હાલારમાં શ્રાવણીયો જુગાર ધમધમે છે પાંચ દરોડામાં ૨૨ જુગારીયાઓ ઝડપાયા

પોલીસે રોકડ સહિત અડધા લાખનો મુદ્દામાલ કબજે કર્યો

જામનગરના કડીયાવાડમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા પાંચ મહિલા સહિત છને પોલીસે પકડી પાડ્યા છે. તે ઉપરાંત ધોરીવાવ, મોરકંડા, મયુરનગર અને લાલપુરમાં જુગાર પકડવા પોલીસ પાંચ દરોડા પાડ્યા હતાં. તેમાં બાવીસ શખ્સો ઝડપાઈ ગયા હતાં. કુલ રૂ. પંચાવનેક હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જામનગરના રણજીત રોડ પર આવેલા ખાદીભંડાર પાસેની કડીયાવાડવાળી શેરીમાં ગઈકાલે સાંજે જાહેરમાં કેટલાક વ્યક્તિઓ એકઠા થઈ ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી મળતા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ રાણાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના રવિરાજસિંહ, યુવરાજસિંહ, રાજેશ વેગડ સહિતના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી ભરત બચુભાઈ વસાણી તથા દક્ષાબેન ભરતભાઈ વસાણી, સીમાબેન ચેતનભાઈ ઝાલા, જ્યોતિબેન બિપીનભાઈ મકવાણા, રૃપલબેન ઉર્ફે રીટાબેન વિરલભાઈ શુક્લ, દીવ્યાબેન કિશોરભાઈ પંડ્યા નામના છ વ્યક્તિ ગંજીપાના કુટતા મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૂ. ૨૦,૨૦૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

શહેરના વામ્બે આવાસ રોડ પર મયુરનગરમાં કેનાલ પાસે ગઈરાત્રે કેટલાક વ્યક્તિઓ એકત્રીત થઈ જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા રાત્રે દોઢ વાગ્યે સિટી સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં દિલીપ ઉર્ફે દીપકભાઈ સાજણભાઈ ધોકીયા, પિયુષ હિરજીભાઈ લાડવા, ભીમસીભાઈ અરજણભાઈ ભાટીયા, મનિષ બાબુભાઈ પ્રજાપતિ, ભાવેશ રમેશભાઈ ખટાણીયા નામના પાંચ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતાં. પટ્ટમાંથી ૧૨,૨૦૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધાયો છે.

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મોરકંડા ગામમાં ત્રાંસીધાર નામની સીમમાં ગઈકાલે બપોરે લીમડાના ઝાડ નીચે તીનપત્તી રમતા મનોજ ભરતદાસ અગ્રાવત, જગદીશ રણછોડભાઈ સોનગરા, કમલેશ વલ્લભભાઈ પટેલ નામના ત્રણ શખ્સ પકડાઈ ગયા હતાં. રૂ. ૧૦,૪૪૦ કબજે કરાયા છે.

જામનગર તાલુકાના દડીયામાં દલીતવાસ પાસે ગઈકાલે સાંજે રોનપોલીસ રમતા મનસુખભાઈ જગદીશભાઈ પાધરેસા, આલાભાઈ નથુભાઈ પાધરેસા, દિનેશભાઈ નથુભાઈ પાધરેસા, મનસુખભાઈ અમરસીભાઈ મુછડીયા નામના ચાર શખ્સની પોલીસે ધરપકડ કરી પટ્ટમાંથી રૂ. ૨૫૩૦ કબજે લીધા છે.

જામનગર-સમાણા ધોરીમાર્ગ પર આવેલા ધોરીવાવ નજીકની ગણેશ નગર સોસાયટીમાં ગઈકાલે સાંજે પંચકોશી બી ડિવિઝનના હે.કો. સુરેશ ડાંગર, કરણસિંહ જાડેજા વિગેરે સ્ટાફે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી જાહેરમાં તીનપત્તી રમતા ખીમજીભાઈ કાનાભાઈ બગડા, પુનાભાઈ કાનાભાઈ બગડા, હસમુખભાઈ હમીરભાઈ રાઠોડ, હસમુખભાઈ બાબુભાઈ શેઠીયા, ભાવેશ પુનાભાઈ ખરા, ભાવેશ ચનાભાઈ પરમાર નામના છ શખ્સ ઝડપાઈ ગયા હતાં. પટ્ટમાંથી રૂ. ૮૦૨૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

લાલપુર શહેરમાં તબેલા શેરીમાં ગઈરાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા રીયાઝ ઈબ્રાહીમ ચનાણી, અનવર જુમાભાઈ ખફી, દાનીસ હનીફભાઈ ડબગર ઉર્ફે ઓબામા, યુનુસ રજાકભાઈ સૈયદ નામના ચાર શખ્સને પોલીસે ગંજીપાના તથા રૃા. ૧૬૨૦ રોકડા સાથે પકડ્યા છે.

Loading...