Abtak Media Google News

કોરોનામુક્ત થનાર દર્દીઓમાં ચાર વર્ષના બાળક, વૃદ્ધા અને સગર્ભાનો સમાવેશ

જામનગર જિલ્લા માટે વધુ સારા સમાચાર આવ્યા છે જી.જી.હોસ્પિટલમાં થી વધુ છ દર્દીઓ કોરોના મુક્ત થયા છે. કોરોના મુકત થનાર દર્દીઓમાં ચાર વર્ષના બાળક, એક સાત માસના સગર્ભા અને વૃદ્ધાનો સમાવેશ થાય છે. હાલ સુધીમાં જામનગર જિલ્લામાં કુલ ૩૪ પોઝિટિવ કેસ સામે આવેલ છે, જેમાં બે બાળકોના મૃત્યુ થયા હતા જ્યારે  જામનગરના અન્ય ૩૨ દર્દીઓ અને ખંભાળિયાના ૧ દર્દી એમ કુલ ૩૩ દર્દીઓ જામનગરની ગુરુ ગોવિંદ સિંઘ સરકારી હોસ્પિટલ કોવિડ-૧૯ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ હતા. આ દાખલ દર્દીઓમાં જામનગરના ૧૦ અને ખંભાળિયાના ૧ એમ હાલ સુધીમાં કુલ ૧૧ દર્દીઓએ કોરોનાને માત આપી જિંદગીનો જંગ જીત્યો છે.

તા.૧૪ મેના રોજ જામનગરની જી.જી.હોસ્પિટલમાં ત્રણ મહિલા દર્દીઓ કે જેઓ ૪ મે ના રોજ પોઝિટિવ આવેલ હતા, તેમની તબિયત સુધરતા તેમને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ મુંબઈથી આવેલા અને સિંગાપોર જઇ રહેલ સદગૃહસ્થ તેમજ અમદાવાદ ખાતે ફરજ બજાવીને પરત ફરેલા ચેલાના એસ.આર.પી જવાનની તબિયતમાં સુધારો થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

આજે વધુ છ દર્દીઓની તબિયતમાં સુધારો જણાતાં તેમને જી.જી. હોસ્પિટલ જામનગરમાંથી રજા અપાઇ છે. નવી ગાઇડલાઇન મુજબ સાજા થયેલા દરદીએ, હોસ્પિટલમાંથી રજા મેળવ્યા બાદ પણ પાંચ દિવસ હોમ કવોરેન્ટાઈનમાં રહેવાનું હોય, કોરોનાને માત આપીને આવેલા ૧૧ દર્દીઓમાંથી મુંબઈના સદગૃહસ્થને મુંબઈ મોકલવામાં આવેલ છે તેમજ ખંભાળિયાના સગર્ભાને તેમના ઘરે ભાણવડ અને ચાર વર્ષના બાળકને તેના ઘરે કવોરેન્ટાઈન રાખવામાં આવશે. આ સિવાયના આઠ દર્દીઓ કે જેઓના ઘરે હોમ કવોરેન્ટાઈન માટે અલાયદી સુવિધાઓ પ્રાપ્ય નથી તેમને આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર ખાતે કવોરેન્ટાઈનમાં રાખવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.