો. જેના કારણે યાર્ડના તમામ સત્તાધીશો દ્વારા તેમને સમર્થન આપવામાં આવ્યું હતું. આંદોલનના મંડાણમાં પણ સત્તાધીશોએ યોગ્ય સહયોગ આપ્યો હતો. મામલામાં તંત્રને ઉજાગર કરવા રસ્તા રોકો આંદોલન શાંતિપૂર્ણ રીતે કરવા સુચન કરાયું હતું. પરંતુ આંદોલનને ગંભીર બનાવી પથ્થરમારો કરવાનું સુચન કોઈ સત્તાધીશે કરેલ નથી. તેમ છતાં સમગ્ર મામલામાં સત્તાધીશો દ્વારા યેનકેન પ્રકારે હડતાલ સમેટવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વેપારીઓ પર થયેલા કેસ પરત ખેંચવાના મુદ્દે હજુ કોઈ કાર્યવાહી નહીં થતાં યાર્ડ હજુ પણ બંધ અવસમાં છે. ઉપરાંત તેમણે જુથવાદ પર જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં ભાજપ-કોંગ્રેસની વાત ક્યાંય આવતી જ નથી. પરંતુ જે જુથ સક્રિય થયું છે. તેમને હું ખુલ્લા મંચથી જવાબ આપુ છું કે, તમારા રાજકીય રોટલા શેકવાનું બંધ કરો, જો તમને ખરા અર્થમાં ખેડૂતોની ચિંતા હોય તો અમારી સાથે ઉભા રહી સમસ્યાનું નિરાકરણ કઈ રીતે થશે તેમાં સહયોગ આપો, જુવાદ ઉભો કરી ખેડૂત-વેપારીઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. હાલ જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેમાં કહી શકાય કે, ક્યાંક જુથવાદ જવાબદાર છે. પડદા પાછળ રહી ગેરમાર્ગે દોરી પોતાનો રાજકીય ફાયદો લેવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. પરંતુ યાર્ડના સત્તાધીશો દ્વારા તમામ સમસ્યાનો વહેલી તકે નિરાકરણ કરી યાર્ડને ફરી ધમધમતું કરવામાં આવશે.

ભાજપના આગેવાનોની અણઆવડત અને જૂથવાદને પરિણામે મામલો વધુ ગરમાયો: અતુલ કમાણી

રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે ઉભો થયેલો જૂથવાદ ખૂબ ગંભીર બની રહ્યો છે. ત્યારે વેપારી મંડળના પ્રમુખ અતુલ કમાણી બન્ને જૂના ગળાકાપ રાજકારણમાં કિંગમેકરની ભૂમિકામાં આવ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પરંતુ આ મામલે અતુલ કમાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું કોઈ કિંગમેકરની ભૂમિકામાં આવ્યો નથી, મેં કોઈ રાજકીય આગેવાનનો સહારો લીધો પણ નથી અને કોઈ જ જાતનું રાજકારણ યાર્ડ ખાતે કર્યું પણ નથી. આ વિરોધ ખરા અર્થમાં ખેડૂત અને વેપારીઓનો વિરોધ છે. અમારો પ્રશ્ર્ન અત્યંત જરૂરી અને મહત્વપૂર્ણ છે જે માટે અમે લડાઈ લડી રહ્યાં છીએ અને જ્યાં સુધી અમારી સંપૂર્ણ માંગણીઓનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી તમામ વેપારીઓ સ્વયંભૂ બંધ પાળી વિરોધ નોંધાવતા રહેશે.

એક તરફ અતુલ કમાણીએ કિંગમેકરની ભૂમિકામાં હોવાની વાતને નકારી હતી અને બીજી તરફ તેઓ વિશ્ર્વાસ સાથે કહી રહ્યાં છે કે, જ્યાં સુધી કેસ પરત ખેંચવામાં આવે નહીં ત્યાં સુધી તેઓ બંધ પાળશે. જે પરથી સ્પષ્ટ કહી શકાય કે, સમગ્ર મામલામાં અતુલ કમાણી કિંગમેકર તરીકે ઉપસી રહ્યાં છે. ઉપરાંત અતુલ કમાણીએ જણાવ્યું હતું કે, ભાજપના જ બે જૂથો સામસામે આવી લડત ચલાવી રહ્યાં છે, રાજકીય સમીકરણો તેમના પક્ષમાં લાવવા પ્રયત્નો કરી રહ્યાં છે. ત્યારે આ રાજકીય લડત ફકત ભાજપના જુથનો જ છે અને સમગ્ર લડતમાં કોંગ્રેસની કોઈ જ ભૂમિકા નથી. પરંતુ તેમણે અરવિંદ રૈયાણીના નિવેદનનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, અગાઉ યાર્ડના સત્તાધીશો દ્વારા સહયોગ આપવાની વાત કરવામાં આવી હતી. પરંતુ જ્યારે ખરા અર્થમાં સહયોગની વાત આવી ત્યારે સત્તાધીશોએ પીછેહટ કરી હતી અને તેના પરિણામે લડત ઉગ્ર બની હતી. તો ચોક્કસ હોદ્દેદારોની કચાસને કારણે સમગ્ર મામલો આટલી હદે ગંભીર બન્યો છે.

Loading...