Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં આજે દેશની પેપર ઉત્પાદન ક્ષેત્રની અગ્રણી કંપની જે કે પેપર લિમિટેડ એ ગુજરાત સરકાર સાથે રૂ.1500 કરોડના એમઓયુ કર્યા છે.

આ એમઓયુ અંતર્ગત કંપની રૂ. 1500 કરોડના મૂડીરોકાણ સાથે તાપી જિલ્લાના આદિજાતિ વિસ્તાર સોનગઢમાં આવેલા પોતાના પ્લાન્ટનું મોડર્નાઇઝેશન અને  વિસ્તરણ કરશે. આ પ્લાન્ટ ડિસેમ્બર-ર૦ર૦ સુધીમાં ઉત્પાદન કરતો થઇ જવાનો છે.

આના પરિણામે મોટા પ્રમાણમાં સ્થાનિક યુવાનો માટે મળનારા રોજગાર અવસર તેમજ કંપનીના પ્લાન્ટની પર્યાવરણ-સાનુકૂળ ડિઝાઈન અંગે મુખ્યમંત્રીએ હર્ષ વ્યક્ત કર્યો હતો.

આ સમજૂતી કરાર વેળાએ ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ કે દાસ તેમજ ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને ઈન્ડેક્ષ્ટ-બી ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આર.કે બેનીવાલ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વનબંધુ તાપી જિલ્લાના સોનગઢના આદિજાતિ વિસ્તારમાં આવેલું કંપનીનું યુનિટ હાલ 2200 સ્થાનિક યુવાઓને કાયમી રોજગારી પ્રદાન કરી રહ્યું છે.હવે પ્લાન્ટના  વિસ્તરણના લીધે બીજા 1000 સ્થાનિક યુવાનોને રોજગારી પ્રાપ્ત થશે. આ ઉપરાંત  આદિજાતિ ખેડૂતો કંપનીને પેપર મેન્યુફેક્ચરિંગ માટે  કાચો સામાન પણ સપ્લાય કરી શકશે.  અંદાજે ૧૦ હજાર વનવાસી કિસાનોને આના કારણે આર્થિક ફાયદો પણ થવાનો છે.

આ પ્લાન્ટની ડિઝાઈન પર્યાવરણને અનૂકુળ તેમજ પ્લાન્ટની કાર્બન ફુટપ્રિન્ટ ન્યુનતમ હોય તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલું જ નહિ, પ્લાન્ટમાંથી નીકળતું ગંદુ પાણી ટ્રીટ કરીને તેને ફરી ખેતીના ઉપયોગમાં લેવામાં આવશે. કંપની દ્વારા કાચા માલની પ્રાપ્તિ માટે જેટલા વૃક્ષ વાવવામાં આવશે તેનાથી વધુ વૃક્ષ પર્યાવરણના સંવર્ધન માટે પણ વાવવામાં આવશે.

પ્લાન્ટના વિસ્તરણ  માટે કંપની રૂપિયા 1500 કરોડનું મૂડીરોકાણ કરશે. પ્લાન્ટની પલ્પ પ્રોસેસિંગ ક્ષમતા 60,000 ટીપીએ થી વધીને 1,60,000 ટીપીએ થશે.  વિસ્તરણ પામનારા નવા પ્લાન્ટમાં ડુપ્લેક્ષ-કોટેડ બોર્ડ પેપરના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હર્ષપતિ સિંઘાનિયાએ ગુજરાત સરકારની સાતત્યપૂર્ણ ઉદ્યોગ નીતિઓ તેમજ  સ્થિર સુશાસનના પરિણામે અનેક ઉદ્યોગો આજે ગુજરાતમાં કારોબારને વિસ્તારવા આતુર બન્યા છે. ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ મામલે ગુજરાત સતત ટોપ-5 રાજ્યોમાં આવતું રહ્યું છે, જેના લીધે કંપની ગુજરાતમાં લાંબા ગાળાના આયોજન અને મૂડીરોકાણ કરવા પ્રેરાઈ છે તેમ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.